છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિવસ છે. જનસંઘ 1977માં જનતા મોરચાનો હિસ્સો બન્યું હતું. તે પછી તેમાં ભાગલા પડાવવા જનસંઘના હોદ્દેદારો બેવડા સભ્યપદ રાખે છે તેનો મુદ્દો ઉઠાવાયો હતો. જનતા પક્ષમાં ભળી ગયા પછીય જનસંઘના મોટા ભાગના નેતાઓ આરએસએસના સભ્ય પણ હતા તેની સામે બીજા પક્ષના નેતાઓએ વાંધો લીધો હતો. આ એક જાતનું બહાનું હતું અને બહાનું બંને બાજુના પક્ષોને કામ આવે તેમ હતું એટલે સંઘ તૂટી પડ્યો. જનસંઘના નેતાઓ જુદા પડી ગયા અને 1980માં છઠ્ઠી એપ્રિલે મુંબઈમાં ભારતીય જનતા પક્ષ એવું નવું નામ આપીને જનસંઘને ફરી આગળ વધાર્યો.
નવા નામ સાથેના પક્ષના પ્રથમ પ્રમુખ બન્યા હતા અટલ બિહારી વાજપેયી. તે વખતે તેમણે આપેલું ભાષણ યાદગાર ગણાય છે. અંધેરા છટેગા, કમલ ખીલેગા એમ તેમણે કહ્યું હતું. જોકે તેમણે એમ પણ કહેલું કે અમે મૂલ્ય આધારિત રાજનીતિ કરવા માગીએ છીએ. ગાંધીવાદી સમાજવાદના મામલે કોઈ મતભેદ નથી. અમારી લોકતંત્રાત્મક પાર્ટી છે. ચર્ચા કરીએ છીએ અને બહુમતીનો નિર્ણય હોય તેનો સ્વીકાર કરીએ છીએ. અમે સંપ્રદાય નિષ્પક્ષતાનો પણ સ્વીકાર કર્યો છે. (ઓનલાઇન આ ભાષણ ઉપલબ્ધ છે.)
તેમના પછી ભાજપના બીજા પ્રમુખ લાલ કૃષ્ણ અડવાણી અને ત્રીજા પ્રમુખ મુરલી મનોહર જોષી બન્યા હતા. અટલ રહ્યા નથી, પણ બાકીના બંને પ્રમુખોની હાલત 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં શું થઈ છે તે ચર્ચાનો વિષય બન્યો છે. બંને પ્રમુખોની ટિકિટો કાપી નાખવામાં આવી છે. બંને પ્રમુખોને દુખ એ વાતનું છે કે તેમનું સન્માન જળવાઈ તે રીતે તેમના ના પાડવામાં આવી નથી. મે 2014માં બંનેને પ્રધાનો બનાવવાની પણ ના પાડી દેવાઈ હતી. માર્ગદર્શક મંડળમાં તેમને શોભાના પૂતળા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે સમજી જવાનું હતું. બંને પાસે તક હતી સન્માનભેર નિવૃત્ત થઈ જવાની. પણ ભારતીય રાજકારણમાં કોઈ કદીય નિવૃતિ લેતું નથી.
અડવાણી કે જોષી પણ હજી નિવૃત્તિ લેવાના મૂડમાં નથી તેમ લાગે છે. અડવાણીએ ફરી એકવાર ત્રાગું કર્યું છે. મુરલી મનોહર જોષીને ઉત્તર પ્રદેશમાં સંયુક્ત વિપક્ષી દળોના ઉમેદવાર તરીકે ચૂંટણી લડાવાશે તેવી ચર્ચા છે. તેમને વારાણસીમાં, તેમની જૂની બેઠક પર મોદી સામે જ ઉતારવા માટે વિપક્ષી મોરચો તૈયાર છે એવી ગુસપુસ ચાલી છે.
આ બાજુ અડવાણીએ પક્ષના જન્મદિન પહેલાં જ બ્લોગ લખ્યો અને ચર્ચા જગાવી છે. તેમણે લખ્યું કે દેશ પહેલાં, પછી પક્ષ અને છેલ્લે હું. વાત સાચી છે, ભાજપની વિચારધારાને બહુ સારી રીતે અડવાણીએ વ્યક્ત કરી છે એવો પ્રતિસાદ નરેન્દ્ર મોદીએ આપ્યો. પણ અડવાણીએ બ્લોગમાં બીજું પણ ઘણું લખ્યું છે, તેના માટે મોદી કે ભાજપના બીજા નેતાઓ ‘વાત સાચી છે’ એવું કહેશે ખરા તે સવાલ છે.
સવાલ એ છે કે અડવાણીએ કહેલી વાત ‘સાચી પણ છે ખરી’? ‘વિરોધીઓને દુશ્મન ના ગણવા જોઈએ’ અને અમારી રાષ્ટ્રવાદની વ્યાખ્યામાં અમારી સાથે સહમત ના હોય તેમને અમે ક્યારેય ‘દેશવિરોધી’ નહોતા ગણ્યા એમ અડવાણી કહે છે. સવાલ એ છે કે બે દાયકા સુધી દબદબો ભોગવનારા અડવાણીએ આ સિદ્ધાંતોનું પાલન કર્યું હતું ખરું. અડવાણીએ કાઢેલી રથયાત્રા દરમિયાન કેવા સૂત્રો બોલાતા હતા તે લોકોને યાદ નહિ હોય? ભાજપ આજે જે ભાષા બોલી રહ્યો છે તેના જનક વાજપેયી નહિ પણ અડવાણી છે તેવું કહેવું અસ્થાને નથી.
