અભિનેતામાંથી બનશે નેતાઃ રજનીકાંતે રાજકારણમાં પડવાનો નિર્ણય જાહેર કર્યો

દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે રાજકારણમાં પડવાનો નિર્ણય જાહેર કર્યો છે. એ પોતાની પાર્ટી બનાવશે અને તામિલનાડુમાં ચૂંટણી લડશે.

રજનીકાંત રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં? એ મુદ્દો છેલ્લા કેટલાય વર્ષોથી ચગ્યો હતો. અંતે, 2017ના વર્ષના આજે છેલ્લા દિવસે એમણે પોતાનો નિર્ણય સત્તાવાર રીતે જાહેર કર્યો છે.

સફેત કુર્તા અને પેન્ટમાં સજ્જ થયેલા રજનીકાંત ચેન્નાઈના ટી. નગરમાં આવેલા રાઘવેન્દ્ર કલ્યાણ મંડપમ ખાતે ગયા હતા અને ત્યાં હાજર શ્રોતાઓ, પ્રશંસકો અને ટીવી ચેનલના કેમેરામેન્સ સમક્ષ એમણે જાહેરાત કરી હતી કે પોતે રાજકારણમાં પ્રવેશ કરશે.

રજનીકાંત ચાલીને સ્ટેજ પર જતા હતા એ જ વખતે પ્રશંસકોએ ‘થલાઈવર’ (નેતા)ના નારા લગાવ્યા હતા.

રજનીકાંતે કહ્યું છે કે પોતે 2020માં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડશે અને તમામ 234 બેઠકો પર પોતાની પાર્ટીના ઉમેદવારોને ઊભા રાખશે.

સ્ટેજ પર ચડીને તરત જ એમણે ગણતરીના શબ્દોમાં કહી દીધું હતું: ‘રાજકારણમાં મારો પ્રવેશ નિશ્ચિત છે.’

આ સાંભળતાં જ પ્રશંસકોએ આનંદની ચિચિયારીઓ પાડી હતી. રજનીકાંતે વધુમાં કહ્યું કે, હું મારી પોતાની રાજકીય પાર્ટીની સ્થાપના કરીશ અને રાજ્યમાં હવે પછીની વિધાનસભા ચૂંટણીમાં તમામ 234 બેઠકો પર અમે ચૂંટણી લડીશું.

એમણે વધુમાં કહ્યું કે, હું લોકસભાની ચૂંટણી માટે અન્ય પક્ષો સાથે જોડાણ વિશે બાદમાં જણાવીશ. હું પૈસા બનાવવા કે પ્રસિદ્ધિ મેળવવા માટે રાજકારણમાં પડ્યો નથી. તમે સૌએ મને એ બધું હજારો વખત આપી દીધું છે. વળી, મને કોઈ હોદ્દાની પણ લાલચ નથી. 68 વર્ષની ઉંમરે હું એવી લાલચ ક્યાંથી રાખું? જો હું એવી લાલચ રાખું તો પાગલ ન કહેવાઉં? હું કોઈ આધ્યાત્મિક વ્યક્તિ કહેવાને પણ પોતાને પાત્ર સમજતો નથી.

તામિલનાડુમાં રાજકારણની સ્થિતિની ઝાટકણી કાઢતાં રજનીકાંતે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં તામિલનાડુના રાજકારણમાં જે ઘટનાઓ બની છે એને કારણે રાજ્યનાં લોકોનું માથું શરમથી ઝૂકી ગયું છે. આવા સમયે જો હું રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય ન લઉં તો એવા લોકો સાથે યોગ્ય કર્યું ન કહેવાય, જેમણે મને આ સ્તરે પહોંચાડ્યો છે. આપણે પરિવર્તન લાવવાનું જ છે, આપણે બધું જ ઝડપથી બદલવાનું છે.

રજનીકાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિકટ હોવાને કારણે એવી અટકળો થઈ હતી કે એ ભાજપમાં જોડાઈ જશે, પણ આજે પોતાની અલગ પાર્ટીની રચનાની જાહેરાત કરીને રજનીકાંતે એ અટકળોનો અંત લાવી દીધો છે.

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને રજનીકાંતના નિર્ણયને આવકાર્યો છે.

સુબ્રમણ્યન સ્વામી નારાજ, આકરી ટકોર કરી

ભાજપના પીઢ, અનુભવી સંસદસભ્ય સુબ્રમણ્યન સ્વામીએ રાજકારણમાં પ્રવેશવાની રજનીકાંતની જાહેરાતની હાંસી ઉડાવી છે. એમણે કહ્યું છે કે રજનીકાંત અભણ છે. એણે માત્ર રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી છે. પાર્ટીનું નામ, પાર્ટીના ધ્વજ, પ્રતીક કે કોઈ દસ્તાવેજની જાહેરાત કરી નથી.

View image on Twitterભારતીય જનતા પાર્ટીએ રજનીકાંતની જાહેરાતને આવકારી છે, પણ સ્વામીએ કહ્યું છે કે જો ભાજપ રજનીકાંતને સાથ આપશે તો પોતે તામિલનાડુ છોડીને કોઈ અન્ય રાજ્યમાં જઈને વસવાટ કરશે.