હવે વારો ઓડિશાનો, બીજેડીમાં પડ્યાં ભાગલા

2019ની ચૂંટણીને એકાદ વર્ષની વાર છે ત્યારે એન્ટીબીજેપી મોરચો ઊભો કરવાની ચર્ચાની જગ્યાએ, ક્યાં ક્યાં ગાબડાં પડી રહ્યા છે તેવી ચર્ચા વધુ થઈ રહી છે. સીતારામ યેચુરીએ સીપીએમમાં સત્તાવાર સૂચન કર્યું હતું કે સંઘ-ભાજપ સામે મજબૂત મોરચા માટે પ્રયાસો કરવા રહ્યા. સત્તાવાર રીતે તે સૂચન નકારી કઢાયું છે. પશ્ચિમ બંગમાં ડાબેરી અને કોંગ્રેસ એક થાય તે શક્યતા આમ પણ ઓછી હતી. તેના પડોશી રાજ્ય ઓડિશામાં પણ મજબૂત પ્રાદેશિક પક્ષ બીજુ જનતા દળમાં ભાગલા પડી ગયા છે.બીજેડીના સંસદસભ્ય અને દિલ્હીમાં બીજેડીના ચહેરા તરીકે જાણીતા બૈજયંત પાન્ડા એટલે કે જય પાન્ડાને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. જય પાન્ડા હવે ક્યારેય ભાજપમાં જોડાઈ જાય તેની રાહ જોવાની રહી. કેમ કે તેમના સસ્પેન્શન પાછળનું એક મહત્ત્વનું કારણ તેમના દ્વારા સતત પીએમ મોદીની આરતી ઉતારવામાં આવતી હતી તે પણ હતું. સંઘ-ભાજપની વિચારધારાના પ્રવાહમાં જય પાન્ડા વારંવાર ડુબકી મારતા હતા.
બિહારમાં ભાજપે ભાગલા પડાવ્યા અને નીતિશકુમાર નીચી મૂંડીએ ભાજપના ખોળામાં બેસી ગયા. આસામમાંથી કોંગ્રેસનો મજબૂત પાયો ગણાતા હેમંત બિશ્વા સર્માને ભાજપે આવકાર્યા અને ઇશાન ભારતમાં એકથી વધુ રાજ્યોમાં તેમને એક મજબૂત નેતા મળી ગયો. નાગાલેન્ડ અને ત્રિપુરામાં પણ સ્થાનિક મજબૂત નેતાઓને ભાજપ પોતાના રથમાં બેસાડી રહ્યું છે. તામિલનાડુમાં જયલલિતાના ગમન બાદ શશિકલાને એકલી પાડીને બાકીના જૂથને સાથે લેવાની ગણતરી મંડાયેલી જ છે.
દરમિયાન ઓડિશામાં રાજકીય હલચલ મચી, જેનો સીધો ફાયદો ભાજપને થશે. છેલ્લે થયેલી સ્થાનિક પંચાયતોની ચૂંટણીમાં ભાજપ બીજા નંબરે રહ્યો છે. કોંગ્રેસ ત્રીજા સ્થાને જતી રહી છે. તેના દ્વારા એવી હવા ઊભી કરાઈ છે કે ઓડિશામાં ભાવી ભાજપની તરફ છે. ત્રણ દાયકાથી શાસન કરી રહેલા બીજેડીના વિકલ્પ તરીકે ભાજપની હવા ઊભી કરાઈ છે.એ હવાને હવે જોર મળશે, કેમ કે જય પાન્ડા મુખ્યમંત્રી નવીન પટનાયકના ફેમિલી ફ્રેન્ડ ગણાતા હતા. દાયકાઓથી બંનેના પરિવારો વચ્ચે સારા સંબંધો રહ્યા છે. ધનાઢ્ય પાન્ડા ઓડિશાનો ઉદ્યોગપતિ પરિવાર છે. નવીનના પિતા બીજુ પટનાયક અને જયના પિતા બંસીધર પાન્ડા વચ્ચે સારા સંબંધો હતા. ફેરો એલોય્સનું વિશાળ સામ્રાજ્ય બંસીધર પાન્ડાએ ઊભું કર્યું હતું. તે પછી દિકરા જયે માઇનિંગ અને મીડિયામાં પગદંડો જમાવ્યો છે. નંબર વન ઓડિશા ન્યૂઝ ચેનલ પાન્ડાની માલિકીની છે. આ ચેનલ દ્વારા બીજેડીની ઉજળી છબી ચીતરાતી રહી છે. જયની માતા ઇલા પાન્ડેને 1992માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. પિતાના મૃત્યુ બાદ 1997માં બીજેડી નામનો પોતાનો અલગ પક્ષ નવીન પટનાયકે ઊભો કર્યો ત્યારે સત્તાવાર રીતે જય પાન્ડા સભ્ય પણ બન્યા અને માતાની જેમ રાજ્યસભામાં ગયા હતા.
