જનતા પાસે વિક્રમી-પ્રમાણમાં રોકડ ઉપલબ્ધ છેઃ RBI

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ કહ્યું છે કે 2021ની 8 ઓક્ટોબરના રોજ સમાપ્ત થયેલા પખવાડિયા વખતે દેશની જનતા પાસે રૂ. 28.30 લાખ કરોડની રકમની ચલણી નોટો વ્યવહાર માટે ઉપલબ્ધ હતી. આ આંકડો અત્યાર સુધીનો સૌથી ઊંચો છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના આદેશને પગલે 2016ની 8 નવેમ્બરે દેશભરમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી જેમાં રૂ.1000 અને રૂ. 500ના મૂલ્યની કરન્સી નોટોના વપરાશ પર તાત્કાલિક રીતે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ રૂ. 500 અને રૂ. 2000ના મૂલ્યની નવી કરન્સી નોટ બહાર પાડવામાં આવી હતી.

આરબીઆઈનું કહેવું છે કે હાલ દેશની જનતા પાસે આર્થિક વ્યવહાર માટે જેટલી કરન્સી નોટો ઉપલબ્ધ છે તે 2016ની 4 નવેમ્બરની તુલનાએ 57.48 ટકા અથવા રૂ. 10.33 લાખ કરોડ વધારે છે. 2016ની 4 નવેમ્બરે જનતા પાસે રૂ. 17.97 લાખ કરોડની નોટ ઉપલબ્ધ હતી. 2016ની 25 નવેમ્બરની તુલનાએ જનતા પાસે હાલ ઉપલબ્ધ રોકડ રકમમાં પણ 211 ટકાનો વધારો નોંધાયો છે. રોકડ સોદાઓ ઓછા થાય અને ડિજિટલ ચૂકવણીઓ વધે એ માટે આરબીઆઈ અને કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. તે છતાં આર્થિક વ્યવસ્થામાં રોકડનું પ્રમાણ સ્થિર રીતે વધતું રહ્યું છે.