રોચક ઇતિહાસ: અહમદશાહના વડવાઓ હિન્દુમાંથી વટલાઈને મુસ્લિમ થયેલા

મદાવાદનું નામ કર્ણાવતી કરવાનો મુદ્દો ફરી ચમક્યો તેના કારણે અહમદશાહે સ્થાપેલું અહમદાબાદ અને તેનો ઇતિહાસ ફરી ચર્ચામાં આવ્યો. અહીં મૂળ કર્ણાવતી નગરી હતી કે નહીં તેની પણ ચર્ચા થઈ. દરમિયાન જિજ્ઞાસા ખાતર ‘ગુજરાતમાંની ઇસ્લામી સલ્તનતનો ઇતિહાસ’ના થોડા પાનાં વાંચ્યા તો નવાઈ લાગે તેવી માહિતી મળી. ગુજરાત યુનિવર્સિટીએ આ પુસ્તક પ્રગટ કર્યું હતું, જેના લેખક હતા ડૉ. છોટુભાઈ નાયક. ડૉ. નાયક ગુજરાત યુનિવર્સિટીના ફારસી વિભાગના વડા હતા. ફારસી એટલે કે પર્શિયન ભાષાનું ચલણ સલ્તનત સમયમાં રાજકાજમાં હતું. ફારસીના અનેક શબ્દો ગુજરાતીમાં ઉતરી આવ્યા છે. ગુજરાતનો ઇતિહાસ પણ મિરાતે અહમદીમાં અને મિરાતે સિકંદરીમાં લખાયો છે, પણ મૂળ ફારસીમાં છે. આવા ફારસી ગ્રંથો સહિતના સ્રોતોના આધારે આ પુસ્તક લખાયું હતું.

એ પુસ્તકમાંથી જ કેટલીક માહિતી વાંચવાની મજા પડશે, કેમ કે રાષ્ટ્રીય રાજકારણમાં ઇતિહાસને કેવી રીતે જોવામાં આવે છે તે પણ સમજવામાં મદદ મળશે. રાષ્ટ્રીય રાજકારણમાં નામો બદલવા પાછળનું રાજકારણ છે, તેમાં ઇતિહાસ શું હતો તેને પોતાની રીતે મૂલવવાની પણ કોશિશ છે. ‘સાચો ઇતિહાસ’ એ સાચો શબ્દ છે કે કેમ તે પણ વિચારવામાં નાખી દે તેવો છે. ઇતિહાસની વિગતો, ઇતિહાસનું અર્થઘટન અઘરો વિષય છે, પણ વર્તમાન રાષ્ટ્રીય રાજકારણમાં તેનો ઉપયોગ વધ્યો છે. મુસ્લિમ આક્રમણ એ શબ્દ વારંવાર વપરાય છે. વાત ખોટી પણ નથી, પણ આક્રમણ થયા પછી વટલાઇને મુસ્લિમ થયેલા અનેક લોકો બાદશાહો અને સુલતાનો બન્યા તે જાણવા મળે ત્યારે ઇતિહાસને કેવી રીતે મૂલવવો? દબાણથી નહીં, પણ લાલચથી અને અંગત લાભના ઇરાદાથી ધર્માંતર થયા હતા. હિન્દુ પ્રજાનું જે થવું હોય તે થાય, મારું રાજ ચાલવું જોઈએ એવું માનીને રાજાઓએ મુસ્લિમ આક્રમણો સામે લડવાના બદલે તેમની સાથે સમાધાનો કરવાની વૃત્તિ વધારે દાખવી હતી, તે ઇતિહાસ યાદ કરવો આજે ગમે તેવો નથી. આડ વાત કે એક મોચી અને એક ભરવાડ તુગલુક શાસન વખતે વટલાઈને મુસ્લિમ બનીને એટલા શક્તિશાળી થયા હતા કે સલ્તનત નબળી પડી ત્યારે તેને કબજે કરવા પણ કોશિશ કરી હતી.

