ચૂંટણી આચારસંહિતા અને શેષનનો ફૂંફાડો યાદ છે?

જંગલી શિકારી પ્રાણી પોતાનાથી તગડાં પ્રાણીનો શિકાર કરી શકે છે, કેમ કે તેના પંજામાં હોય છે નહોર. પંજામાં નહોર ના હોય તો ગણે તેટલી તાકાત કામ આવતી નથી. ચૂંટણી આવે એટલે આચારસંહિતાનો અમલ શરૂ થાય છે, પણ તે અર્થહિન બની રહે છે. કારણ એક જ – આચારસંહિતા નામના પ્રાણીના પંજામાં નહોર નથી. આચારસંહિતા ભંગની ફરિયાદ ફાઈલ થઈ જાય. બસ. બીજું કશું થાય નહિ.

આચારસંહિતાને મજબૂત કાયદાકીય આધાર ના હોવાના કારણે અરજી થાય, અરજી સામે નોટીસ કાઢવામાં આવે, જવાબ માગવામાં આવે, જવાબ આપી દેવામાં આવે અને સામો ઠપકો આપી દેવામાં આવે એટલે વાત પૂરી થઈ જાય છે. આચારસંહિતા ભંગ બદલ મોટા નેતાને મોટી સજા થઈ હોય તેવો દાખલો યાદ આવતો હોય તો કહો. ટી. એન. શેષનને યાદ ના કરશો. શેષને રાજકારણીઓ પ્રત્યેની પોતાની જૂની દાઝ કાઢી હતી. તેણે પદ્ધતિને એટલી મજબૂત નહોતી બનાવી કે તેમના અનુગામી પણ અસરકારક રીતે કામ કરી શકે.

શેષનના અનુગામીઓ પણ મોટા ભાગે નહોર વિનાના વાઘ જેવા બની રહ્યા છે. ચૂંટણી પંચની કામગીરી સામે ફરીથી સવાલો ઊભા થવા લાગ્યા છે. સરકારનું વાજિંત્ર બનીને જ કામ કરવા લાગ્યું છે. નવાઈ લાગવી પણ ના જોઈએ, કેમ કે ચૂંટણી તંત્ર જેવું કોઈ અલગ તંત્ર આમ તો છે નહિ. ચૂંટણી સમયે સરકારી તંત્રને ચૂંટણી તંત્રમાં ફેરવી નાખવામાં આવે છે. કલેક્ટર અને પોલીસ વડા એના એ જ હોય છે. તેમણે જ કામગીરી બજાવવાની હોય છે. ચૂંટણી પહેલાં પણ તેઓ જ કામ કરતા હતા, અને ચૂંટણી પછી પણ તેમણે જ કામ કરવાનું હોય છે. તેથી તેઓ જાણે છે કે શું કરાય અને શું ના કરાય.

શેષન પછી કેન્દ્ર સરકારે ચૂંટણી તંત્રને ઉલટાનું નબળું પાડ્યું છે. એકના બદલે હવે ત્રણ મુખ્ય ચૂંટણી અધિકારીઓ કરી દેવાયા છે. ત્રણેયની સર્વસંમતિથી જ અગત્યના નિર્ણયો થઈ શકે છે. બીજું આચારસંહિતાને કોઈ મજબૂત બંધારણીય કે કાયદાકીય આધાર નથી. આચારસંહિતા હેઠળ ફરિયાદ થાય તે પછી ફરિયાદ કરનારા પણ મોટા ભાગે તેમાં રસ લેતા નથી તે પણ હકીકત છે. બંને બાજુના પક્ષોના દ્વારા આચારસંહિતાનો ભંગ થતો હોય છે એટલે સામસામે માંડવાળ કરી લેવામાં આવે છે. શાસક પક્ષ પાસે આચારસંહિતાનો ભંગ કરવાની વધારે તક હોય છે, પણ વિપક્ષની નજર શાસક પક્ષ બનીને એ જ માર્ગે ચાલવાની હોય છે.

