ગુસ્સો, કામવાસના, લોભ, ઈર્ષા જેવા વિકારોથી મુક્ત થવાનો ઉપાય શું?

પતંજલિ યોગ સૂત્રનો પ્રારંભ એક વાર્તાથી કરીએ. વાર્તા દ્વારા જ્ઞાન સરળતાથી સમજી શકાય છે. 

પુરાતન કાળમાં, એક વખત બધા ઋષિ-મુનિ ભગવાન વિષ્ણુ પાસે ગયા. તેઓએ કહ્યું કે “ભગવાન ધન્વંતરિનો અવતાર ધારણ કરીને, આપે મનુષ્યને આયુર્વેદનું વરદાન આપ્યું છે. છતાં મનુષ્ય શા માટે રોગ થી ગ્રસિત થાય છે? અને તે માત્ર શારીરિક વ્યાધિનો જ ભોગ બને છે તેવું નથી, મનુષ્ય માનસિક અને ભાવનાત્મક અસ્વસ્થતાથી પણ પીડાય છે. ગુસ્સો, કામવાસના, લોભ, ઈર્ષા જેવા વિકારોથી મનુષ્ય પીડિત છે. આ બધી જ અશુદ્ધિઓથી મુક્ત થવાનો શો ઉપાય છે? 

ભગવાન વિષ્ણુ, આ સમયે આદિ શેષા નામક સર્પ પર શયન કરી રહ્યા હતા. આ સર્પ 1000 મસ્તક ધરાવતો હતો. આદિ શેષા એ સજગતાનું, જાગૃતતાનું પ્રતીક છે. ભગવાન વિષ્ણુ એ આ સર્પ વિશ્વને વરદાન સ્વરૂપે આપ્યો, અને તેણે મહર્ષિ પતંજલિ સ્વરૂપે પૃથ્વી પર જન્મ લીધો. મનુષ્યને સર્વ વ્યાધિઓથી મુક્ત કરવા યોગનું જ્ઞાન આપવા, આદિ શેષા એ, મહર્ષિ પતંજલિના સ્વરૂપે પૃથ્વી પર અવતરણ કર્યું. તેમણે યોગનું જ્ઞાન આપ્યું તેને યોગ-સૂત્ર કહેવાય છે.  

મહર્ષિ પતંજલિની શરત હતી, કે જ્યાં સુધી 1000 લોકો એકત્રિત નહીં થાય ત્યાં સુધી તેઓ યોગ સૂત્ર કહેશે નહીં. વિન્ધ્ય પર્વતમાળાની દક્ષિણ તરફ 1000 લોકો એકત્રિત થયાં. મહર્ષિ પતંજલિની બીજી શરત હતી: તેઓ પોતાની અને શિષ્યો વચ્ચે એક આવરણ રાખશે, અને આ પરદાને કોઈએ ઉઠાવવો નહીં તે પણ તેમની શરતનો એક ભાગ હતો. એ ઉપરાંત ચાલુ વ્યાખ્યાન દરમ્યાન કોઈ પોતાની જગ્યા પર થી ઉઠશે નહીં એ તેમની અંતિમ શરત હતી. 

મહર્ષિ પતંજલિ એ પડદા પાછળ થી જ્ઞાન આપવાનો પ્રારંભ કર્યો. બધા જ લોકો પરમ સ્વાસ્થ્યના આ રહસ્યમય જ્ઞાનથી અત્યંત રોમાંચિત હતાં. મહર્ષિ પતંજલિ એક પણ શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર જ્ઞાન પ્રદાન કરી રહ્યા હતા. બધાં અતીવ આશ્ચર્યમાં હતાં કે આ કઈ રીતે શક્ય બની રહ્યું છે? એક પણ શબ્દ બોલાયા વગર જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થઇ રહ્યું છે? ઉર્જા અને ઉત્સાહનો જાણે વિસ્ફોટ થઇ રહ્યો હતો! 

એ જ સમયે એક તરુણને ઉઠીને સભા સ્થાનથી બહાર જવું પડ્યું. તેણે વિચાર્યું કે હું શાંતિથી જઈને પાછો આવી જઈશ. તો તે પોતાના સ્થાનથી ઉઠી ને બહાર ગયો. એ જ સમયે બીજા એક શિષ્યને વિચાર આવ્યો: મહર્ષિ પરદા પાછળ શું કરે છે? મારે જોવું પડશે. 

