શાલિનીની કોલેજમાં દરોજ છેડતી થતી પણ એક દિવસ તો…

‘એ કાલી કાલી આંખે, એ ગોરે ગોરે ગાલ…., ઓ બ્યુટીફૂલ, શું ચાલે છે?’ કોલેજના ગેટની સામે ઉભેલા ચાર છોકરાઓ પૈકી એકે શાલિનીને છેડતા અવાજ લગાવ્યો.

‘નખરે તો દેખો મેડમ કે…’ બીજાએ તેમાં સુર પુરાવ્યો.

‘હાયે મર જાવા…’ કહેતા ચારેય ખીખીયારી કરી હસ્યાં અને છાતી પર હાથ દઈને ઘાયલ થવાની એક્શન કરી.શાલિનીએ ચિડાઈને આ બધું જોયું પણ દાંતમાં હોઠ દબાવતી જલ્દીથી કોલેજના ગેટમાં પ્રવેશી ગઈ.

‘એ લોકોને તું કઈ બોલતી કેમ નથી?’ શાલિનીની બહેનપણી સીમાએ ગુસ્સે થતા પૂછ્યું.

‘એ લોફર લોકો છે. તેને મોઢે લગાડીશ તો મારી જ બેઇજ્જતી થશે. હું અહીં ભણવા આવી છું, આવા લોકો સાથે મારે કોઈ નિસ્બત નથી.’ શાલિનીએ ઉદાસ પરંતુ ચીડાયેલા અવાજે કહ્યું.

‘એવું કરીશું તો તેમની હિમ્મત વધશે અને કાલે વધારે બદમાશી કરશે.’ સીમાએ કહ્યું.

‘કોઈ લફડા થશે તો મારા મમ્મી-પપ્પા મારી કોલેજ બંધ કરાવી દેશે. મારા ઘરમાંથી કોઈ છોકરીના કોલેજ ભણવાની તરફેણમાં નહોતું. મારા માસીએ ખુબ સમજાવીને મારા પેરેન્ટ્સને તૈયાર કર્યા છે. હું એવું કઈ નહિ થવા દઉં જેનાથી મારી કોલેજ બંધ થઇ જાય.’ શાલિનીએ પોતાની વિવશતા દર્શાવતા કહ્યું.

‘આઈ નો. આપણી છોકરીઓની સ્થિતિ જ થોડી અજીબ હોય છે. ઘરની અને બહારની દરેક લડાઈ આપણે એકલા હાથે જ લડવાની હોય છે અને તેમાં એક જીતવા જઈએ તો બીજી હારી જવાનો ડર રહે છે. એની વે. લેટ’સ સી કોઈ હલ નીકળી આવશે.’ સીમાએ કહ્યું ત્યાં સુધીમાં તેઓ ક્લાસમાં પહોંચી ગયા.

ક્લાસ ચાલ્યો અને રીસેસમાં બધા મિત્રો સાથે બેઠા હતા ત્યારે સીમાએ પોતાના ગ્રુપમાં શાલિનીની છેડતીની વાત શરુ કરી.

‘તમને ખબર છે આજે સવારે શું થયું?’ સીમાએ કહ્યું.

‘એવું કઈ નથી. એ વાત ન કર પ્લીઝ.’ શાલિનીએ સીમાને રોકતા કહ્યું.

‘વાત તો કરવા દે. બધાને ખબર તો પડે. કોઈક રસ્તો નીકળી આવશે.’ સીમાએ શાલિનીના હાથ પર પોતાનો હાથ મૂકી તેને દિલાસો આપતા કહ્યું.

બહેનપણીના સ્પર્શથી શાલિનીને વિશ્વાસ બેઠો અને તેણે સીમાને બધી વાત કરવા દીધી. પોતે પણ હકીકતને વિગતથી સૌની સામે મૂકી.

ગ્રુપમાં છ છોકરીઓ અને ચાર છોકરા હતા. સૌએ આ વાત સાંભળી અને તેનો ઉકેલ લાવવા ગંભીરતાથી વિચારવા લાગ્યા. શાલિનીની સ્થિતિ એવી હતી કે તેના ઘરમાં ખબર પડે કે છોકરાઓએ તેની છેડતી કરી છે કે પછી કોલેજ જવામાં કોઈ પણ રીતે સમસ્યા ઉભી થઇ રહી છે તો તેનું કોલેજ જવાનું બંધ થઇ જાય તેમ હતું. આ વાતને ધ્યાનમાં રાખીને જે કઈ પણ સમાધાન નીકળી શકે તે શોધવાનું હતું.

‘હું તો કહું છું આપણે કઈ જ ન કરીએ. આપ મેળે તેઓ થોડા દિવસમાં થાકી જશે અને અહીં આવતા બંધ થઇ જશે.’ શાલિનીએ વિનંતી કરતા કહ્યું.

‘એવું કરવાથી તેમની હિમ્મત વધશે. અત્યારે તો તારી જ છેડતી થઇ રહી છે પરંતુ ધીમે ધીમે બીજી બધી જ છોકરીઓની છેડતી થશે અને જો યોગ્ય જવાબ આપવામાં નહિ આવે તો વધારે ખરાબ પણ થઇ શકે.’ સીમાએ કહ્યું.

‘હા, સાચી વાત છે. આનો ઉકેલ તો લાવવો જ રહ્યો.’ ગ્રુપની બીજી એક છોકરીએ કહ્યું.