દંભ વાજપેયીમાં પણ હતો. વાજપેયી મુખવટો છે એવું ભાજપના જ એક નેતાએ કહ્યું હતું. વાજપેયી ભાષામાં ઉદાર હતા. તેઓ અયોધ્યા ગયા નહોતા, પણ આગલા દિવસે અન્યત્ર એક જગ્યાએ ભાષણ કરતી વખતે તેમણે કહેલું કે ‘નવનિર્માણ કરવા માટે ભૂમિને સમથળ કરવી પડે’. મુરલી મનોહર જોષી સૌ પ્રથમ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા અને અડવાણી અને અટલની જોડી આગળ વધી હતી. આજે જોષી અને અડવાણીને મોદી અને શાહની જોડી સામે જોડી બનાવવાની જરૂર લાગી છે તેને સમયનું ચક્ર જ કહેવું પડે.
હરિફ નેતાઓને પાડી દેવાની પદ્ધતિ બધા જ પક્ષોમાં આગુ સે ચલી આતી હૈ. નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાને અડવાણીએ જ મૂક્યા અને 2002 પછી તેમની સત્તા અડવાણીએ જ સાચવી. પણ ચેલાનો સમય આવ્યો ત્યારે ગુરુએ ત્રાગું કર્યું હતું. 2012 પછી સ્પષ્ટ થવા લાગ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાએ હવે નરેન્દ્ર મોદી ભાજપનો ચહેરો બનીને કોંગ્રેસને પડકાર ફેંકશે ત્યારે અડવાણીએ ત્રાંગાં કરવાનું શરૂ કર્યું હતું. નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય પ્રચાર સમિતિના વડા બનાવવાનો વિરોધ કર્યો હતો. રાજીનામું પણ આપી દીધું. બાદમાં સત્તાવાર રીતે નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર કરવાનું નક્કી થયું ત્યારે ફરીથી વિરોધ કર્યો અને ફરી રાજીનામાનું ત્રાગું કર્યું હતું. આવા ત્રાગા કરીને અડવાણીએ જાતે જ પોતાનું અવમૂલ્યન કર્યું હતું. છેલ્લા પાંચ વર્ષો દરમિયાન તેઓ ચૂપચાપ બેઠા રહ્યા. પાંચ પાંચ વર્ષ તેમની પાસે હતા નિવૃત્તિ જાહેર કરી દેવાના. તેમણે સમજી જવાની જરૂર હતી કે તેમને 2019માં ટિકિટ પણ નહિ મળે.
જોકે અડવાણી કદી અટલ બિહારીની જેમ રાજકારણીમાંથી રાજનેતા ના બની શક્યા. તેઓ હંમેશા સામાન્ય કક્ષાના રાજકારણી જ રહ્યા. મુરલી મનોહર જોષી પણ એ જ રસ્તે છે. નરેન્દ્ર મોદી પણ ઇન્દિરા ગાંધીની જેમ ‘મજબૂત’ નેતા બનવાના રસ્તે દેખાય છે, ‘મહાન’ નેતા બનવા માટે ‘કંઈક અનોખું’ કરવું પડે. અનોખું કરવામાં નોટબંધી ના આવે, સ્વચ્છતા ઝુંબેશ જેવું કશુંક કરવું પડે. ટૂંકા ગાળામાં હરિત ક્રાંતિને આપેલા મહત્ત્વના કારણે પણ શાસ્ત્રીને યાદ કરાય છે. અડવાણી પર આવી જઈએ… અડવાણી પાસે પણ તક હતી, ના, ના, મહાન નેતા બનવા માટેની નહિ, સન્માન સાથે નિવૃત્ત થવાની. તેમણે એ તક ગુમાવી છે.
ઓકે 2014માં મોદી સામે ઊભા રહેવું અડવાણી માટે રાજકારણની રીત પ્રમાણે જરૂરી હતું. પરિણામ શું આવશે તે નક્કી નહોતું. પરંતુ પરિણામ આવ્યા પછી, એક પછી એક રાજ્યોમાં ભાજપને મળેલી સફળતા પછી અને સંગઠન પર મોદી-શાહના સંપૂર્ણ કબજા પછી, સંઘ પર પણ આ જોડીનું વર્ચસ જામ્યા પછી અડવાણીએ શાણપણ દાખવવાની જરૂર હતી. તેઓએ તક જોઈને નિવૃત્તિની જાહેરાત કરી હોત અને નિવૃત્તિમાં બેચાર વર્ષ ગાળ્યા પછી તેમણે બ્લોગ લખ્યો હોત અને ભાજપને સલાહો આપી હોત કે વિરોધીઓને દુશ્મન ના સમજો તો વાત જુદી હતી. અડવાણીની સલાહની ભાજપના નેતાઓ અને કાર્યકરોને કદાચ જરૂર હશે, પણ પ્રજાને જરૂર નથી. પ્રજા જાણે છે, સમજે છે અને માને છે કે આ દેશના વિપક્ષો એટલા જ જરૂરી છે, એટલા જ દેશપ્રેમી છે અને એટલા જ દેશનું ભલું અને હિત ઇચ્છનારો છે. કર્મની બાબતમાં કોઈ ઓછા, કોઈ વધારે કુશળ હોય છે. પ્રજા કોઈની સલાહોના આધારે, મીડિયાની સલાહને આધારે કે સોશ્યલ મીડિયાના જૂઠ્ઠાણાને આધારે ક્યારેય નિર્ણયો લેતી નથી અને તેથી જ ભારતની લોકશાહી બહુ મજબૂત છે. હજી સુધી તો.