ઘરડા મા-બાપની અવગણના કરનાર કર્મચારીઓ માટે આસામે ઘડ્યો કાયદો

આસામમાં સર્વાનંદ સોનોવાલના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજ્યમાં ઘરડા લોકોની દેખભાળ માટે એક મહત્વનો ખરડો પાસ કર્યો છે અને તે હવે કાયદો બની ગયો છે. આ કાયદો રાજ્યના સરકારી કર્મચારીઓને લાગુ પડે છે અને ઘરડા માતા-પિતા કે આશ્રિત દિવ્યાંગ ભાઈ-બહેનનાં ભરણપોષણની જવાબદારી ઉઠાવવાનું એમને માટે ફરજિયાત બની ગયું છે.

આ કાયદા અનુસાર, જો કોઈ પણ રાજ્ય સરકારી કર્મચારી તેના ઘરડા માતા-પિતા કે દિવ્યાંગ ભાઈ-બહેનની જવાબદારી લેવામાંથી છટકશે તો એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આસામનો જે કોઈ સરકારી કર્મચારી એના માતા-પિતા કે દિવ્યાંગ ભાઈ-બહેનની દેખભાળ નહીં કરે તો એના પગારમાંથી 10-15 ટકા રકમ કાપી લેવામાં આવશે. તે કાપી લેવામાં આવેલી રકમ તે કર્મચારીનાં માતા-પિતા કે દિવ્યાંગ ભાઈ-બહેનને આપી દેવામાં આવશે.

આ કાયદાને ‘PRANAM’ નામ આપવામાં આવ્યું છે, એટલે કે પેરેન્ટ રીસ્પોન્સિબિલિટી એન્ડ નોર્મ્સ ફોર એકાઉન્ટેબિલિટી એન્ડ મોનિટરિંગ એક્ટ.

આ પ્રકારનો કાયદો ઘડનાર આસામ ભારતનું પહેલું જ રાજ્ય બન્યું છે. આ કાયદાને રાજ્યપાલની મંજૂરી મળશે એ પછી એને રાજ્યભરમાં લાગુ કરવામાં આવશે.

ધારો કે કોઈ સરકારી કર્મચારી કાર્યવાહીમાં દોષી ઠરશે તો એના પગારમાંથી પૈસા કાપી લેવામાં આવશે. જોકે એ માટે કર્મચારીના માતા-પિતા કે દિવ્યાંગ ભાઈ-બહેને એની વિરુદ્ધ સરકારી વિભાગમાં ફરિયાદ નોંધાવવાની રહેશે. એ ફરિયાદની અરજી મળ્યાના 90 દિવસની અંદર એમને રકમ ઉપલબ્ધ કરાવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ કાયદા હેઠળ ભવિષ્યમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને તેમજ રાજ્યના સંસદસભ્યો, વિધાનસભ્યોને પણ આવરી લેવામાં આવશે.

શું છે આ કાયદો?

આ કાયદા અંતર્ગત રાજ્ય સરકારનો જે કોઈ કર્મચારી પોતાનાં માતા-પિતાની જવાબદારી ઉઠાવતો નહીં હોય તો સરકાર એનાં પગારમાંથી 10 ટકા રકમ કાપવાનું શરૂ કરી દેશે. એ કાપેલી રકમ તે કર્મચારીનાં માતા-પિતાને એમનાં ભરણપોષણ માટે એમના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

તે ઉપરાંત જો કોઈ કર્મચારીનો ભાઈ કે બહેન દિવ્યાંગ હશે તો એ કર્મચારીના પગારમાંથી પાંચ ટકા રકમ કાપીને એનાં ભાઈ-બહેનને આપી દેવામાં આવશે.

આ ખરડો રજૂ કરનાર છે આસામ સરકારના નાણાં પ્રધાન હેમંત વિશ્વશર્મા. એમનું કહેવું છે કે રાજ્યમાં છેલ્લા અનેક વર્ષોથી જોવા મળ્યું છે કે સારી સરકારી નોકરી મેળવનાર કર્મચારીઓ એમનાં માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે, જેથી એમની દેખભાળ કરવી ન પડે.

આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે આ કાયદો ઘડ્યો છે. ખરડાને 126-સભ્યોની વિધાનસભામાં સર્વસંમતિથી પાસ કરી દેવામાં આવ્યો છે.

ભારતમાં કોઈ રાજ્યએ આવો કાયદો ઘડ્યો હોય એવો આ પહેલો જ પ્રસંગ છે. આસામે ઈતિહાસ સર્જ્યો છે.

કાયદા સામે કોંગ્રેસનો વિરોધ

જોકે આસામના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને વિપક્ષ કોંગ્રેસના નેતા તરુણ ગોગોઈએ આ કાયદાને અસમ સમાજ માટે અપમાન સમાન ગણાવ્યો છે. એમણે કહ્યું આ કાયદો આસામના સમાજને ખરાબ રીતે ચિતરે છે. ભાજપની સરકાર આવું કરીને એવું બતાવવા માગે છે કે આસામવાસીઓ નિષ્ઠુર છે અને એમના માતા-પિતાની કાળજી લેતા નથી.

બંગાળ સહિત દેશનાં બીજા ઘણા રાજ્યોમાં માતા-પિતાની અવગણના કરવા બદલ સંતાન સામે ક્રિમિનલ પ્રોસીજર કોડની જોગવાઈઓ અંતર્ગત તેમજ 2007માં ઘડવામાં આવેલા માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખભાળ અને સુખાકારીના કાયદા અંતર્ગત પગલાં લેવામાં આવે છે.

ક્રિમિનલ કોડમાં, માતા-પિતાને ભરણપોષણની રકમ ચૂકવવાનો આરોપીને આદેશ આપવાની મેજિસ્ટ્રેટોને સત્તા આપવામાં આવી છે, પરંતુ કોઈ રાજ્યમાં કર્મચારીના પગારમાંથી અમુક રકમ કાપી લેવાની પદ્ધતિ નથી.