નોટ આઉટ@ 100: મોહમ્મદ હુસૈન

યુનિયન ટેરિટરી લદાખની રાજધાની લેહના ૧૦૦ વર્ષના મોહમ્મદ હુસૈન એટલે માહિતીનો ભંડાર! હાલની લદાખની પ્રગતિથી મોહમ્મદભાઈ વડાપ્રધાનના ભક્ત બની ગયા છે અને સ્થાનિક લેફ્ટેનન્ટ ગવર્નર તથા તેમની ટીમ ઉપર ખૂબ ખુશ છે. આવો તેમની વાત સાંભળી એ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

૧૯૪૭માં નેતાઓના આતંકવાદને લીધે લદાખ અડધું થઈ ગયું. પંદર જવાનોએ શાહી-ખજાનો બચાવવા તનતોડ મહેનત કરી. મેજર હરિશ્ચંદ્ર 50 સૈનિકો લઈને મદદે આવ્યા ત્યારે તે બચ્યો. તિબેટ અને લદાખ વચ્ચે આપસી સંબંધો ઘણા સારા, બંને બુદ્ધધર્મમાં માને, પણ તિબેટને ચીને પડાવી લીધું, પાકિસ્તાને સીયાચીનને. 15 વર્ષ સુધી લોકોને ખબર પણ ન હતી કે લદાખ ખરેખર ભારતનો ભાગ છે કે નહીં!! અલગ પ્રદેશની માંગ ૧૯૫૦થી કરી હતી. નેતાઓની આપસની લડાઈને કારણે છેક અત્યારે યુનિયન ટેરિટરીનો દરજ્જો મળ્યો. લદાખનો વિસ્તાર ઘણો મોટો પરંતુ વસ્તી માંડ ત્રણ લાખની. ખેતીવાડી, પશુપાલન સિવાય બીજા ઉદ્યોગો નહીં, જેથી કોઈને લદાખના વિકાસમાં રસ નહીં. લદાખે ઘણું ભોગવ્યું છે, ગુમાવ્યું છે, પણ હવે સારા દિવસો આવશે!

નિવૃત્તિની પ્રવૃત્તિ :

મને રિટાયર થયાને 35 વર્ષ થયા. પોલીસમાં કામ કર્યું, 8/- રૂપિયાના પગારથી! બોર્ડર પર ગયો, વર્ધી મળી અને પગાર 65/- રૂપિયાનો! આજે સોળ હજાર રૂપિયાનું પેન્શન મળે છે! પત્ની, દીકરા-દીકરી, પૌત્ર-પૌત્રી અને પ્રપૌત્રી સાથેનું કુટુંબ છે. ચાર પેઢી (નવ સભ્યો) સાથે રહીએ છીએ.

લેહના પ્રતિષ્ઠાવાન કુટુંબમાં જન્મ. આઠમાં ધોરણ સુધી ભણ્યા. બે બેન, મોટીબેન ૧૦૪ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યાં. વેપારી કુટુંબ, પણ પિતાને વેપારમાં રસ નહીં. તેમને ઢોલ વગાડવા બહુ ગમે! સારા-સારા કુટુંબોમાં, પ્રસંગો ઉપર ઢોલ વગાડવા જાય, સંગીતમાં મસ્ત રહે. 60 વર્ષ સુધી તેમનું  “ગાના-બજાના” ચાલ્યું. કુટુંબમાં કોઈને તેમનું કામ ગમે નહીં, એટલે મહંમદ હુસેન સંગીતથી દૂર રહ્યા.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

એકંદરે તબિયત સારી છે. આંખો અને કાન થોડા બેસી ગયા છે, પણ કોઈ મોટી બીમારી નથી. ખાવા-પીવામાં અને હવામાં તાજગી છે એટલે અહીંના લોકો સામાન્ય રીતે તંદુરસ્ત છે. અમારું ખાવાનું બહુ મર્યાદિત છે. યુવાનો શરાબ, સિગારેટ અને ડ્રગ્સથી દૂર રહે છે.

સવારે ઊઠીને બંદગી કરી, ચાલવા જાય. ઘેર આવી ચા-નાસ્તો કરી બજાર જાય. ઘરના મોભીની જેમ શાકભાજી, ફળો અને રોજ-બ-રોજની જરૂરિયાતની વસ્તુઓ લઈ આવે. લંચ લઈને પછી સૂઈ જાય. ઊઠીને ઈવનિંગ વોક પર જાય. સાંજે ફરી બંદગી કરે. બાળકો સાથે વાતચીત કરે, ટીવી ઉપર સમાચાર જુએ અને જમીને આરામથી સૂઈ જાય. ખોરાકમાં સત્તુ અને થુક્પા લે. ક્યારેક ભાત-પુલાવ પણ હોય. પહેલા ચોખા જોવા પણ મળતા નહીં.

યાદગાર પ્રસંગ: 

૧૯૪૭માં સરદાર ડાકોટા પ્લેન લઈને લેહ આવ્યા. લોકો ઘરબાર મૂકીને “બડી ચીડિયા” જોવા દોડી આવ્યા! કોઈ સત્તુની મીઠાઈ બનાવી લાવ્યું, કોઈ માખણ-મિસરી લઈ આવ્યું, કોઈ નરમ ઘાસ લઈ આવ્યું! લોકો સીધાસાદા, ભણતર પણ ઓછું! કોઈ દિવસ વિમાન જોયું જ ક્યાં હોય? તહેસીલદાર અબ્દુલ્લા જાન પાંચમી ભણેલો. જજ પણ એજ. મુનશી પૂનમચંદ ખજાનચી, એમની તાકાતથી ગામ ચાલે. ગામમાં પાંચ જ લોકો ભણેલા!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

બહુ ફરક છે! ગેઝેટેડ ઓફિસરનો ત્યારે સો રૂપિયા પગાર અને અત્યારે બે લાખ રૂપિયા પગાર! ગામમાં સરસ રસ્તા બની ગયા, મોટી મોટી હોટેલો બની ગઈ. એ વખતના લોકો એકદમ ઈમાનદાર. ચોરી-હેરાફેરી બિલકુલ નહીં. લોકો  ભણેલા નહીં, પાસે પૈસા નહીં, પણ એકદમ ઈમાનદાર! અત્યારે પૈસા વધી ગયા, ભણતર વધી ગયું, પણ ઈમાનદારી ખતમ થઈ ગઈ!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ચાર પેઢી સાથે રહીએ છીએ. વળી રાજકારણનો શોખ એટલે યુવાનો સાથે ચર્ચા થાય.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:

ટેકનોલોજીથી તે બહુ ખુશ છે! ટીવી જુએ છે. પહેલા દિલ્હીમાં કંઈ થાય તો અઠવાડિયે લદાખમાં સમાચાર મળે. હવે બધું નજર સામે દેખાય. શ્રીલંકાની, યુક્રેનની પૂરેપૂરી માહિતી તેમને છે, વિગતવાર ચર્ચા કરી શકે છે. તેમનું માનવું છે કે આપસમાં હળી-મળીને આ કિસ્સાઓ સોલ્વ થઈ શકે. દુનિયાના રાજકારણ વિશે ક્લિયર અભિપ્રાય છે. તેઓ માને છે કે અમેરિકા એકબીજાને લડાવીને તમાશો જુએ છે! તીન-તલાકના કાયદાની નાબૂદથી મુસલમાન ઔરતોની મુશ્કેલીમાં ઘણો સુધારો આવ્યો છે.

સંદેશો : 

દેશને માટે કુરબાની આપો અને દેશને માટે કામ કરો.