મધ્ય મુંબઈના લોઅર પરેલ ઉપનગરમાં આવેલા કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આવેલી 1-Above તથા મોજોઝ બિસ્ટ્રો નામની બે હાઈ-ફાઈ બીયર બાર-કમ-રેસ્ટોરન્ટમાં ગુરુવારે મધરાત બાદ લાગેલી ભયાનક આગ 14 જણને ભરખી ગઈ. આ ચૌદ જણમાં ખૂશ્બૂ મહેતા-ભણસાલી નામની યુવતી પણ હતી જેનો 28 ડિસેમ્બરે જન્મદિવસ હતો અને તેણે 1-Aboveમાં પોતાની બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું.
મધરાતે 12ના ટકોરા થયા કે ખૂશ્બૂ ઉર્ફ ખુશીએ બર્થડે કેક કાપી હતી અને એની સહેલીઓ તથા સગાંઓએ આનંદ માણવાનો શરૂ કર્યો હતો. એના લગભગ અડધા કલાક બાદ, આશરે 12.30 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. સૌએ નાસભાગ કરી મૂકી હતી, પણ રેસ્ટોરન્ટમાં આગથી બચવાની યંત્રણા તેમજ અન્ય સુરક્ષા વ્યવસ્થાનો અભાવ હતો અને મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ સામાન ગોઠવેલો હોવાને કારણે લોકો ભાગી શક્યા નહોતા. 15થી વધુ લોકો રેસ્ટોરન્ટના શૌચાલયમાં ઘૂસી ગયાં હતાં, પણ ત્યાં ધૂમાડો ભરાઈ જવાથી શ્વાસ રૂંધાઈ જવાને કારણે ખૂશ્બૂ સહિત 14 જણ મૃત્યુ પામ્યાં હતાં.
મોટા ભાગની મૃતક મહિલાઓની વય વીસી અને ત્રીસીમાં હતી. ખૂશ્બૂ મહેતા ખેતવાડી વિસ્તારમાં રહેતી હતી. એનાં પતિએ ખૂશ્બૂનો મૃતદેહ ઓળખી બતાવ્યો હતો.
ખૂશ્બૂ ભણસાલી ઉપરાંત જે અન્ય મહિલાઓનાં મરણ નિપજ્યાં છે એમનાં નામ આ પ્રમાણે છેઃ યશા આલાપ ઠક્કર, 22 (અમદાવાદથી આવેલી), પ્રમિલા લક્ષ્મીચંદ કેનિયા, 70 (દાદર ઈસ્ટ), પારુલ રાકેશ લાકડાવાલા, 49 (કેમ્પ્સ કોર્નર), તેજલ ભાવેન ગાંધી, 36 (ઘાટકોપર ઈસ્ટ), કવિતા પીયૂષ ધરાણી, 36 (ઘાટકોપર ઈસ્ટ), પ્રાચી મહેન્દ્ર ખેતાની-શેઠ, 30 (વિલે પારલે વેસ્ટ), પ્રીતિ રાજેશ રાજગઢિયા, 49 (વરલી), શેફાલી પ્રણવ દોશી, 45 (મહાલક્ષ્મી), કિંજલ જયેશ મહેતા-શાહ, 28 (ખેતવાડી), મનીષા નિમેશ શાહ, 47 (મલબાર હિલ).
મૃતકોમાં ત્રણ પુરુષનાં નામ આ પ્રમાણે છેઃ વિશ્વ જયંત લાલાની (22), એનો મોટો ભાઈ ધૈર્ય જયંત લાલાની (26) (બંને જણ માટુંગા ઈસ્ટ) અને સરબજીત આર. પરેરા, 23 (સાંતાક્રુઝ ઈસ્ટ).
આગ ચાર માળના ટ્રેડ હાઉસ બિલ્ડિંગમાં ત્રીજા માળ પર આવેલી 1-Above રેસ્ટોરન્ટમાં લાગી હતી, પણ રૂફટોપ મોજોઝ બિસ્ટ્રો અને લંડન ટેક્સી પબ્સમાં ઝડપથી ફેલાઈ હતી.
કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં અનેક પ્રચારમાધ્યમની ઓફિસો આવેલી છે તેમજ 42 જેટલી હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને પબ્સ પણ છે.
આ પબ્સમાં સ્વાભાવિક રીતે જ ધનવાન લોકોની અવરજવર રહેતી હોય છે.