‘ગુજરાતમાંની ઇસ્લામી સલ્તનનો ઇતિહાસ’ જણાવે છે કે ગુજરાત સલ્તનતની સ્થાપના કરનાર ઝફરખાનના વડવાઓ પંજાબના હિન્દુ રજપૂત હતા. આશાવલ કે આશાપલ્લી નહિ, પણ અશાવળ તરીકે આ વિસ્તાર જાણીતો હતો. તેનો મુખી અશા ભીલ હશે ખરો, પણ તેના પર કબજો દિલ્હી અને પાટણથી ચાલતી સલ્તનતનો જ હતો, તેથી તેને હરાવીને અહીં શહેર સ્થપાયું હતું તેવું કંઈ બેસતું નથી. દરેક ગામ કે થોડા ગામોનો એક સ્થાનિક મુખી, માંડલિક, ભાયાત કે ઘણી હોય, તેના પર નજીકનો રાજા આધિપત્ય ધરાવે અને તેના પર પાટણ અને દિલ્હીની સલ્તનત એવી વ્યવસ્થા હતી. ઇડરના રાજા અને ઝાલાવાડના રાજાઓ થોડીવાર સુલતાનો સામે લડે, વળી સમાધાન કરીને ખંડણી આપે અને વળી પાછા લડે તેવી વિગતો પણ પુસ્તકમાં છે. પણ અહીં અમદાવાદ અને અશાવળ અને ગુજરાતના સુલતાનોના મૂળ પૂરતી વાત મર્યાદિત રાખીએ.તુઘલક અથવા પુસ્તકમાં લખ્યું છે તે પ્રમાણ તુગલુકનું શાસન દિલ્હીમાં હતું ત્યારે તેમના સુબા અથવા નાઝિમ પાટણમાં બેસીને ગુજરાતના રજવાડાં પર ચાલે એટલો હુકમ ચલાવતા હતા. તીમુર લંગે દિલ્હી પર આક્રમણ કરીને લૂંટી લીધું અને તુગલુક બાદશાહ ફિરોઝશાહે ભાગી જવું પડ્યું. તે સાથે જ તુગલુક સલ્તનત નબળી પડી અને ઠેર ઠેર સ્વતંત્ર સલ્તનત ને રજવાડાં થવા લાગ્યા.

ગુજરાતમાં પણ ફિરોઝશાહે જ મૂકેલા ઝફરખાન હવે સ્વતંત્ર સુલતાન બની ગયા હતા. ઝફરખાનનો પૂર્વ ઇતિહાસ પુસ્તકમાં આવ્યો છે, તે જાણવા જેવો છે. ફિરોઝશાહ બાદશાહ નહોતો બન્યો અને શાહજાદો હતો ત્યારની વાત છે. એક દિવસ પંજાબના થાણેશ્વર બાજુ શિકારે નીકળ્યો હતો ત્યારે માણસોથી છુટ્ટો પડીને રસ્તો ભૂલી ગયો. નજીકના એક ગામે પહોંચ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. ગામના પાદરે લોકો બેઠા હતા તેમાં એક જમીનદાર પણ હતો તેણે તેની આગતા સ્વાગતા કરી. લેખક જણાવે છે કે રજપૂત જમીનદાર ચાલાક હતો એટલે પારખી ગયો હતો કે આ માણસ કોઈ શાહી ઘરાનાનો લાગે છે. જમીનદાર સાધુ અને તેનો ભાઇ સધારન ટાંક જાતિના રજપૂત હતા. તેઓ શાહજાદાને મહેમાન બનાવી ઘરે લઈ ગયા. સાધુની પત્ની વધારે ચાલાક હતી. તેને લાગ્યું કે આ માણસનું રહસ્ય જાણવું જોઈએ. તેથી તેણે નાની બહેનને (નણંદને) તેની પાસે મોકલવાનું ભાઇઓને સમજાવ્યું. શાહજાદાને પણ નાની બહેન ગમી હોય તેમ લાગ્યું હતું. તેથી રાત્રે નાની બહેનને શરાબ લઈને શાહજાદા પાસે મોકલવામાં આવી. ફિરોઝશાહને ખૂબ શરાબ પીવરાવ્યો એટલે તે બોલી ગયો કે પોતે દિલ્હીનો શાહજાદો ફિરોઝખાન છે. હવે તેની પાસેથી વચન લેવાયું કે તે આ બહેનને પરણશે. બીજા દિવસે તેને શોધતા સૈનિકો પણ આવી પહોંચ્યા ત્યારે નાની બહેન અને બંને ભાઈઓ પણ તેમના રસાલા સાથે દિલ્હી પહોંચી ગયા.

