જોહાનિસબર્ગ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા પર ભારતનો 63-રનથી ઝળહળતો વિજય

જોહાનિસબર્ગ – અહીંના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકા પર 63 રનથી ઝળહળતો વિજય મેળવ્યો છે.

આ જીત સાથે ભારતે સિરીઝ પરાજયનો માર્જિન ઘટાડીને 1-2 કર્યો છે.

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ રંગ રાખ્યો છે. એણે 12.3 ઓવરમાં 28 રન આપીને પાંચ વિકેટ ઝડપીને ભારતને એક સમયે અશક્ય લાગતો વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ત્રીજી ટેસ્ટ જીતીને ભારતનો સિરીઝમાં વ્હાઈટ-વોશ કરવા માટે દક્ષિણ આફ્રિકાને 241 રનના ટાર્ગેટ મળ્યો હતો. આજે ચોથા દિવસે ત્રીજા અને અંતિમ સત્રની રમતમાં દક્ષિણ આફ્રિકાનો બીજો દાવ 177 રનમાં પૂરો થયો હતો. ઓપનર ડીન એલ્ગર 240 બોલનો સામનો કરીને 86 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. તેણે અને હાશીમ અમલા (52)ની જોડીએ બીજી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી હતી. દક્ષિણ આફ્રિકાના 124 રનના સ્કોર પર ઈશાંત શર્માએ અમલાને આઉટ કર્યો એ સાથે જ દક્ષિણ આફ્રિકાના ધબડકાની શરૂઆત થઈ હતી અને નિયમિત અંતરે તેની વિકેટ પડતી રહી હતી. તેના ચાર બેટ્સમેન ઝીરો પર આઉટ થયા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસી બે રન કરી શક્યો હતો. ઈશાંતે એને ક્લીન બોલ્ડ કર્યો હતો.

જોહાનિસબર્ગના વોન્ડરર્સ મેદાન પર અત્યાર સુધીમાં રમેલી ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમ અપરાજિત રહી છે…

1992-93 : ડ્રો

1996-97 : ડ્રો

2006-07 : જીત્યા

2013-14 : ડ્રો

2017-18 : જીત્યા

અન્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પણ બે વિકેટ લીધી હતી તો ભૂવનેશ્વર કુમારે કેગીસો રબાડાને આઉટ કર્યો હતો.

દક્ષિણ આફ્રિકામાં સાત વર્ષમાં ભારતીય ટીમે પહેલો ટેસ્ટ વિજય મેળવ્યો છે.

હવે બંને ટીમ વચ્ચે વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ શરૂ થશે. પહેલી મેચ 1 ફેબ્રુઆરીએ ડરબનમાં રમાશે.