રાજ્યસભાના સંસદ તરીકે દિલ્હીમાં ધામા નાખનારા જય અન્ય પક્ષો સાથે સારું નેટવર્કિંગ કરતાં રહ્યા હતા. ભાજપ સાથે તે વખતથી તેના સારા સંબંધો હતા, જે આગળ જતા ગાઢ થયા, કેમ કે 2000ની ચૂંટણીમાં ભાજપ અને બીજેડીના ગઠબંધનને ઓડિશામાં સત્તા મળી હતી. જોકે તે પછી મોકો જોઈને નવીન પટનાયકે ગઠબંધન તોડી નાખ્યું હતું અને છેલ્લી ત્રણ ચૂંટણીઓ એકલા હાથે જીતી છે. ચાર વખતથી મુખ્ય મંત્રી નવીન સામે પાંચમી વાર જીતવાની ચેલન્જ છે ત્યારે જ આ ભાગલા પડ્યા છે.
2009માં જય પાન્ડાને કેન્દ્રાપાડામાંથી લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી. કેન્દ્રાપાડામાંથી જ બીજુ પટનાયક જીતતા હતા. તેના પરથી પણ બંને પરિવારો વચ્ચેનો ગાઢ સંબંધ સ્પષ્ટ થતો હતો. એ સંબંધોમાં ધીમે ધીમે તિરાડો ઊભી થઈ છે. તેની પાછળના કારણો એકથી વધુ છે, પણ મુખ્ય કારણ પાન્ડા અને ભાજપ વચ્ચેની નિકટતા છે. 2014માં બીજી વાર લોકસભામાં જીતીને પાન્ડા દિલ્હી ગયા ત્યારે દિલ્હીની સ્થિતિ બદલાઇ ગઇ હતી. હવે ભાજપની આગેવાનીમાં મજબૂત એનડીએની સરકાર હતી. માત્ર ઓડિશામાં જ ભાજપને સફળતા મળી નહોતી. પણ હવે 2019ની ચૂંટણીમાં બીજે બેઠકો ઓછી થવાની છે ત્યારે કર્ણાટક, પશ્ચિમ બંગ અને ઓડિશા જેવા રાજ્યોમાં ભાજપે પોતાની સંખ્યા વધારવી જરૂરી છે.
તે માટે જય પાન્ડા જેવા સ્થાનિક નેતાઓની જરૂર ભાજપને છે. અમિત શાહે પોતાની સ્ટાઇલમાં ઓડિશામાં રસ લેવાનું શરૂ કર્યું ત્યારથી બીજેડીમાં આંતરિક હલચલ શરૂ થઈ ગઈ હતી. ઓડિશામાં બીજેડીના બે દાયકાના શાસન પછી હવે વિકલ્પ બીજેપી છે તેવી છાપ ઊભી કરવામાં તેઓ સફળ રહ્યા છે.
