અનામતનો ખતરનાક ખેલઃ રાજકીય ખરો, સાથે મનુવાદી પણ

નામતના મુદ્દે હાલમાં રાજકારણ વધી પડ્યું છે તે બધા સ્વીકારશે. ચૂંટણીની નજીકના સમયમાં નેતાઓ અમુક જ્ઞાતિને ઉશ્કેરીને વાતાવરણ ડહોળી નાખે, પછી તેમાંથી ફાયદો લેવાની કોશિશ કરે. હરિયાણામાં જાટ, ગુજરાતમાં કણબીપટેલ અને મહારાષ્ટ્રમાં કુણબીમરાઠામાં આ ખેલ કરાયો છે. પરંતુ આ માત્ર રાજકીય નથી, પણ સામાજિક છે અને સામાજિક તાણાવાણાને ફરી વીંખી નાખીને મનુવાદી દૂષણ સમાજમાં ચાલુ રહે તેવી ચાલબાજી છે.

અનામત આંદોલનોનું રિએક્શન એ આવ્યું છે કે ઓબીસી જ્ઞાતિઓ પોતાની ઓળખ માટે વધારે સક્રિય બની છે. હવે કોઈ ક્રાઇમની મોટી ઘટના બને ત્યારે પણ જ્ઞાતિને હાનિ થઈ છે તે બહાને સમાજને એકત્ર કરવામાં આવે છે. થોડા વખત પહેલાં ઉત્તર ગુજરાતમાં એક જ્ઞાતિની દીકરી પર ઉત્તર ભારતીય દ્વારા બળાત્કારની ઘટના બની. તેની સામે સ્વાભાવિક છે કે રોષ જાગે, અને માત્ર તે સમાજમાં નહિ, બધા જ સમાજમાં રોષ હતો. પરંતુ આ કેસમાં જે તે જ્ઞાતિના નેતાઓ કુદી પડ્યા અને ઉત્તર ભારતીયો પર મોટા પાયે હુમલા શરૂ થયા હતા. બળાત્કારની ઘટનામાં સમાજના બધા વર્ગોએ એક થઈને અપરાધીઓને ડરાવવાના હોય, પરંતુ રાજકીય માણસો તેમાં કુદ્યા તેના કારણે એક જ્ઞાતિ વિરુદ્ધ એક વર્ગની સ્થિતિ ઊભી થઈ હતી.

સરખામણી કુણબીમરાઠા આંદોલન સાથે પણ થઈ શકે તેમ છે. અહમદનગરના કોપારડી ગામમાં કુણબીમરાઠા જ્ઞાતિની યુવતી પર બળાત્કાર થયો. તેની સામે ભારે રોષ જાગ્યો હતો. અહીં પણ જ્ઞાતિના ધોરણે વિરોધ જાગ્યો, કેમ કે અપરાધીઓ દલિતો હતા. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માગણી સાથે દલિતોની સુરક્ષા માટે બનાવાયેલા એટ્રોસિટી એક્ટનો પણ વિરોધ શરૂ થયો હતો. ધીરે ધીમે મુખ્ય મુદ્દો બાજુમાં રહી ગયો અને એટ્રોસિટીના બહાને દલિતવિરોધ મુખ્ય બન્યો. વિરોધમાંથી મરાઠા ક્રાંતિ મોરચાની રચના થઈ અને ગામેગામ રચના થવા લાગી. ગામેગામ મરાઠા ક્રાંતિ મોરચાની રચના પછી ધીમે ધીમે બળાત્કાર અને એટ્રોસિટી કાયદો દૂર કરવાની માગણી બાજુએ રહી ગઈ અને અનામત આપવાની માગણી મુખ્ય બનાવી દેવામાં આવી.

