રજનીકાન્તનો રાજકારણ પ્રવેશ પેદા કરશે વિચારધારાના વમળ

તામિલનાડુમાં હાલમાં જ પેટાચૂંટણી યોજાઇ તેના પરિણામોને કારણે પડઘા દેશભરમાં પડ્યા હતાં, કેમ કે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ટીટીવી દિનાકરણને હરાવવામાં ભાજપને પણ એટલો જ રસ હતો. પરંતુ ભાજપે નોટા કરતાંય ઓછા મતો મળ્યા હતા. સત્તાધારી એડીએમકેને પણ આંચકો લાગ્યો, કેમ કે જયલલિતાની બેઠક તેને ના મળી, પણ શશીકલાના ભત્રીજાને મળી. જયલલિતાનો વારસો કોને મળ્યો કહેવાય તેની લડાઇ આ પેટાચૂંટણીમાં હતી, પણ હવે તામિલનાડુમાં દ્વવિડ રાજકારણના વારસાનું શું થશે તેની લડત નવા વર્ષમાં ચાલવાની છે.નવા વર્ષ સાથે જ રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત રજનીકાંતે કરી દીધી છે. રજનીકાંતના નામે હવે નવા રાજકીય જોક્સ આવશે, પણ ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ ઇટ ઇઝ એ જોક કહીને કટાક્ષ કર્યો છે કે રજનીકાંત તો અભણ છે. જોકે રાજકારણમાં અભણ નેતાઓ જ જામી પડેલા નેતાઓને પાઠ ભણાવતા હોય છે. રજનીકાંત આવા રાજકીય પાઠ ભણાવી શકશે કે કેમ તેની આગામી ચૂંટણીમાં ખબર પડી જશે, પણ રજની ભાજપ સાથે રહેશે કે નહિ તે સૌથી મોટો સવાલ છે.
રજનીકાંત ભાજપ સાથે નથી – એવું સુબ્રમણિયમ સ્વામીએ કહી દીધું છે, પણ સ્વામીને તેમના હાલના પક્ષ ભાજપમાં પણ દર વખતે ગંભીરતાથી લેવામાં આવતા નથી. વક્રતા એ છે કે તામિલનાડુ રિક્વાયર્સ સમથિંગ સિરિયલ ધેન ધીસ એવું વળી સ્વામીએ સોશિઅલ મીડિયામાં લખ્યું છે.

પણ વાત સિરિયસ છે, કેમ કે રજનીકાંત માત્ર તામિલનાડુના રાજકારણમાં નથી પ્રવેશી રહ્યાં. તેમણે સામાન્ય રીતે તામિલનાડુમાં અને વ્યાપક રીતે દેશમાં ‘સ્પિરિચ્યુઅલ પોલિટિક્સ’ કરવાની વાત કરી છે. અધ્યાત્મિક રાજકારણનો અર્થ શું? તેનો સાચો જવાબ ઇવીએમ મશીનમાંથી જે નીકળશે તે મનાશે, પણ ચૂંટણી પહેલાં જ તેની ચર્ચાઓ શરૂ થઈ જશે. રજનીકાંતની અધ્યાત્મિક રાજકારણની વાત તામિલનાડુના રાજકારણમાં ધરમૂળથી પરિવર્તનની વાત છે.

તામિલનાડુનું રાજકારણ છેલ્લી એક સદીથી દ્રવિડ વિચારધારાને કેન્દ્રસ્થાને રાખીને ચાલી રહ્યું છે. હિન્દુવિરોધ પહેલેથી હતો, તેમાં હિન્દીવિરોધ ઉમેરાયો હતો. નિરીશ્વરવાદની આસપાસ ફરતા રાજકારણમાં અધ્યાત્મના રાજકારણની વાત કેટલી ચાલશે? દક્ષિણમાં ફિલ્મનો હિરો રાજકારણમાં આવે ત્યારે પરદા પરની તેની આભા સાથે આવે છે. આભા આધારે એકવાર વિજય મળે છે, પણ બીજો વિજય મેળવવા અસલી પરફોમન્સ આપવું પડે છે. તેનો અનુભવ એમ. જી. રામચંદ્રનને, જયલલિતાને બંનેને થયેલો છે.

રામાસ્વામી અને અન્નાદુરાઇએ ઘૂંટીઘૂંટીને તૈયાર કરેલા રેશનિલઝમમાં દ્રવિડ રાજકારણ તૈયાર થયું છે. રામચંદ્રન અને જયલલિતાના કાળમાં તબક્કાવારમાં તેમાં પાણી ઉમેરાયું અને આછું થયું, પણ તે તદ્દન ઓગળી જશે? રામચંદ્રન જાહેરમાં ક્યારેક ધાર્મિકતા વ્યક્ત કરતાં નહોતા, પણ શ્રદ્ધાળુ હતા ખરા. જયલલિતાના વખતમાં થોડી વધારે મોકળાશ આવી. પ્રસંગોપાત મંદિરોમાં જવાનું અને મંદિરોને અનુદાન આપવાનું શરૂ થયું હતું, પણ પેરિયારનો પથ તદ્દન છોડી શકાય તેમ નહોતો.