આવી છાપ ઊભી કરવામાં કંઈક અંશે પાન્ડાનો પણ સહકાર રહ્યો છે. કેમ કે તેઓ અવારનવાર નિવેદનો દ્વારા અને દેશના કેટલાક અખબારોમાં ચાલતી તેમની કોલમમાં મોદી અને ભાજપની પ્રસંશા કરતા રહ્યા છે. સ્થાનિક ધોરણે બીજેડી મજબૂત હતી ત્યાં સુધી નવીન પટનાયકને પણ આની સામે બહુ વાંધો નહોતો. નવીન પટનાયકે પોતે પણ પોતાના જૂના સાથી ભાજપ સાથે સારા સંબંધો જાળવી રાખ્યા છે. જરૂર પડ્યે કેન્દ્રમાં બીજેડી ભાજપની સાથે રહે તેવી છાપ છે. બીજેડીનો મુખ્ય વિરોધ કોંગ્રેસ સામે રહ્યો છે.હવે સ્થિતિ બદલાઇ છે. કેન્દ્રમાં મજબૂત રીતે સત્તા પ્રાપ્ત કર્યા પછી ભાજપે એક પછી એક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોને ખમત કરવાની રીત અપનાવી છે. લાલુ પ્રસાદને નબળા પાડ્યાનો દાખલો તાજો છે. સૌથી જૂના સાથી એવા શિવસેનાને પણ ભાજપે મજબૂર કરી દીધી છે. આ સંજોગોમાં ઓડિશામાં ભાજપ પોતાના ગઢમાં ગાબડું પાડશે તેવું પટનાયકને લાગવા લાગ્યું હતું. હવે કોંગ્રેસના બદલે ભાજપનો સામનો કરવાની વધારે જરૂર હોય ત્યારે સૌથી વિશ્વાસુ ગણાતા સાથી અને રાષ્ટ્રીય સ્તરે બીજેડીના પ્રતિનિધિ તરીકે ગણાતા આવેલા પાન્ડા ભાજપ તરફથી નિવેદનો આપે તે લાંબો સમય ચાલે તેમ નહોતું. એથી જ જે થવાનું અનિવાર્ય હતું તે થયું છે. જય પાન્ડાની હકાલપટ્ટી કરાઇ છે.
ભાજપને કેટલો ફાયદો થશે તેની ગણતરીઓ મંડાઇ રહી છે. જોકે જાણકારો કહે છે કે આસામમાં હેમંત બિસ્વા સર્મા સાથે જય પાન્ડાની સરખામણી કરવી યોગ્ય નથી. હેમંત સર્મા પાયાના સ્તરે મજબૂત પકડ ધરાવનારા સંગઠનના માણસ હતા. જય પાન્ડા અબજપતિ ઉદ્યોગપતિ અને મીડિયા માંઘાતા તરીકે મોટા ભા થઈને ફરતા રહ્યા છે. દિલ્હીમાં તેમની હાજરીના કારણે બીજેડીના ચહેરા તરીકે તેમની ઓળખાણ ખરી, પણ પાયાના સ્તરે તેમની કોઈ પકડ નથી. સંગઠનમાં પાન્ડાની કોઈ પકડ નથી. નજીકના ભૂતકાળમાં પાન્ડા કરતાં મજબૂત નેતાઓએ નવીન પટનાયકને પડકાર કર્યો ત્યારે સિફતપૂર્વક તેમને હટાવી દેવાયા હતા. અમેરિકામાં ભણેલા નવીન પટનાયક બહુ સૌમ્ય લાગે છે. રાજકારણના ખેલાડી તરીકેની તેમની કોઈ છાપ નથી, પણ બહુ ઠંડા કલેજે તેઓ રાજકીય ઓપરેશન કરે છે તે જોઈને ઘણા કહે છે કે આ આધુનિક યુગની કોર્પોરેટ પોલિટિક્સની સ્ટાઇલ છે. પાન્ડાને પણ પટનાયક કોર્પોરેટ સ્ટાઇલમાં સાઇડલાઇન કરી દેશે એમ મનાય છે. જોકે ભાજપની પ્રચારની પદ્ધતિનો સામનો કરવો તેમના માટે મુશ્કેલ છે. ભાજપ ઓડિશામાં આગળ વધી રહ્યો છે તે છાપ પાન્ડાની ઘટનાથી મજબૂત જ બનવાની છે. ભાજપમાં જોડાશે તો નક્કર બનશે. નવીન પટનાયકે ત્યારે હવે કંઈક નવીન રાજકીય શૈલી અપનાવવી પડશે.