ગુજરાતમાં તેનાથી ઉલટો પ્રવાહ થયો હતો. ગુજરાતમાં આંદોલન અનામતના નામે શરૂ થયું અને તે પછી તેમાં ખેડૂતોની દેવા માફીનો મુદ્દો ઉમેરી દેવાયો. આગળ જતા અનામત આંદોલનના નેતાઓ શિક્ષણનું ખાનગીકરણ અને દારૂબંધીના ઢીલા અમલ સામે પણ આંદોલનમાં દેખાવા લાગ્યા. સ્પષ્ટપણે રાજકીય હેતુ ખાતરના આ મુદ્દા હતા તે સમજી શકાય છે. પરપ્રાંતિયો સામેનો રોષ એવા મુદ્દા પર વાજબી લાગશે કે તેમના કારણે સ્થાનિક લોકોની રોજગારીને અસર થાય છે અને અપરાધ કરનારામાં પરપ્રાંતીયોની સંખ્યા મોટી હોય છે. પણ આ મુદ્દા વ્યાપક નથી અને સર્વસાધારણ રીતે બધા કિસ્સામાં લાગુ ના પાડી શકાય. પરંતુ આવા લાગણીના મુદ્દાના બહાને પોતાની જ્ઞાતિના લોકોને સહેલાઈથી એકઠા કરી શકાય છે. પોતાનું રાજકીય કદ વધારી શકાય છે.

ગુજરાતમાં પણ 2017માં વિધાનસભાની ચૂંટણી પહેલાં અનામત આંદોલનનો બરાબરનો રાજકીય રંગ બહાર આવી ગયો હતો. ભાજપ અને કોંગ્રેસે બંનેએ તેનો ફાયદો લીધો છે. કેટલાક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા, કેટલાક કોંગ્રેસમાં જતા રહ્યા. ભાજપની આંતરિક જૂથબંધીમાં એક જૂથને પાડી દેવા માટે જ મૂળે તો આંદોલનને ચગાવાયું હતું તે મુદ્દો પણ છે અને તે પણ રાજકીય મુદ્દો જ છે. કોંગ્રેસને ખ્યાલ આવી ગયો કે આ આંદોલનના નેતાઓને સાધી લેવાથી ભાજપને ફટકો મારી શકાશે. તેથી કોંગ્રેસે પણ લેવાય તેટલો લાભ લઈ લીધો.હરિયાણામાં જાટ આંદોલન ચગાવીને બિનજાટ મતોનું કોન્સોલિડેશન કરી લેવાયું હતું. વર્ષોથી રાજકારણમાં જાટના પ્રભુત્વ સામે પડકાર ફેંકવા બાકીની જ્ઞાતિઓને ઉશ્કરવાનું કારણ પણ એટલા માટે મળી ગયું કે આંદોલન વખતે તોડફોડમાં અન્ય જ્ઞાતિઓની મિલકતોને નુકસાન થયું હતું. સત્તામાં આવ્યા પછી ભાજપે બિનજાટ નેતાને મુખ્ય પ્રધાન બનાવ્યા. ગુજરાતમાં બિનપટેલને અને મહારાષ્ટ્રમાં પણ બિનમરાઠાને મુખ્ય પ્રધાન બનાવ્યા છે.

આ થયા રાજકીય મુદ્દા, જે સ્વાવાભિક છે અને સહજ છે. કોઈ પણ મુદ્દો મોટો બને ત્યારે તેનો રાજકીય લાભ લેવાની કોશિશ મુખ્ય રાજકીય પક્ષો કરે. તેની નવાઈ નથી અને બહુ મોટું નુકસાન પણ નથી, કેમ કે એક રાજકીય પક્ષ લાભ લેવા કુદે ત્યારે બીજો રાજકીય પક્ષ પણ તેમાં ઝૂકાવે છે. સબરીમાલાના મુદ્દામાં શરૂઆતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો. લોકોમાં આ મુદ્દે કેટલો ઉશ્કેરાટ થશે તેનો કદાચ અંદાજ નહિ હોય. પણ કેરળની ડાબેરી સરકારને સ્થાનિક પરિસ્થિતિનો અંદાજ વધારે હશે તેથી તેણે સાવચેતી રાખી હતી. તે પછી લાગ્યું કે આમાં ડાબેરી પક્ષો ફાવશે એટલે ભાજપ અને કોંગ્રેસે બંનેએ ઝૂકાવ્યું. બંનેએ લોકોના ટોળા જોયા પછી ચુકાદોનો વિરોધ વધારે સ્પષ્ટપણે શરૂ કર્યો અને મહિલાઓ મંદિરમાં પ્રવેશી ના શકે તેનું આંદોલન કરનારા લોકોને સમર્થન આપવાનું શરૂ કરી દીધું હતું. સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ કરતાં રોકીને નેતાઓ આપણને ફરી મધ્યયુગમાં લઈ જવા માગે છે, અને દુઃખની વાત એ છે કે હજીય મોટી સંખ્યામાં લોકોનો તેમને સાથ મળી રહે છે. તેનો રાજકીય ફાયદો મળે છે, પણ સાથે જ મનુવાદીઓને પણ ફરી તક મળી રહી છે કે જૂની અત્યાચાર વર્ણ વ્યવસ્થા ફરી લાવવી.