હવે રજનીકાંતે રાજકારણમાં પ્રવેશની વાત કરતી વખતે ગીતાનો ઉપદેશ ટાંક્યો હતો. ગીતાનો ઉપદેશ ટાંકવો આપણા માટે નવાઈ નથી, પણ તામિલનાડુની વાત જુદી છે. ગીતા અને અન્ય શાસ્ત્રો ભેદભાવના ગ્રંથો તરીકે ગણાતા આવ્યા છે. ગીતાની વાત કરીને તામિલનાડુમાં ચૂંટણી જીતી શકાય નહિ, પણ રજનીકાંતે તે ચેલેન્જ સ્વીકારી છે.તે ચેલેન્જ કોને નડશે અને કોને ફળશે? દ્રવિડવાદને અને રેશનલિઝમને અધ્યાત્મનો પડકાર રજનીએ આપ્યો તેની સામે કમલ હસનનો પડકાર પણ આવી શકે છે. કમલ હસન ક્યારે સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરે છે તેની રાહ જોવી રહી. બંને સામસામેના છેડાનું રાજકારણ કરશે. આ બંને હિરોને જો સફળતા મળશે તો એક નવો અધ્યાય તામિલનાડુમાં અને દેશના રાજકારણમાં શરૂ થશે.

છેલ્લાં 21 વર્ષથી રજનીકાંત ક્યારે રાજકારણમાં આવશે તેની રાહ જોવાતી હતી. કદાચ તે યોગ્ય સ્થિતિની રાહમાં હશે. એવી સ્થિતિ આવીને ઊભી પણ છે. જયલલિતાનું અવસાન થયું છે અને કરુણાનિધિ બિમારાવસ્થામાં છે. બંનેનો વારસો કોને મળશે તે સ્પષ્ટ નથી. જયલલિતાની સખી શશીકલાના જૂથને દૂર કરીને વધેલા એઆઇએડીએમકેનો સાથ લેવાની ગણતરી ભાજપની હતી. તેથી શશીકલાને ભીંસમાં લઈને પન્નીરસેલ્વમ અને પલાનીસામીને એક કરવા માટે ભાજપે દોરીસંચાર કર્યો હતો. પરંતુ પેટાચૂંટણીએ દર્શાવ્યું છે કે જયલલિતાનો વારસો વીખેરાઇ જવાનો છે, કોઇ એકની પાસે રહેવાનો નથી.

એ જ રીતે ડીએમકેના કરુણાનિધિનો વારસો પણ તેના બે દિકરામાંથી કોણ સંભાળશે તે સ્પષ્ટ નથી. સ્ટાલીન અત્યારે સૌથી આગળ છે, પણ તેને ચેલેન્જ થઈ શકે છે. કનીમોઝી 2જી સ્કેમમાંથી નિર્દોષ છુટી તે પછી તેનું જૂથ પણ સ્ટાલીન સામે ચેલેન્જ બની શકે છે. આ સંજોગોમાં તામિલનાડુના રાજકારણનો વારસો ત્રિેભેટે ઊભો છે. એક તરફ છે જૂના બે દ્વવિડ પક્ષો, બીજી તરફ છે રજનીકાંત અને કમલ હસન જે આ વારસો સંભાળી લેવા તૈયાર છે અને ત્રીજી તરફ રાષ્ટ્રીય રાજકીય પક્ષો.

રજનીકાંત અને કમલ હસન વચ્ચેની લડાઇ માત્ર ચૂંટણીની જીત પૂરતી મર્યાદિત નહિ રહે. તે વિચારધારાની લડત પણ ગણાશે. બે રાષ્ટ્રીય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની લડતને પણ આપણે વિચારધારાની લડાઇ ગણી શકીએ, પણ ઘણા સંજોગોમાં બંને પક્ષો મધ્યમમાર્ગી પણ બની જતા હોય છે. તામિલનાડુમાં દ્વવિડ રાજકારણ જ ચાલશે? રજનીકાંતનું અધ્યાત્મિક રાજકારણ ચાલશે? કે પછી તામિલનાડુ પણ દેશના મુખ્ય પ્રવાહમાં ભળી જશે અને રાષ્ટ્રીય રાજકીય પક્ષોનું મધ્યમમાર્ગી રાજકારણ ચાલશે?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]