આગળ જતા ફિરોઝશાહ બાદશાહ થયો ત્યારે અથવા ત્યાં સુધીમાં બંને ભાઈઓએ મુસ્લિમ ધર્મ અંગિકાર કરી લીધો હતો. સાધુનું નામ થયું શમશેરખાન અને સધારનને વજીહ-ઉલ-મુલ્કનો ખિતાબ અપાયો. બંને ભાઈઓ ફિરોઝખાનના સાળા હોવાના નાતે તેમના માનીતા અમીર બન્યા હતા. સધારન એટલે કે વજીહ-ઉલ-મુલ્કનો પુત્ર એટલે ઝફરખાન, જે આગળ જતા ગુજરાતમાં ફિરોઝખાનથી સ્વતંત્ર થયો.સાથે બીજી પણ એક નાનકડી કથા પુસ્તકમાં આપેલી છે. ફિરોઝખાન સૈયદ જલાલુદ્દીન બુખારી નામના સુફીને માનતા હતા. તેથી તેમના આ બંને વટલાયેલા સાળા પણ તેમના મુરિદ થયા હતા. પિતાના પગલે ઝફરખાન પણ સુફી સંતને માનતો હતો. એક વખતની વાત છે કે સુફીના ખાનકાહ (સ્થાનક) ખાતે ફકીરો એકઠા થયા હતા, પણ ભોજનની કોઈ વ્યવસ્થા થઈ નહોતી. તેની ખબર મળતાં ઝફરખાને તાત્કાલિક સૌના ભોજન માટેની વ્યવસ્થા કરી હતી. તેથી ફકીરો રાજી થયા અને આ વાતની જાણ સૈયદ બુખારીને થઈ ત્યારે તેમણે ઝફરખાનને આશિષ આપ્યા કે ગુજરાતના આખા પ્રદેશની હકૂમત તારા નામે બક્ષીસ કરવામાં આવે છે. ઝફરખાને ખુશખબર બેગમને આપ્યા, પણ બેગમે કહ્યું કે તમારી ઉંમર મોટી છે, માટે કેટલાક વર્ષ હકૂમત કરશો. સુફીને અરજ કરીને વારસદારો માટે પણ હકૂમત માગો. તેથી ફરી સુફીને વિનંતી કરાઈ ત્યારે સુફીએ ખજૂરની મુઠ્ઠી ભરીને આપી અને કહ્યું કે તારી આટલી પેઢી ગુજરાત પર રાજ કરશે.

1880માં લેવાયેલો ત્રણ દરવાજાનો ફોટો

અહીં દંતકથાના અંશો ભળી ગયા છે અને સંત કે સુફીના શિષ્યો પોતાના ગુરુના નામે ચમત્કાર ચડાવવા માગતા હોય છે તેનો આ નમૂનો છે. પરંતુ એટલી વાત નક્કી થાય છે કે પંજાબના બે રજપૂત ભાઈઓએ પોતાની બહેનને ફિરોઝશાહને પરણાવી હતી અને પોતે મુસ્લિમ બનીને શક્તિશાળી બન્યા હતા. (પુસ્તકની પાદટીપ અનુસાર કેટલાક ગ્રંથોમાં થાણેશ્વરનો બનાવ ઠાસરામાં બન્યો હતો તેવું લખાયેલું છે. તેનો અર્થ એ થયો કે ગુજરાતના જ વટલાયેલા સધારનના સંતાનો ગુજરાતના મુસ્લિમ સુલતાન બન્યા હતા!) દરમિયાન ગુજરાતમાં નિમાયેલો નાઝિમ દાદ આપતો નહોતો તેથી તેને હટાવીને તેની જગ્યાએ ફિરોઝશાહે ઝફરખાનને ગુજરાત મોકલ્યો. જોકે ગુજરાતનો સુબો મલેક મુફર્રહ માનવા તૈયાર નહોતા, તેથી લડાઈ પણ થયેલી અને ઝફરખાને તેને હરાવીને આખરે પાટણ પર દિલ્હીના નિઝામ તરીકે કબજો કર્યો.