જ્ઞાતિ વ્યવસ્થામાં કેટલીક જ્ઞાતિઓને વિશેષ ફાયદો થાય છે. સમય વીતવા સાથે વ્યવસાયોમાં અમુક જ જ્ઞાતિ હોય તે વાત ઘટવા લાગી છે. નવી પેઢીમાં પણ દોસ્તી અને લગ્ન બંનેમાં જ્ઞાતિને ખાસ ધ્યાનમાં લેવાતી નથી. શહેરીકરણને કારણે પણ જ્ઞાતિ ઓળખ આછી થવા લાગી છે, ત્યારે આ બધા લક્ષણો જ્ઞાતિ ઓળખને વધુ દૃઢ કરવાના છે. ભૂલાઈ રહેલી જ્ઞાતિ લોકોને યાદ કરાવવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં બહુ ઇન્ટરેસ્ટિંગ સ્થિતિ ઊભી થઈ છે. મરાઠાને અનામતની જાહેરાત સાથે જ કુણબી નેતાઓએ નિવેદનો આપ્યા છે કે તેઓ આનો વિરોધ કરશે. મરાઠાને ઓબીસીમાં અનામતનો વિરોધ કુણબીમાંથી જ શરૂ થયો છે અને અન્ય ઓબીસી સાથે જોડાઈને ઓબીસી કોઓર્ડિનેશન કમિટિ પણ બનાવી છે. અત્યાર સુધી કુણબી પોતાને મરાઠા ગણાવે ત્યારે મરાઠા નાકનું ટિચકું ચડાવતા હતા. અમે કુણબી નથી, અમે કુલી મરાઠા છીએ એવું કહેતા હતા. કુલી મરાઠા તરીકે 96 અટકોને ગણવામાં આવે છે. તેઓ માને છે કે પોતે અસલી મરાઠા, બાકી બધા કુણબી. પરંતુ અનામતનો લાભ અને તે બહાને સરકારી તંત્રમાં ઘૂસીને વગ જાળવવી અને રાજકીય લાભ લેવાની પણ વાત આવી ત્યારે અમે પણ મૂળ તો કુણબી જ છીએ એવી વાત મરાઠાઓએ શરૂ કરી હતી. સાચી વાત એ છે કે કુલ મરાઠા કુણબી સાથે લગ્ન વ્યવહાર કે સામાજિક વ્યવહાર રાખતા નથી.

મંડલ પંચ જ્યારે સર્વે કરી રહ્યું હતું ત્યારે પણ મરાઠાએ અમે તો ઊંચા એમ કહીને પછાત ગણાવા માટે ઇનકાર કર્યો હતો. ત્યારે કુણબીએ પણ પોતાને મરાઠા ગણીને પછાત બનવા તૈયારી દાખવી નહોતી. આગળ જતા 2001માં કુણબીને ઓબીસી સામેલ કરાયા હતા. કુણબી નેતા અને નવી મુંબઈ મહાપાલિકાના ડેપ્યુટી મેયર અવિનાશ લાડ કહે છે કે, ‘અમે કુણબીઓ ખેતમજૂરો વધારે છીએ અને જમીનદાર મરાઠાઓએ અમારું આજ સુધી શોષણ જ કર્યું છે. મરાઠાઓ તેમના દીકરા દીકરીને કુણબી સાથે પરણાવતા નથી. તેમણે અત્યાર સુધી અમારી સાથે પક્ષપાત કર્યો અને હવે અનામત લેવાની આવી એટલે પોતાને કુણબી ગણાવે છે. અમે કોર્ટમાં જઈશું અને મરાઠાને ઓબીસીમાં સમાવાનો વિરોધ કરીશું.’

કોંગ્રેસના મહામંત્રી અને કુણબી સેનાના વિશ્વનાથ પાટીલ કહે છે કે “મરાઠાને અનામત કોઈ રીતે બંધારણની જોગવાઈમાં બંધબેસતી નથી. આવા વગદાર વર્ગને ઓબીસીમાં મૂકાય તો અમને નુકસાન થાય.” નાગપુરના કુણબી નેતા દ્યાનેશ્વર વાકુડકર કહે છે કે મરાઠાએ ઓબીસીમાં અનામત માગવાના બદલે ઓબીસીનો ક્વોટા જે અત્યારે મહારાષ્ટ્રમાં માત્ર 19 ટકા જ છે, તેને વધારીને 52 ટકાનો કરવાની માગણી કરવી જોઈએ.

