આડકતરું પણ રસપ્રદઃ દિલ્હી અને વલસાડની સમાનતા…

ગુજરાતના દક્ષિણ છેડે આવેલી લોકસભાની બેઠક છે વલસાડ. વલસાડ બેઠક પરથી 2014માં ભાજપના ઉમેદવાર ડૉ. કે. સી. પટેલ જીતી ગયા. આગલી ચૂંટણીમાં 2009માં તેમના ભાઈ ડૉ. ડી. સી. પટેલને ભાજપે ટિકિટ આપી હતી. તેમણે કોંગ્રેસના કિશન પટેલને ટક્કર સારી આપી હતી, પણ જીતી શક્યા નહોતા. આ વખતે 2019માં પણ ફરી કે. સી. પટેલને ટિકિટ અપાઈ છે. આ વખતે ફરી તેમના ભાઈ ડી. સી. પટેલે વિરોધ કર્યો છે. બે ભાઇઓ વચ્ચેના ઝઘડાને કારણે આ બેઠક ચર્ચાસ્પદ બની છે એવું નથી. કોંગ્રેસી જીતુ ચૌધરીને ટિકિટ આપી છે અને કિશન પટેલને ફરીથી ના ઉતાર્યા તેના કારણે પણ ઝઘડો થયો છે. તેના કારણેય બેઠક ચર્ચામાં છે એવું નથી.
બેઠક ચર્ચામાં હોવાનું કારણ ગુજરાતના રાજકારણમાં રસ લેનારા મોટા ભાગના લોકોને ખબર છે. આ બેઠક વિશે એવી છાપ પડેલી છે કે અહીંથી જે પક્ષનો સાંસદ જીતે, તે પક્ષને દિલ્હીમાં સત્તા મળે. 2004 અને 2009માં કિશન પટેલ જીત્યા અને કોંગ્રેસને સત્તા મળી હતી. વાજપેયી ત્રણ વખત વડાપ્રધાન બન્યા ત્યારે (1996, 1998, 1999) ત્રણેય વખતે ભાજપના ઉમેદવાર અહીંથી જીત્યા હતા. જોકે 1996માં વાજપેયી સરકાર માત્ર 13 દિવસ ચાલી હતી અને તે પછી દેવે ગોવડા વડાપ્રધાન બન્યા હતા. 1977માં જનતા પાર્ટી અને 1989માં જનતા દળની સરકાર બની ત્યારે પણ આ બેઠકમાં પરિવર્તન આવેલું અને તે પક્ષના ઉમેદવાર જીત્યા હતાં.
દિલ્હી પશ્ચિમની બેઠકમાં પણ 1977માં પ્રથમ વાર પરિવર્તન આવ્યું અને જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા. જોકે તે વખતે આ બેઠકનું નામ દિલ્હી પશ્ચિમ નહોતું. બાહરી દિલ્હી અને દિલ્હી દક્ષિણ બે બેઠકોમાં આ મતવિસ્તાર વહેંચાયો હતો. બંનેની થોડી થોડી વિધાનસભા બેઠકો એકઠી કરીને તેમાંથી 2009થી આ નવી દિલ્હી પશ્ચિમ બેઠક બની છે. 2009માં કોંગ્રેસને અને 2014માં ભાજપને આ બેઠક મળી.
પરંતુ જાણકારોએ થોડી ખણખોદ કરીને જૂના રેકર્ડ તપાસીને જોયું કે વલસાડની જેમ જ બાહરી અને દક્ષિણ દિલ્હીમાં જ્યારે પણ ઉમેદવારની જીતમાં પરિવર્તન આવે ત્યારે દિલ્હીમાં સરકાર બદલાતી હતી. તેથી વલસાડની જેમ આ બેઠક પણ બેલવેધર અથવા આપણી ભાષામાં કહીએ તો શુકનિયાળ બેઠક બનશે કે કેમ તેના માટે લાંબા ઇતિહાસની રાહ જોવી પડશે. તેની પ્રથમ ખબર 23 મેના રોજ પડશે. 2019માં અહીંથી જીતનાર ઉમેદવારનો પક્ષ સત્તામાં આવશે તો આ માન્યતા આગળ વધશે, નહિતો પૂર્ણવિરામ આવી જશે. વલસાડમાં પણ ઇતિહાસ આગળ વધે છે કે પૂર્ણવિરામ આવે છે તેની ખબર પણ 23 તારીખે જ પડશે.
દિલ્હી પશ્ચિમ બેઠક બીજી રીતે પણ અભ્યાસ કરવા લાયક બની છે. મુંબઇ અને દિલ્હી જેવા મહાનગરોમાં બહારથી સતત લોકો કામ શોધવા આવતા રહે છે. દ્વારકા, જનકપુરી, રાજૌરી ગાર્ડન, નઝફગઢ અને નાંગલોઈ નવા વિકસેલા અને વિકસી રહેલા વિસ્તારો છે. તેમાં બહારના રાજ્યોમાંથી આવતા લોકો વસે છે. પંજાબ, હરિયાણા, યુપી અને બિહારના વતનીઓ અહીં મોટા પાયે જોવા મળે છે. બીજું બાહરી દિલ્હીના વિસ્તારો આમાં જોડાયેલા હતી, તેથી પૂર્ણ શહેરી વિસ્તાર નથી. દિલ્હીના બીજા વિસ્તારોમાં જોવા મળતી સમૃદ્ધિ પણ અહીં જોવા મળતી નથી. નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જ વધારે જોવા મળે છે. મધ્યમ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ ઓછો જોવા મળે. જૂની જમીનો વેચીને ઉચ્ચ મધ્યમ વર્ગ બનેલા લોકોની માનસિકતા પણ મૂળભૂત રીતે નિમ્ન મધ્યમ વર્ગની જ રહે.