સૌની સંમતિ હતી કે આ સહન કરવા જેવું તો નથી જ. કોઈક ઉકેલ તો લાવવો જ પડશે.

‘હું મારા મોટા ભાઈને વાત કરું?’ અહમદ અત્યાર સુધી કઈ જ બોલ્યો નહોતો તેણે પહેલીવાર પોતાનું સૂચન રજુ કહ્યું.

‘તારા ભાઈ તો પોલીસ ઇન્સ્પેક્ટર છે ‘ને? ના ના, આ વાત પોલીસ સુધી પહોંચાડવાની જરૂર નથી.’ શાલિનીએ વિનંતી કરી.
‘હા, તે પોલીસમાં છે પરંતુ હું તેણે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નહિ, મોટાભાઈની જેમ સલાહ આપવા કહું છું. તે તારી સ્થિતિને સમજશે, ચિંતા ન કર.’ અહમદે શાલિનીને વિશ્વાસ અપાવ્યો.

‘તારી જવાબદારી?’

‘હા મારી જવાબદારી. મને એકવાર વાત કરવા દે.’ અહમદે કહ્યું.

બે દિવસ વધારે વીત્યા. શાલિનીની છેડતી થતી રહી. મનોમન તે દુઃખી થઇ રહી હતી અને તેના ગ્રુપના મિત્રોએ પણ ફરીથી તેના વિશે વાત કરી નહોતી. જે ઉત્સાહથી વાતની શરૂઆત થઇ હતી તેનાથી શાલિનીને મનોમન એક આશા બંધાઈ હતી કે તેના મિત્રો કોઈક રસ્તો કાઢશે પરંતુ બે દિવસ સુધી તેનો ઉલ્લેખ પણ નહોતો થયો એટલે હવે તે ચિંતામાં પડી હતી.ત્રીજા દિવસે તે કોલેજના ગેટ પર એન્ટર થઇ રહી હતી ત્યારે ફરીથી ચારેય છોકરાઓએ એવી જ હરકત કરી. છેડતી શરુ થઇ. બીભત્સ અને અભદ્ર શબ્દો બોલાય અને ખરાબ ઈશારા કરાયા. શાલિનીની આંખમાંથી આંસુ વહી રહ્યા અને તે નીચું મોં કરીને આગળ ચાલતી રહી. જલ્દીથી બાકીનો રસ્તો કપાય અને તે કોલેજના ગેટની અંદર દાખલ થાય તેના સિવાય બીજો કોઈ ઉપાય તેને દેખાતો નહોતો.

‘મારી છેડતી કરી? આ છોકરાઓએ મારી છેડતી કરી. પકડો એમને. મારો, મારો. પકડો.’ એવો હોહાપો શાલિનીને સંભળાયો અને તેણે પાછળ ફરીને અવાજની દિશામાં નજર કરી.

ઉંમરમાં થોડી મોટી દેખાતી બે છોકરીઓ ગુસ્સામાં એ ચારેય લોફરો તરફ ધસી રહી હતી અને એ ચારેય છોકરા સ્તબ્ધ દેખાતા હતા. શાલિની પણ સ્તબ્ધ થઇ ગઈ કે આ છોકરાઓ તો તેની છેડતી કરતા હતા તો બીજી બે મહિલાઓ શા માટે એવું બોલી રહી હતી? આખું દ્રશ્ય શાલિની માટે આશ્ચર્યજનક હતું.

બે યુવતીઓ એ ચારેય છોકરાઓ હતા ત્યાં પહોંચી ગઈ હતી. તેમણે આગળ ઉભેલા બે છોકરાઓને તમાચા ઝીંકી દીધા હતા.

‘અમે તમને તો કઈ કહ્યું જ નથી.’ એવી દલીલ કોઈ સાંભળી રહ્યું નહોતું. બંને યુવતીઓએ મચાવેલા કોલાહલને કારણે ટોળું એકઠું થઇ ગયું હતું. બંને યુવતીઓ મોટા અવાજે ફરિયાદ કરી રહી હતી અને સાથે સાથે ચારેય છોકરીઓને પીટી રહી હતી. ટોળાને જોઈને તે ચારેય લુચ્ચાઓ ડરી ગયેલા હતા. આ બધું ચાલતું હતું ત્યાં પોલીસની જીપ આવી અને તેમાંથી ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલ ઉતાર્યા અને ચારેય છોકરાઓની બરાબર ધોલાઈ કરી.

‘ખબરદાર જો આજ પછી અહીં દેખાય છો તો. આજે તો જવા દઉં છું પણ તમારા નામ અને એડ્રેસ લખાવી દો. ક્યારેય ફરિયાદ આવી છે તો જેલની હવા ખાશો.’ ઇન્સ્પેક્ટરની ચેતવણીની અસર થઇ હતી. ચારેય છોકરા તેમની બંને બાઈક લઈને રફફુચક્કર થઇ ગયા. ધીમે ધીમે ટોળું પણ વિખરાઈ ગયું અને શાલિની બીજા વિદ્યાર્થીઓ સાથે કોલેજમાં દાખલ થઇ.

રિસેસમાં ગ્રુપના મિત્રો મળ્યા ત્યારે અહમદે કહ્યું, ‘શાલિની, એ બંને યુવતીઓ મારા ભાઈના પોલીસ સ્ટેશનની કોન્સ્ટેબલ્સ જ હતી.’

ગ્રુપના બધા મિત્રોએ એકબીજાને તાળી દીધી. શાલિનીને બધી જ યુક્તિ સમજાઈ ગઈ.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)