આ રીતે મહારાષ્ટ્રમાં પણ વિરોધ શરૂ થયો હતો અને તેથી ભાજપે પણ ઓબીસીના બદલે સોશિયલ એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ એવી નવી કેટેગરી ઊભી કરીને અનામત આપવાનું ગાજર મરાઠાઓ સામે લટકાવ્યું છે. તેનો રાજકીય ફાયદો જે થાય, પણ તેના કારણે મનુવાદી ફાયદો ઓલરેડી થઈ ગયો છે. કુણબીમરાઠા અને મરાઠાકુણબીમાં ફરી સ્પષ્ટપણે ભાગલા પડી ગયા. ઓબીસી કોઓર્ડિનેશન કમિટિ પણ હવે વધારે સક્રિય બનશે અને તેના કારણે ઓબીસી જ્ઞાતિઓમાં પણ જ્ઞાતિની ઓળખ વધારે દૃઢ થશે.

મૂળ અનામત પ્રથા જ્ઞાતિની ઓળખને દૃઢ કરનારી છે એ દલીલ સામે જવાબ આપવો મુશ્કેલ છે. અનામત પ્રથા છે ત્યાં સુધી લોકોએ કમ સે કમ પોતાના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જ્ઞાતિ લખાવવી જરૂરી રહેશે. તે રીતે જ્ઞાતિની ઓળખ સૌને યાદ અપાવાય છે એ વાત સાચી, પણ માત્ર સરકારી નોકરી સિવાય બીજે આ ઓળખ બહુ કામ આવતી નથી. તેના કારણે સામાન્ય વલણ એવું રહ્યું છે કે ઓળખ ભલે ભૂંસાઈ ના જાય, પણ તે દૃઢ ના બને. સરકારી નોકરીઓ સમગ્ર નોકરીમાં માત્ર ચાર ટકા જેટલી થાય છે. તેના કારણે આમ પણ અનામત પ્રથાને કારણે જ રોજગારી મેળવવાની વાત બહુ મોટો ફાયદો કરાવનારી નથી. મોટી સંખ્યામાં યુવાનો બિનસરકારી નોકરીમાં લાગી જાય છે અને ત્યાં તેમણે પોતાની જ્ઞાતિને યાદ કરવી પડતી નથી.અનામત આંદોલનોને રાજકીય પક્ષો ફૂંક મારીને સળગાવે છે તેમાં રાજકીય હેતુની સાથે જ મનુવાદી હેતુઓ સાધનારાને પણ માફક આવી ગયું છે. બીજો ખતરનાક ખેલ સમૃદ્ધ વર્ગ માટે પણ અનામત માગીને અનામત પ્રથાને રદ કરવાની માગણી ઊભી થાય તેવો પણ છે. અમને નહિ તો કોઈને નહિ એવી સંકુચિત દૃષ્ટિ સાથે અનામતને વહેલા ખતમ કરી નાખવાની ગણતરી પણ કેટલાક જૂથોની છે. અનામત ક્યારેય તો બંધ કરવી પડશે, પણ અત્યારે તેનો સમય આવ્યો છે ખરો એ વિચારવું જરૂરી છે. અનામત પાછળનો ઇરાદો સમાજમાં સમાનતા આવે તેનો હતો તે સમાનતા આવી છે ખરી?

સમાનતા નથી આવી, પણ લાવવાની કોશિશ કરવાની છે. અનામતના કારણે જ્ઞાતિની ઓળખ રાખવી પડે છે, પણ તે સિવાયની બાબતમાં જ્ઞાતિની ઓળખ ઓછી થાય તેવી કોશિશ કરવાની છે. કોશિશ એવી કરવાની છે કે પૂરતા પ્રમાણમાં નોકરીઓ ઉપલબ્ધ હોય. શિક્ષણની વ્યવસ્થા એવી હોય કે ભણવા માટેની તક સૌને મળે. એ થોડી લાંબી યાત્રા છે, પણ અત્યારે સૌ ટૂંકી યાત્રાએ નીકળ્યા છે. જ્ઞાતિ ઓળખને દૃઢ કરો અને લેવાય તેટલો ફાયદો લઈ લો.