દિલ્હીમાં પણ હવે કથા આગળ વધે છે, જેના તંતુ ગુજરાત સાથે જોડાશે. ઝરફખાનને ગુજરાત મોકલ્યો હતો, પણ તેના પુત્ર તાતારખાનને ફિરોઝશાહે પોતાની પાસે દિલ્હીમાં રાખ્યો હતો. પોતે તેને પુત્રવત ગણે છે એમ તેણે કહ્યું હતું, પણ તે જમાનામાં સુબાઓના સંતાનોને દિલ્હીમાં રખાતા હતા, જેથી બળવો કરતા પહેલાં સંતાનોની સલામતીનું વિચારે. જે હોય તે વટલાયેલા સધારનનો દીકરો ગુજરાતનો નાઝિમ બન્યો હતો અને તેનો દીકરો તાતારખાન દિલ્હીના દરબારમાં શક્તિશાળી અમીર બન્યો હતો. એટલો શક્તિશાળી બની ગયો હતો કે તીમુર લંગના આક્રમણ પહેલાંથી જ ફિરોઝશાહને જ ઉથલાવી નાખીને દિલ્હીનું તખ્ત કબજે કરવા માગતો હતો. તેણે અમીરોને સાધવાનું શરૂ કર્યું અને સન 1398માં ગુજરાત આવીને પિતા ઝફરખાનને પણ કહ્યું કે સેના તૈયાર કરો, દિલ્હીમાં આંકડે મધ છે.
જોકે ઝફરખાને જોખમ ના લેવા જણાવ્યું. દરમિયાન તીમુર લંગનું આક્રમણ થયું અને સ્થિતિ પલટાઈ એટલે તાતારખાન હવે ગુજરાતમાં જ પિતા સાથે રહ્યો અને ઇડર અને સોમનાથ પર આક્રમણો કર્યા. પુસ્તકમાં વચ્ચે ઉલ્લેખ આવે છે કે ઝફરખાને પણ સોમનાથનું મંદિર તોડ્યું હતું અને ત્યાં મૂર્તિપૂજા બંધ કરાવી હતી.

થોડા વર્ષો પછી ફરીથી 1403માં તાતારખાને પિતાને કહ્યું કે તીમુરના આક્રમણ પછી દિલ્હી સલ્તનત નબળી પડી છે ત્યારે ઘા મારી લઈએ. ઝફરખાનની ઉંમર હવે 60થી વધારેની હતી. તેણે ફરી સાહસ ના કરવાની સલાહ આપી તેથી તાતારે હવે બાપને જ કેદ પકડ્યો અને તેને અશાવળમાં કેદ કરીને રાખ્યો. બાપને કેદ કરીને તે હવે ગુજરાતનો સુલતાન બન્યો. તેણે પોતાના માટે મોહમ્મદશાહ એવો ખિતાબ પણ ધારણ કર્યો. તેથી ઝરફખાન પ્રથમ સ્વતંત્ર શાસક અને તેનો પુત્ર તાતાર ઉર્ફે મોહમ્મદશાહ પ્રથમ સુલતાન એવી ગણતરી ઇતિહાસકારો કરે છે. હવે વળી અસ્પષ્ટ માહિતી સાથેનો ઇતિહાસ આવે છે. પિતાને કેદમાં કરીને, લશ્કર તૈયાર કરીને તાતાર ઉર્ફે મોહમ્મદશાહ દિલ્હી આક્રમણ કરવા નીકળ્યો, પણ વચ્ચે રાજપીપળામાં ગોમલસિંહ ગોહિલ સામે લડવા માટે જવું પડ્યું. ગોમલસિંહને હરાવીને ફરી દિલ્હી તરફ જવા નીકળ્યો ત્યારે નર્મદા વટાવ્યા પછી સીનોરમાં પડાવ નાખ્યો હતો. સીનોરમાં ખરાબ હવામાનમાં તેની તબિયત બગડી અને તેનું મોત થયું.

આ કથાનું બીજું વર્ઝન પુસ્તકમાં એવું પણ આપ્યું છે કે તેને બહુ શરાબ પીવાની ટેવ હતી તેથી મરી ગયો હતો. ત્રીજું વર્જન એવું છે કે ઝફરખાનના નાના ભાઈ શમ્સખાને (તાતારના કાકાએ) તેને ઝેર આપી દીધું હતું. ઝફરખાન અશાવળમાં કેદ હતો. તેણે ભાઈને કોઈક રીતે સંદેશ મોકલ્યો હતો કે તાતારે મને કેદ કર્યો છે અને તે ખોટા રસ્તે જઈ રહ્યો છે. તેથી તેને તું અટકાવ. કાકા શમ્સખાનને તાતારે મુખ્ય વજીર બનાવ્યો હતો, પણ હવે તેણે જ સીનોરમાં ઝેર અપાવી દીધું એવું મનાય છે. સીનોરથી તેણે અશાવળ જઈને ભાઈ ઝફરખાનને છોડાવ્યો અને (ફેબ્રુઆરી-માર્ચ 1404) ઝફરખાને ફરી પાટણની ગાદી કબજે કરી. લેખક એવો પણ ઉલ્લેખ કરે છે કે પુત્રને મરાવી નાખીને ઝફરખાન દુઃખી પણ થયો હતો. ત્રણ વર્ષ અને સાત મહિના શોક પાળ્યો હતો. પછી અમીરોના કહેવાથી શોકમાંથી બહાર આવ્યો, મુઝફ્ફરશાહનો ખિતાબ ધારણ કર્યો, પોતાના નામના સિક્કા પડાવ્યા, તાતારના પુત્ર અને પોતાના પૌત્ર અહમદખાનને વારસ જાહેર કરીને તેને શાસનની તાલીમ આપવાનું શરૂ કર્યું. થોડા વર્ષો માળવા અને કંથકોટ સામે નાની મોટી લડાઈ કર્યા પછી 1410માં આખરે તેણે વારસદાર પૌત્ર અહમદખાનને નાસિરુદ્દીન અહમદશાહનો ખિતાબ આપીને સત્તાવાર રીતે પાટણની ગાદીએ બેસાડ્યો. પાંચ મહિના પછી તેનું મૃત્યુ થયું.

