એક સમયે ભારતીય જનતા પાર્ટીમાં જેમની ગણના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે કરવામાં આવી હતી તે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આજે કહ્યું છે કે પોતે સ્વાસ્થ્યના કારણસર 2019ની લોકસભા ચૂંટણી નહીં લડે.
ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજે અહીં એક કાર્યક્રમ દરમિયાન વાતચીતમાં કહ્યું હતું કે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે કોને ઊભાં રાખવા એ નિર્ણય પાર્ટીએ લેવાનો હોય છે, પરંતુ મેં નિર્ણય લઈ લીધો છે કે હું આવનારી ચૂંટણી નહીં લડું. મારાં આરોગ્યને ધ્યાનમાં લઈને મેં આ નિર્ણય લીધો છે.
66 વર્ષનાં સ્વરાજ 2016માં કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાવ્યું હતું.
સ્વરાજે પોતાનાં નિર્ણયની જાણ પાર્ટીને કરી દીધી છે, એવું પણ એમણે કહ્યું.
સ્વરાજ ભૂતકાળમાં ભાજપનાં પ્રવક્તા પણ રહી ચૂક્યાં છે.
સ્વરાજ મધ્ય પ્રદેશના વિદિશા મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં.
મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. આ રાજ્યમાં ભાજપ ત્રણ મુદતથી સત્તા પર છે.
2014ની લોકસભા ચૂંટણી પૂર્વે, 2013માં સ્વરાજને ભાજપનાં વડાં પ્રચારક તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં, પરંતુ બાદમાં નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા બાદ એમને પોતાની કેબિનેટમાં સામેલ કર્યાં હતાં.
સુષમા સ્વરાજની રાજકીય કારકિર્દી દાયકાઓ લાંબી છે. એ હરિયાણા વિધાનસભાનાં સૌથી યુવાન વયનાં સભ્ય બન્યાં હતાં. 1977માં તેઓ જ્યારે હરિયાણા વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં ત્યાં એમની વય માત્ર 25 વર્ષની હતી. ત્યારબાદ એ હરિયાણાનાં પ્રધાન પણ બન્યાં હતાં.
સ્વરાજે 1998માં દિલ્હીનાં મુખ્ય પ્રધાન તરીકે પણ સેવા બજાવી હતી. એ દિલ્હીનાં પાંચમા અને પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બન્યાં હતાં.
1996 અને 1998માં એ દક્ષિણ દિલ્હીની લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યાં હતાં.
2014ની ચૂંટણી પૂર્વે સ્વરાજ નરેન્દ્ર મોદીના પ્રખર સમર્થક અને ટેકેદાર રહ્યાં હતાં.
સ્વરાજે અટલ બિહારી વાજપેયીની બીજી સરકારમાં માહિતી અને પ્રસારણ પ્રધાન હતાં તેમજ ટેલીકમ્યુનિકેશન તથા આરોગ્ય પ્રધાન તરીકેની અતિરિક્ત કામગીરી પણ સંભાળી હતી.
સુષમા સ્વરાજ ચાર વખત લોકસભાની ચૂંટણીમાં બે વાર રાજ્યસભાની ચૂંટણીમાં જીત્યાં હતાં.
એમને 2004માં અસાધારણ સંસદસભ્ય તરીકેનો એવોર્ડ પણ જીત્યો હતો.
2009થી 2014 સુધી કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ-2 સરકાર વખતે સ્વરાજે વિપક્ષી નેતા તરીકે ફરજ બજાવી હતી. તે લાલકૃષ્ણ અડવાણીના અનુગામી બન્યાં હતાં.