શિષ્ય એ જેવો પરદો ઉઠાવ્યો કે તરત જ બધા શિષ્યો ભસ્મીભૂત થઇ ગયા. મહર્ષિ પતંજલિ ઉદાસ થઇ ગયા, શું વિશ્વ આ અમૂલ્ય જ્ઞાનથી વંચિત રહી જશે? ત્યાં જ જે તરુણ બહાર ગયો હતો તે આવ્યો. મહર્ષિ એ પૃચ્છા કરતાં તેણે ક્ષમા માંગી અને દેહ શુદ્ધિ માટે બહાર જવા સિવાય કોઈ ઉપાય નહોતો તેમ જણાવ્યું. મહર્ષિ એ વિચાર્યું કે એક શિષ્યને તો આ જ્ઞાન પ્રાપ્ત થશે! પરંતુ નિયમનું તો તેણે પણ ઉલ્લંઘન કર્યું હતું. તો મહર્ષિ પતંજલિ એ તેને બધાં સૂત્રોનું જ્ઞાન આપ્યું, પરંતુ નિયમનું ઉલ્લંઘન કરવાને લીધે તે શિષ્ય ને રાક્ષસ યોનિમાં વૃક્ષ પર રહેવું પડશે અને વિધાન અનુસાર, જો તે કોઈ એક યોગ્ય વ્યક્તિને આ યોગસૂત્રોનુ જ્ઞાન આપશે તો જ તેની મુક્તિ થશે, તેવો શ્રાપ આપીને મહર્ષિ પતંજલિ ત્યાર બાદ અદ્રશ્ય થઇ ગયા. 

વૃક્ષ ઉપર રહીને શિષ્ય દરેક યાત્રીને પ્રશ્ન કરતો, જો તેનો યોગ્ય ઉત્તર ન મળે તો રાક્ષસ યોનિમાં હોઈ, તે યાત્રીનું ભક્ષણ કરતો. આ ક્રમ હજારો વર્ષો સુધી ચાલ્યો. ત્યાર પછી કરૂણાવશ મહર્ષિ પતંજલિ એ પુન: જન્મ લીધો, શિષ્ય ના બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા અને યોગસૂત્રનું જ્ઞાન પોતાના શિષ્ય પાસેથી જ પ્રાપ્ત કર્યું. આ સઘળું જ્ઞાન મહર્ષિ વૃક્ષના પર્ણો પર અંકિત કરતા. આ પ્રક્રિયા દરમ્યાન એક દિવસ મહર્ષિ આરામ કરતા હતા ત્યાં એક બકરી આવી અને તેણે આ પર્ણો ખાવાનું શરુ કર્યું. મહર્ષિ તેમાંથી બહુ જ થોડાં પર્ણો બચાવી શક્યા અને એ જ્ઞાન “પતંજલિ યોગ સૂત્ર” રૂપે વિશ્વને પ્રાપ્ત થયું. 

પુરાણમાં આવી કથા છે. જુઓ, પુરાણોમાં જે કથાઓ હોય છે તે પ્રતીકાત્મક હોય છે અને તેમાં ગહન અર્થ છુપાયેલો હોય છે. પુરાણો ક્યારેય કથાનો અર્થ સમજાવતાં નથી. તે આપણે પોતે જ શોધવાનો અને સમજવાનો હોય છે. 

શા માટે પરદો ઉપર ઉઠાવતાંની સાથે શિષ્યો ભસ્મીભૂત થઇ ગયા? શા માટે એક શિષ્યને ક્ષમા આપવામાં આવી? બકરી શાનું પ્રતીક છે? યોગસૂત્રના સંદર્ભમાં આ વાર્તાનું શું મહત્વ છે? 

આ સઘળા પ્રશ્નો ઉપર આપણે સ્વયં મનોમંથન કરવું પડશે. આવતા સપ્તાહે પ્રથમ યોગસૂત્ર થી પ્રારંભ કરીશું.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)