કેવી છે અજય દેવગનની ‘રેઈડ 2’?

અજય દેવગનની ‘દ્રિશ્યમ’નો સાર એ હતો કે, લોકો એ જ જુએ છે જે એમને બતાવવામાં આવે છે અથવા જે જેવો દેખાય છે એવો હોતો નથી. 2018માં આવેલી રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત ‘રેઈડ’નો ભાગ બીજો જુઓઃ ઈમાનદાર ઈન્કમ ટૅક્સ ઑફિસર અમય પટનાયક (અજય દેવગન) બીજા ભાગમાં કરપ્ટ છે. બે કરોડની લાંચ લીધી હોવાનું એણે કબૂલાત કરી લીધી છે. બીજી બાજુ, દાદાભાઈ (રિતેશ દેશમુખ)ને વગદાર, માથાભારે, વિલન-ટાઈપ પોલિટિશિયન તરીકે રજૂ કરવામાં આવ્યો છે, પણ એ તો શહેરીજનો માટે ભગવાન છે. રોજ સવારે માતાના ચરણ ધૂએ છે, ગરીબોના પૈસા લૂંટતો નથી, પણ એમને પાછા આપે છે.

જે જેવો છે એવો દેખાશે નહીં. એમ?

2018માં અમય પટનાયકે ઉત્તર ભારતના માથાભારે રાજકારણી-બિઝનેસમૅન રામેશ્વરસિંહ (સૌરભ શુક્લા)ના ઘરે રેઈડ યોજીને ઢગલામોઢે રોકડા, ઘરેણાં, જમીનના કાગ્ઝાત કબજે કરીને એને જેલભેગો કરેલો. આ વખતે અમયનો ટાર્ગેટ છેઃ રામેશ્વરસિંહનો ભત્રીજો, પોલિટિશિયન દાદા મનોહર ભાઈ (રિતેશ દેશમુખ).

‘રેઈડ 2’ 1989માં આકાર લે છે. કતારબંધ ધોળી એમ્બેસેડર કાર અને આયકર વિભાગના અધિકારીઓનો કાફલો રાજસ્થાનના રાજવી (ગોવિંદ નામદેવ)ને ત્યાં કાળું ધન કબજે કરવા જઈ રહ્યો છે એ છે ફિલ્મનો ઉપાડ. માતબર કાળું ધન કબજે કરવામાં આવે છે, પણ અમય પટનાયક પર રાજવી પાસેથી લાંચ લેવાનો આરોપ લાગે છે ને એણે કારકિર્દીની ચુમ્મોતેરમી ટ્રાન્સફર લઈને રાજસ્થાનથી ભોજ નામના શહેરમાં આવવું પડે. ભોજમાં અમય જુએ છે કે શહેરનો સર્વેસર્વા છે દાદા ભાઈ. જે જુઓ તે એનાં ગુણગાન ગાતાં થાકતો નથીઃ “દેવતા છે, દેવતા એ. અમારા માટે કેટલું કરે છે.” પણ અમયને ખ્યાલ આવી જાય છે કે યલો દાલમાં સમથિંગ બ્લૅક છે.  એ પૂરી તૈયારી સાથે દાદાભાઈ પર ત્રાટકે છે, પણ દાદાભાઈ એના કરતાં એક ડગલું આગળ છે,

-અને સરળ લાગતો ટાર્ગેટ અમય માટે માથાનો દુખાવો બની જાય છે, એણે પીછેહઠ કરવી પડે છે. ધડામ્- ઈન્ટરવલ. મધ્યાંતર બાદ અમય (સિનેમાના હીરો લોકો કરે છે એમ) કમબેક કરે છે. એ નક્કી કરે છે કે હવે તો દાદાભાઈ કરતાં ચાર ડગલાં આગળ રહેવું. પછી શું બને છે એ ધારી લેવા માટે કોઈ પ્રાઈઝ રાખવામાં આવ્યું નથી.

‘રેઈડ 2’નાં બે મુખ્ય પાત્રો- અમય પટનાયક અને દાદાભાઈ સતત એક સંવાદ બોલ્યે રાખે છેઃ “જો હોગા વો આંખો કે સામને હોગા.” બસ, તો બધું પ્રેક્ષકોની આંખો સામે જ થતું રહે છેઃ પ્રેક્ષક ધારી લે છે કે હવે આંખો સામે આ થશે, એના પછી આ… ઈવન ધી એન્ડ પણ. એવું પણ નથી કે ધી એન્ડમાં કંઈ જબરદસ્ત વળાંક આવે. વળી જકડી રાખતા ડ્રામામાં સ્પીડબ્રેકર બનીને આવતાં સોંગ્સની શું જરૂર છે? પહેલું ગીત પટનાયકપરિવાર સુખી પરિવારવાળું છે. ટ્રાન્સફર ઑર્ડર મળ્યા બાદ અમય, પત્ની માલિની (વાણી કપૂર) અને બાળકી એક શહેરમાંથી બીજા શહેરમાં જઈ રહ્યાં છે તો ટાઈમ પાસ કરવા ગીત ગાઈ નાખે છે. પછી નવા શહેરમાં અમય સ્ટાફવાળા માટે હોળીનો જશન રાખે છે તેનું ગીત. અમયને પાઠ ભણાવ્યાની ખુશાલીમાં દાદા ભાઈના જશનમાં તમન્ના ભાટિયાનું આઈટેમ સોંગ. અને, 1980માં આવેલી ‘કર્ઝ’ મૂવીનું પૈસા યે પૈસા પણ રાખવામાં આવ્યું છે.

રેઈડ યોજવા જતા અમય પટનાયક જેટલી મોટી ટીમ લઈને જાય છે એટલી જ મોટી ફિલ્મના રાઈટરોની ટીમ છેઃ રાજકુમાર ગુપ્તા-રિતેશ શાહ-આદિત્ય બેલણકર-કરણ વ્યાસ-જયદીપ યાદવ. આવી ટીમ પાસેથી ડિરેક્ટરને અમુક સારા ડાયલૉગ્સનો સપોર્ટ મળ્યો છે. જેમ કે, “સરકાર કોઈ ભી ચલાયે, ડિપાર્ટમેન્ટ તો આપકે ઔર મેરે જૈસે લોગ (સરકારી અધિકારીઓ) ચલાતે હૈં.” અથવા “રાજા કો પકડને કે લિયે હર બાર કિલે પર હમલા કરના ઝરૂરી નહીં હૈ.” સંવાદો ઉપરાંત દિગ્દર્શક રાજકુમાર ગુપ્તાને અમુક સપોર્ટિંગ એક્ટરોનો સ્ટ્રોન્ગ સપોર્ટ મળ્યો. જેમ કે, અમય પટનાયકના સહકર્મચારી લલ્લન સુધીરની ભૂમિકામાં અમીત સિયાલ, ખાઈબદેલા વકીલની ભૂમિકામાં યશપાલ શર્મા, સૌરભ શુક્લા, દાદાભાઈની માતાની ભૂમિકામાં સુપ્રિયા પાઠક, અમયના બૉસની ભૂમિકામાં રજત કપૂર, વગેરે.

ઓકે, બે કલાક ને વીસ મિનિટની ‘રેઈડ 2’ ખરાબ ફિલ્મ નથી, વૉચેબલ છે, પણ એ બહેતર બની શકી હોત એ હકીકત છે.