પેટાચૂંટણીમાં નોટા અને ભાજપનો ખેલ કેવો રહ્યો?

ગુજરાતની ચૂંટણીમાં નોટા બટન પાંચ લાખ લોકોએ દબાવ્યું હતું. નોટા એટલે નન ઓફ ધ એબવ (ઉપરમાંથી કોઈ ઉમેદવાર) અમને પસંદ નથી તે દર્શાવવા માટેનું ઇવીએમ પરનું છેલ્લું બટન. 1.8 ટકા નોટા મતો સાથે ગુજરાતની ચૂંટણી યાદગાર રહેશે. એ જ રીતે તામિલનાડુમાં યોજાઈ ગયેલા આરકેપુરમની પેટાચૂંટણીમાં નોટા અને ભાજપ વચ્ચેનો ખેલ લાંબો સમય ચર્ચામાં રહેશે. આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારને નોટા કરતાં પણ ઓછા મતો મળ્યા.
આરકેપુરમની પેટાચૂંટણીમાં ટીટીવી દિનાકરણ અપક્ષ તરીકે જીતી ગયો. દિનાકરણને તુંકારો કરી શકાય એવું પાત્ર છે. આવા પાત્રો આપણે ત્યાં ચૂંટણીમાં જીતી જાય છે તે હકીકત છે.

મુખ્ય રાજકીય પક્ષો પણ કેટલીક વાર તેમને જીતવામાં મદદ કરે છે. એવો આક્ષેપ છે કે મુખ્ય વિપક્ષ ડીએમકેને રસ હતો કે દિનાકરણ જીતે. તેથી તેની આડકતરી મદદ હતી. (કુતિયાણામાં એનસીપી જીતે તેમાં ભાજપને રસ હતો તે રીતે.) પણ ભાજપને રસ હતો કે દિનાકરણ હારે. ભાજપની કેન્દ્ર સરકારે બધા જ ખેલ કરી જોયા અને ભાજપે જેટલા ખેલ કર્યા એટલો દિનાકરણ મજબૂત બન્યો. પરિણામ આવ્યું ત્યારે ભાજપને નોટા કરતાંય ઓછા મતો મળ્યા તેની ચર્ચા સૌથી વધુ છે.

ગત એપ્રિલમાં આ પેટાચૂંટણી યોજાવાની હતી, પણ ચૂંટણીપંચના અધિકારીઓને લાંચ આપવાની કોશિશ થઈ અને (કહેનારા કહે છે કે તે બહાને) પેટાચૂંટણી ટાળી દેવામાં આવી. તે વખતે એઆઇએડીએમકેનું ચૂંટણી ચિહ્ન બે પાંદડાં કોને મળે તેનો વિખવાદ ચાલતો હતો. શશિકલા અને દિનાકરણનું જૂથ આ ચિહ્ન પોતાને મળે તે માટે મથી રહ્યું હતું. આ માટે કરોડો રૂપિયાની લાંચ અપાઇ હોવાનો આરોપ મૂકાયો અને દિનાકરણની ધરપકડ પણ થઈ. તેને તિહાર જેલમાં મોકલી દેવાયો. બાદમા ચિહ્ન સત્તા પર રહેલા એઆઇએડીએમકેને મળ્યું.

દિનાકરણ જેલમાં ગયો તે પછી એઆઇએડીએમકેના બે જૂથો વચ્ચે સમાધાન થયું. (કહેનારા કહે છે કે ભાજપની કેન્દ્ર સરકારે દબાણ લાવી કરાવ્યું કે જેથી) તામિલનાડુમાં મજબૂત સાથી પક્ષ મળે તો ભવિષ્યમાં દખ્ખણના દ્વાર ખૂલે. એ ચર્ચા આગામી દિવસોમાં ચાલતી રહેશે કે ભાજપને દિનાકરણ હારે તેમાં કેમ રસ હતો અને ડીએમકેને તે જીતે તેમાં કેમ રસ હતો. અહીં થોડો વિરોધાભાસ પણ ઊભો થાય છે. ગત મહિને વડાપ્રધાન નરેન્દ મોદી ચેન્નઇની મુલાકાતે ગયા ત્યારે ડીએમકેના સર્વેસર્વા કરુણાનિધિની ખબર કાઢવા પણ ગયા હતા. તે પછી બરાબર પેટાચૂંટણી ટાણે જ 2જી સ્કેમનો ચુકાદો આવ્યો અને ડીએમકેના બે નેતા એ. રાજા અને કનીમોઝી નિર્દોષ છુટી ગયા. ભાજપને ડીએમકે સાથે પણ જોડાણ કરવામાં વાંધો નથી તેવું તારણ છે. એ પણ શક્ય ના બને તો રજનીકાંત નવો પક્ષ બનાવે અને ભાજપને ટેકો આપે તેવું પણ ભાવીમાં બની શકે.

આ બધી ધારણાઓ છે. આવી ધારણાઓ વચ્ચે પેટાચૂંટણીમાં ડીએમકેને ચુકાદાથી ફાયદો થશે તેવી ધારણા ખોટી પડી છે. તેના ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ. દિનાકરણ જીતી જાય તો શાસક પક્ષ એઆઇએડીએમકેમાં હલચલ મચી જાય તેવી ગણતરી છે. ડીએમકેને તે ગણતરીમાં વધારે રસ હતો તેમ મનાય છે. એવું થવા પણ લાગ્યું છે, કેમ કે હજી તો પરિણામ જાહેર નહોતું થયું અને માત્ર મોટી લીડ મળી હતી ત્યારે જ દિનાકરણે ચેતવણી આપી દીધી કે ત્રણ મહિનામાં એઆઇએડીએમકેની સરકાર પડી જશે.