દાખલા તરીકે વાઘોડિયાના ભાજપના નેતા મધુ શ્રીવાસ્તવે એક જાહેર સભામાં ખુલ્લેઆમ ધમકી આપી – ‘કમળ જ નીકળવા જોઈએ, નહિ તો જોઈ લઈશ.’ ખુલ્લેઆમ દાદાગીરી આપી રહેલા શ્રીવાસ્ત સામે ફરિયાદ થઈ ખરી, પણ હવે આગળ શું થશે? વિચારો. કશું નહિ થાય. ઠપકો અપાશે અને વાત પૂરી થશે. વિપક્ષ કોંગ્રેસે પણ નિવેદનો કરીને મામલો પતાવી દીધો છે. કોંગ્રેસમાં પણ એવા નેતા છે, જે જ્યાં જરૂર પડે ત્યાં આવી ધમકીઓ આપતા હોય છે. સમજ્યા તમે.

આચારસંહિતા ભંગની ગંભીરતા હોત તો મધુ શ્રીવાસ્તવ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ શકે છે. આચારસંહિતાના નિયમો માટે ભારતીય દંડ સંહિતાના ઘણી બધી કલમોનો આધાર લેવામાં આવ્યો છે. શ્રીવાસ્તવ સામે જાહેરમાં ધાકધમકી આપવી, હુમલો કરવાનો ભય વગેરે કલમોના આધારે પોલીસ ફરિયાદ થઈ શકે અને ધરપકડ પણ થઈ શકે. પણ નહિ થાય.

 

1962માં કેરળમાં ચૂંટણી વખતે આચારસંહિતાનો અમલ શરૂ થયો હતો. ચૂંટણી પ્રક્રિયા પારદર્શી બની રહે, બધા પક્ષોને સમાન તક મળે, ધામધમકી કે લોભલાલચથી મતોનું પરિવર્તન ના થાય, અમીર ઉમેદવાર સામે ગરીબ ઉમેદવાર નબળો ના પડે, સરકારી તંત્રનો દુરુપયોગ ના થાય, પ્રચારના કારણે નાગરિકોના રોજબરોજના જીવનમાં ખલેલ ના પહોંચે, શાંતિ અને ભાઈચારો ટકી રહે, ધર્મ અને કોમના નામે મતો માગીને વાતાવરણ ડહોળવામાં ના આવે વગેરે આદર્શો સાથેના નિયમો બનાવવામાં આવ્યા હતા. બધા પક્ષોએ તેનું અનુસરણ કરવાની તૈયારી દાખવી હતી અને ધીમે ધીમે તેનું પાલન વધારે રાબેતામુજબ થતું રહ્યું.

જોકે આચારસંહિતા માટે અલગથી કાયદો નથી. કાયદો કરવા માટેની માગણી હવે થઈ રહી છે. અથવા થવી જોઈએ. લોકપાલ બનાવવા માટે આંદોલન થયું હતું. ઊંચા હોદ્દા પર બેઠેલા નેતાઓ સામે કાર્યવાહી કરવી મુશ્કેલ હોય છે. તેથી લોકપાલની રચનાની માગણી થઈ હતી. તેના માટેનો કાયદો સત્તાધીશોએ બનાવવો પડ્યો, પણ પછી રાબેતા મુજબ તેમાં પણ ટેક્નિકલ મુદ્દા ઊભા કરીને લોકપાલની નિમણૂક થઈ નહોતી. હવે છેક 2019ની ચૂંટણીની જાહેરાત થઈ તે પછી લોકપાલની નિમણૂક થઈ છે, પણ હવે અત્યારે તે પ્રક્રિયા અર્થહિન બની છે.