દિલ્હી જેવા વિકસિત શહેરના હિસ્સા કરતાં આડેઘડ વધી ગયેલા કોઈ અસ્તવ્યસ્ત શહેર જેવો આ વિસ્તાર વધારે લાગે છે. વલસાડ પણ ઝડપથી વધેલો, ઔદ્યોગિક એક્ટિવિટીને કારણે બહારથી આવેલા કામદારોથી ભરેલો તથા વેપારથી સુરત અને મુંબઈ સાથે જોડાયેલો વિસ્તાર છે. ઉદ્યોગ અને વેપારીની સમૃદ્ધિ સ્થાનિક ઓછી દેખાય, વધારે સુરત અને મુંબઈમાં જતી રહે, કેમ કે અહીંના કારખાનાના માલિકો કાંતો સુરત, કાંતો મુંબઈ રહેતા હોય.
જેટલી વસતિ હોય તેટલા મતદારો ના હોય તેવું પણ બને. કામકાજ માટે બહારથી આવેલા લોકોએ હજી અહીં કાયમી વસવાટ ના કર્યો હોય તેથી મતદાર કાર્ડ બન્યું ના હોય. વલસાડથી વાપી સુધીના ઔદ્યોગિક પટ્ટામાં આવા લોકોની સંખ્યા ઘણી જોવા મળે. કામદારો પોતપોતાના ગામમાં મતદાર તરીકે હોય છે. અહીં માત્ર રોજી કમાવા આવ્યા હોય છે. દિલ્હી પશ્ચિમ બેઠકમાં પણ મોટી સંખ્યામાં રહેતા યુપી અને બિહારના લોકો મતદારો તરીકે અહીં નોંધાયા નથી.
પશ્ચિમ દિલ્હી મહાનગરનો હિસ્સો હોવા છતાં હજી અહીંની ગલીઓમાં રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓ છે. વલસાડથી વાપીનો ઔદ્યોગિક પટ્ટો સમૃદ્ધિ પેદા કરે છે, પણ અહીં પણ ઘણા વિસ્તારોમાં હજી રસ્તા અને ગટર તથા શિક્ષણ અને આરોગ્યની સમસ્યાઓ છે ખરી. પ્રદૂષણની પણ સમસ્યા ખરી – પશ્ચિમ દિલ્હીમાં શહેરી પ્રદૂષણ અને વલસાડમાં ઔદ્યોગિક પ્રદૂષણ.
જોકે આ સરખામણી અહીં સુધી જ છે. તે સિવાય ઘણી બાબતોમાં બંને મતવિસ્તારો પોતપોતાની આગવી સમસ્યા અને ઓળખ ધરાવે છે. વલસાડનો ઇતિહાસ બહુ લાંબો છે, 1957થી આ બેઠક બનેલી છે, જ્યારે દિલ્હી પશ્ચિમ 2009માં જ બની છે. 1957, 1962, 1967, 1971 અને 1977માં પણ નાનુભાઈ પટેલ સતત જીત્યા હતા. ફરક એટલો કે 1977માં તેમનો પક્ષ બદલાઈ ગયો હતો. કટોકટી પછી આવેલી ચૂંટણીમાં જનતા મોરચો બન્યો હતો, ત્યારે તેઓ જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા હતા. એટલું જ નહિ 1971માં તેઓ જીત્યા ત્યારે સંસ્થા કોંગ્રેસમાંથી જીત્યા હતા, જ્યારે સત્તા ઇન્દિરા કોંગ્રેસને મળી હતી. એટલે આમ તેને એક અપવાદ ગણવો જોઈએ.
1980 અને 1984માં ફરી ઇન્દિરા કોંગ્રેસના ઉમેદવારે આ બેઠક જીતી લીધી. ઉત્તમભાઇ પટેલ સંસદસભ્ય બન્યા હતા. 1989માં વી. પી. સિંહે જનતા દળ બનાવ્યું તેના ઉમેદવાર તરીકે અર્જૂનભાઈ પટેલ અહીંથી જીતી ગયા. પણ બે જ વર્ષ પછી ફરી 1991માં ઉત્તમભાઈ પટેલ ત્રીજીવાર અહીંથી સાંસદ બન્યા અને નરસિંહરાવની સરકાર બની હતી.
1996, 1998 અને 1999માં ત્રણેય વાર મણીભાઈ ચૌધરી ભાજપના સાંસદ બન્યા. એક અપવાદ એ પણ થયો કે તેઓ પટેલ અટક ના ધરાવતા એક માત્ર નેતા છે, જે વલસાડથી જીત્યા હોય. કેમ કે ફરી બે મુદત 2004 અને 2009માં કિશનભાઈ પટેલ કોંગ્રેસમાંથી જીત્યા. 2014માં જીતેલા કે. સી. પટેલને ભાજપે ફરી ટિકિટ આપી છે. તેઓ જીતે અને કેન્દ્રમાં સરકાર બને તો ઇતિહાસ આગળ વધશે. પટેલ અટકનો અપવાદ પણ નહિ થાય, પણ જો કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી જીત્યા તો ઇતિહાસ આગળ વધશે, પણ અટકનો અપવાદ થશે અને બીજા એક ચૌધરી અટકધારી સાંસદ બનશે.
વલસાડ અને દિલ્હી પશ્ચિમ આવા આડકતરા પણ રસપ્રદ મુદ્દાઓ માટે ચર્ચામાં રહેશે.