એઆઇએડીએમકેની સરકારમાં શશિકલા વિરુદ્ધના બંને જૂથો ભેગા થયા છે. ઇપીએસ પલાનીસ્વામી) અને ઓપીએસ (પન્નીરસેલ્વમ) એવા બે જૂથો છે. ઓપીએસ એટલે જયલલિતાએ જેમને મુખ્યપ્રધાન બનાવ્યા હતા તે અને ઇપીએસ એટલે શશિકલાએ જેમને મુખ્યપ્રધાન બનાવ્યા હતા. મૂળે મામલો એ છે કે જયલલિતાનો રાજકીય વારસો કોને મળે. બે વાંદરાઓ લડે અને ત્રીજો ફાવી જાય એવી ગણતરીઓ પણ હતી. પણ આ ત્રીજો કોણ એ સવાલ હતો – ભાજપ, ડીએમકે કે પછી શશિકલા જૂથ.

બંને ‘વાંદરાઓ’ મૂળ તો પોતાની તાકાત પર નહિ, પણ નેતાની ચમચાગીરીના જોરે મોટો થયેલા છે. પન્નીરસેલ્વમ પર વિશ્વાસ મૂકીને જયલલિતાએ તેમને પોતાની ગાદી આપી હતી. પહેલીવાર જેલમાં ગયા ત્યારે અને બીજી વાર બિમાર પડીને હોસ્પિટલમાં ગયા ત્યારે. જયલલિતા આખરે અવસાન પામ્યા ત્યારે પન્નીરસેલ્વમના સ્થાને શશિકલાને જ સીએમ બનવું હતું. શશિકલા સીએમ ના બને અને જેલમાં જાય તેમાં પન્નીરસેલ્વમને રસ હતો અને ભાજપની કેન્દ્ર સરકારે તે કામ સહેલું કરી આપ્યું તેવી ધારણાઓ છે. તેથી નારાજ શશિકલાએ જેલમાં જતા પહેલાં પન્નીરસેલ્વમના સ્થાને પલાનીસ્વામીને મૂકી દીધા.

એ લાંબા ઘટનાક્રમ પછી આરકેપુરમની પેટાચૂંટણી અગત્યની બની ગઇ હતી. જયલલિતાની આ બેઠક ગણાય છે. આ બેઠક પર જે જીતે તેને વારસો મળ્યો એવો દાવો કરી શકાય. એ દાવો હવે શશિકલાના ભત્રીજા દિનાકરણે શરૂ પણ કરી દીધો છે. ડીએમકે ત્રીજા સ્થાને રહ્યું અને સીધી લડાઇ શાસકપક્ષના જૂથો વચ્ચે જ રહી. 18 ધારાસભ્યો દિનાકરણ જૂથ સાથે છે. તેમની સામે ડિસ્ક્વોલિફિકેશનનો કેસ ચાલી રહ્યો છે, પણ આ જીત પછી વધુ ધારાસભ્યો તૂટે અને ત્રીજા ભાગની સંખ્યા થઈ જાય તો શાસકપક્ષ મુશ્કેલીમાં આવી શકે.

આ રીતે એક પેટાચૂંટણીના અનેક ફણગાં ફૂટ્યા છે. શશિકલાની સામે ભત્રીજો પણ મજૂબત બન્યો તે પણ એક નાનકડો ફણગો છે. શશિકલા, તેના ભાઇઓ અને ભાભીઓ, ભત્રીજા અને ભત્રીજીઓની આખી ગેંગને મન્નારગુડી ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. શશિકલા જયલલિતાની સખી હતી અને તેની સાથે પડછાયાની જેમ રહેતી હતી. તેના કારણે મન્નારગુડી ગેંગના સભ્યો ફાવ્યા હતા, પણ સીધી રીતે કોઈ રાજકારણમાં નહોતું. દિનાકરણ અપક્ષ તરીકે પેટાચૂંટણી જીતી ગયો તે પછી આ ગેંગના વધુ સભ્યો સીધી ચૂંટણીમાં જંપલાવી શકે છે.

નોટા ઉપરાંત આ પેટાચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા થઈ છુટ્ટા હાથે વહેંચાયેલાં નાણાં. નવાઈની વાત એ છે કે શાસકપક્ષે પણ આરોપ મૂક્યો કે શશિકલા જૂથે છુટ્ટા હાથે નાણાં વેર્યા હતા. આરકેપુરમ નાનો મતવિસ્તાર છે. થોડા હજાર મતદારોને ખરીદી લેવા શક્ય છે તેવી દલીલો થઈ. ડીએમકે દ્વારા પણ આરોપ મૂકાયો કે શાસકપક્ષ અને અપક્ષ બંનેએ નાણાંની નદી વહેવડાવી. પણ નાણાંની નદી વહે તેનાથી મતોની ખેતી થતી નથી. મતોનો પાક લણવા માટે વાવણી કરવી પડે, લાંબો સમય તેની દેખભાળ કરવી પડે. નાણાં બધા જ પક્ષો વહેંચે છે, પણ મતદાર ઇચ્છા મુજબ જ મતદાન કરે છે. એક પણ ઉમેદવાર પસંદ ના પડે ત્યારે નોટાનો પણ હવે વધારેમાં વધારે ઉપયોગ મતદારો કરવા લાગ્યા છે. ગુજરાતની ચૂંટણી પછી હવે આઠ રાજ્યોની ચૂંટણી આવી રહી છે ત્યારે નોટાના ઉપયોગ પર નજર રહેશે. તે પછી નોટા વિશે નવેસરથી વિચારવું પડશે.