લોકપાલની જેમ જ મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક માટેના નિયમો બનાવવા જરૂરી છે. હાલમાં સીબીઆઈના મામલે ભારે વિવાદ થયો હતો. તેમાં પણ સીબીઆઈના વડા થોડી કાનૂની લડત આપી શક્યા, કેમ કે સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂક અને તેમને હટાવવા માટેની ચોક્કસ માર્ગદર્શિકા છે. બે વર્ષ સુધી ડિરેક્ટરને પદ પરથી હટાવી શકાતા નથી. લોકપાલની નિમણૂક માટે અને તેમને દૂર કરવા માટેના ચોક્કસ નિયમો બનાવાયા છે. એ જ રીતે ચૂંટણી અધિકારીની નિમણૂક અને તેમનો સુનિશ્ચિત કાર્યકાળ નક્કી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. શેષનને વખાણ કરતી વખતે એ યાદ રાખવું જરૂરી છે કે તેઓ અમલદાર તરીકે ચીલાચાલુ જ હતા. રાજીવ ગાંધીના માનીતા અધિકારી તરીકે તેમણે કામ કર્યું હતું. જીવનભર નેતાઓની ચમચાગીરી કરનારા અમલદાર જ તેઓ બની રહ્યા હતા. એ તો છેલ્લે છેલ્લે મુખ્ય ચૂંટણી કમિશનર બનવાની તક મળી ત્યારે તેમણે નક્કી કર્યું કે હવે કારકિર્દીના અંત તરફ છીએ ત્યારે કશુંક કરી બતાવવું. આગળ જતા શેષન કોંગ્રેસના નેતા તરીકે ગાંધીનગરમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમનો વારસો તેમણે જાતે જ ખરડી નાખ્યો હતો.

વર્તમાન પદ્ધતિ અને વર્તમાન આચારસંહિતા પ્રમાણે બીજો શેષન થાવો મુશ્કેલ છે. સેનાના જનરલો, સીબીઆઈના ડિરેક્ટરો, આરબીઆઈના ડિરેક્ટરો, ડીઆરડીઓના ડિરેક્ટરો, રૉના ડિરેક્ટરો, આઈબીના ડિરેક્ટરો, અને અન્ય બંધારણીય સંસ્થાઓના વડાઓ પણ નિવૃત્ત થઈને રાજકારણમાં જોડાઈ જાય છે ત્યારે શેષન પેદા થાય તેવી શક્યતાઓ ઘટી રહી છે. શેષન પેદા કરવા માટે કાયદાકીય અને બંધારણીય મજબૂત આધાર આચારસંહિતાને આપવો જરૂરી બન્યો છે. સાથે જ ઊચ્ચ હોદ્દા પરથી નિવૃત્ત થનારા લોકો દસ વર્ષ સુધી ન રાજકીય પક્ષમાં જોડાઈ શકે, ન ચૂંટણી લડી શકે, ન પ્રચાર કરી શકે અને સંસ્થાઓ ઊભી કરીને કે ભાષણો કરીને મતદારોના માનસને અસર કરી શકે તેની ખાતરી કરવી પણ જરૂરી છે. રાજકારણમાં રસ હોય તો સરકારી નોકરી અડધેથી છોડી દે.

આચારસંહિતાના ભંગની આ વખતે ગંભીર ઘટનાઓ બની છે. આચારસંહિતા લાગુ પડ્યા પછી ખુદ વડાપ્રધાન દેશ આખાને દોઢ કલાક સુધી ઉચાટમાં રાખ્યા પછી વિજ્ઞાનીઓનો જશ સ્વંય ખાટી ગયા. સેનાનું નામ લેવાની મનાઈ હોવા છતાં યોગી આદિત્યનાથે ભારતની ઉચ્ચ પરંપરા ધરાવતી સેનાને દાધ લગાડી દીધો. યોગીએ ભારતીય સેનાને મોદીની સેના કહી નાખી. રાજ્યપાલના બંધારણીય હોદ્દા પર બેઠેલા કલ્યાણસિંહે ચૂંટણીપ્રચાર જેવી વાતો કરી, નીતિ આયોગના સભ્ય રાજીવ કુમાર જાણે ભાજપના સભ્ય હોય તેમ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની ટીકા કરવા નીકળી પડ્યા. માયાવતી અને અખિલેશ ખુલ્લેઆમ મુસ્લિમોને કહે છે કે તમારા મતો વેડફી નાખતા નહિ અને કોંગ્રેસને આપતા નહિ, નહિતો ભાજપ જીતી જશે. મધુ શ્રીવાસ્તવ ધમકી જ આપે છે કે કમળ સિવાય કોઈને મત આપ્યો તો…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]