દક્ષિણ આફ્રિકા સામે આગામી ટ્વેન્ટી-20 સિરીઝ માટેની ભારતીય ટીમમાં સુરેશ રૈનાનો સમાવેશ

મુંબઈ – રાષ્ટ્રીય ક્રિકેટ પસંદગીકારોએ દક્ષિણ આફ્રિકામાં આગામી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ માટે 16-સભ્યોની ભારતીય ટીમની આજે જાહેરાત કરી છે. ઓલરાઉન્ડર સુરેશ રૈનાનું ટીમમાં પુનરાગમન થયું છે. ત્રણ-મેચોની T20I સિરીઝ 18 ફેબ્રુઆરીથી શરૂ થશે.

રૈનાની સાથે ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉનડકટ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાની 11મી મોસમ માટે ખેલાડીઓની હરાજીમાં બીજા નંબરે સૌથી મોંઘા ખેલાડી તરીકે પસંદ કરાયો છે. રાજસ્થાન રોયલ્સ ટીમે એને 11.5 કરોડમાં ખરીદ્યો છે.

ડાબોડી બેટ્સમેન સુરેશ રૈના છેલ્લે 2017ના ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે પોતાની છેલ્લી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો.

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની પહેલી T20I મેચ 18 ફેબ્રુઆરીએ જોહાનિસબર્ગમાં, બીજી 21 ફેબ્રુઆરીએ સેન્ચુરિયનમાં અને ત્રીજી 24 ફેબ્રુઆરીએ કેપ ટાઉનમાં રમાશે.

ઉત્તર પ્રદેશનો બેટ્સમેન રૈના હાલમાં રમાઈ ગયેલી સૈયદ મુશ્તાક અલી સ્પર્ધાની સુપર લીગમાં જોરદાર ફોર્મમાં રમ્યો હતો અને એક અણનમ સદી તથા બે અડધી સદી ફટકારી હતી.

ટીમમાં ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર અને ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને પણ પુનરાગમન કર્યું છે. આ બંને જણે શ્રીલંકા સામેની ગત T20I સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો હતો.

T20I મેચોની સિરીઝ પહેલાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમાશે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ ભારત 1-2થી હારી ગયું છે, પણ ત્રીજી, વોન્ડરર્સ ટેસ્ટ મેચ 63-રનથી જીતીને ભારતીય ટીમે આત્મવિશ્વાસ પાછો મેળવ્યો છે.

T20I સિરીઝ માટેની ભારતીય ટીમ આ મુજબ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મનીષ પાંડે, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુર.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]