અહેમદાબાદ નગરરચનાનો મૂળ પ્લાન,જેમાં અશાવલ દરવાજાની બહાર છેઃ તસવીર સૌજન્ય ગુજરાત હિસ્ટ્રી

તેના મૃત્યુ વિશે પણ બે વર્ઝન છે. એક કુદરતી રીતે મૃત્યુ પામ્યાની વાત છે, પણ પુસ્તકમાં આપેલી બીજી કથા અનુસાર દાદાને તેના પૌત્ર અહમદશાહે જ મારી નાખ્યો હતો. કથા અનુસાર અહમદશાહ ગાદીએ બેઠો ત્યારે અશાવળમાં ફરી કોળી લોકોનો બળવો થયો હતો. તેથી તેને દાબી દેવા માટે અહમદશાહને મોકલ્યો. અહમદશાહે પાટણ બહાર નીકળીને માનસરોવર નજીક છાવણી નાખી. ઉલેમાઓની મજલિસ બોલાવીને પૂછ્યું કે પિતાને અન્યાયી રીતે કોઈ મારી નખાવે તો મરનારનો પુત્ર વેર લઈ શકે કે કેમ. ઉલેમાઓએ હા પાડી અને ફતવો આપ્યો તે ફતવો લઈને અહમદશાહ પાટણ પાછો ફર્યો અને દાદાને પકડીને ઝેર પી લેવાની ફરજ પાડી મારી નાખ્યો.
આ રીતે 1411ના પ્રારંભમાં માત્ર 19 વર્ષની ઉંમરે 1411માં અહમદશાહ ગુજરાતનો, પાટણનો બાદશાહ બન્યો હતો.

તે પછી કાકાઓએ બળવો કર્યો અને તેને શમાવ્યો અને આગળ જતા અશાવળ પાસે સુફી ગુરુના આશિષ સાથે અમહદાબાદની સ્થાપના કરી વગેરે વિગતો પુસ્તકમાં આવે છે. જબ કુત્તે પે સસ્સા ધાયા, તબ બાદશાહને શહર બસાયા એવી વાત નથી આવતી. ફિરોઝશાહ નામના કાકાની આગેવાની હેઠળ બળવો થયો હતો તેને સમાવવા માટે તેણે ભરૂચના કિલ્લા પર હુમલો કરીને કાકાઓને હરાવ્યા હતા. તે બધા શરણે આવ્યા એટલે માફી અને ફિરોઝશાહને વડોદરાને બદલે દૂર નવસારીની જાગીરમાં મોકલી આપ્યો. ભરૂચથી પરત ફરતા અશાવળ પાસે તે રોકાયો હતો.

અમદાવાદનો પાયો નાંખનાર અહેમદ ખટ્ટુ ગંજબક્ષ-સરખેજનો રોજો

સાબરમતી નદીના કિનારે લટાર મારી હતી અને આ સ્થળ તેને પસંદ પડી ગયું હતું. તેમણે (સરખેજના રોજાવાળા) પીર હજરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષની સલાહથી ત્યાં રાજધાની વસાવવાનું નક્કી કર્યું. 26 ફેબ્રુઆરી 1411ના રોજ પાયો નંખાયો. પોતાનું નામ અહમદ ખરું, પણ પીરનું નામ પણ અહમદ હતું, તથા અન્ય બે સુફીઓના નામ પણ અહમદ હતા, તેથી અહમદાબાદ એવું નામ નક્કી થયું હતું.