પોલીસે પબના માલિકો હિતેશ સંઘવી, જિગર સંઘવી, અભિજીત માનકા સામે સદોષ માનવ વધ (304મી કલમ) તેમજ બેદરકારીને લીધે લોકોનાં જાન જોખમમાં મૂકવાને લગતી
337 તથા 338 કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
મોજોઝ રેસ્ટોરન્ટ શાકાહારી હોવાથી ગુજરાતીઓ વધારે આવતા
મોજોઝ બિસ્ટ્રો રેસ્ટોરન્ટ જાણીતા બોલીવૂડ સંગીતકાર અને ગાયક શંકર મહાદેવનના પુત્ર સિદ્ધાર્થ મહાદેવનની છે.
પોલીસે સિદ્ધાર્થ સામે સદોષ માનવવધનો ગુનો નોંધ્યો છે.
કહેવાય છે કે મોજોઝની માલિકીમાં સિદ્ધાર્થ મહાદેવનનો અમુક હિસ્સો છે. એફ એન્ડ બી ઈન્ડસ્ટ્રીવાલા, યુગ પાઠક, યુગ થુલી, પ્રીતિ શ્રેષ્ઠા, એમ સૌએ મળીને મોજોઝ બિસ્ટ્રો રેસ્ટોરન્ટ શરૂ કરી હતી.
ગુરુવારના અગ્નિકાંડના મૃતકોમાં મહિલાઓની સંખ્યા વધારે છે. 14માંથી 11 મહિલાઓ છે. આઠ મૃતદેહ સ્વજનોને સોંપી દેવામાં આવ્યા છે. ચાર મૃતદેહનો હજી સુધી કબજો લેવામાં આવ્યો નથી.
ઈજા પામેલાઓમાં જે લોકોને કેઈએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
મોજોઝ રેસ્ટોરન્ટ શાકાહારી હોવાને લીધે ત્યાં મોટે ભાગે ગુજરાતી, મારવાડી અને સિંધી પરિવારોનાં લોકો વધારે આવતા હતા.
મોજોઝ રૂફટોપ રેસ્ટોરન્ટના બાંધકામમાં પ્લાસ્ટિક અને લાકડાના બાંબુઓનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર, શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી અને પ્લાસ્ટિક તથા લાકડાનું બાંધકામ કરાયું હોઈ આગ ઝડપથી આખી રેસ્ટોરન્ટમાં ફેલાઈ ગઈ હતી.
મોજોઝમાં પાર્ટિશનની બીજી બાજુ અલગ બીયર બાર કાઉન્ટર અને હુક્કા પાર્લર પણ હતાં.
કમલા મિલ્સની રેસ્ટોરન્ટ્સની આગે મુંબઈમાં નાઈટલાઈફ માટે વધુ પરવાનગી આપવાની મહારાષ્ટ્ર સરકારની યોજનાને મોટો ધક્કો પહોંચાડ્યો છે. સરકારની ઈચ્છા છે કે મહાનગરમાં તમામ દુકાનો અને શોપિંગ મોલ્સ ચોવીસે કલાક ખુલ્લા રાખવાની પરવાનગી આપી દેવી જેથી નાઈટલાઈફનાં શોખીનો મજા કરી શકે તેમજ રાજ્યમાં રોજગારની તકો વધે તથા પર્યટનનો વિકાસ થાય.
મહારાષ્ટ્ર સરકારે હજી 9 દિવસ પહેલાં જ કાયદામાં સંબંધિત સુધારા દર્શાવતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું, પણ એમાં બીયર બાર, પબ્સ, ડિસ્કોથેક્સ અને વાઈન શોપ્સને હજી બાકાત રાખ્યા છે.
રેસ્ટોરન્ટ્સની આગ માટે મુંબઈ કોંગ્રેસના પ્રમુખ સંજય નિરુપમે શિવસેના શાસિત મહાનગરપાલિકાને જવાબદાર ગણાવી છે. એમણે કહ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરીને રેસ્ટોરન્ટ્સ શરૂ કરવાની પરવાનગી આપનાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવા જોઈએ.
બનાવ નજરે જોનાર એક મિત્રને ટાંકીને કોંગ્રેસના વિધાનસભ્ય નિતેશ રાણેએ એવો દાવો કર્યો છે કે રેસ્ટોરન્ટમાં ઈલેક્ટ્રિક શોર્ટ-સર્કિટને કારણે નહીં પણ ત્યાં શરૂ કરાયેલા હુક્કા પાર્લરને કારણે આગ લાગી હતી.