મોદીએ ફ્રેન્ચ પ્રમુખ મેક્રોનને ગંગા નદીમાં નૌકાવિહારનો આનંદ કરાવ્યો

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોન એમના પત્ની બ્રિજેટની સાથે ચાર દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે, પણ આ પ્રવાસ મીઠી યાદ તરીકે એમની સ્મૃતિમાં કાયમ રહી જશે. ખાસ કરીને તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તરફથી મેક્રોનની જે આગતાસ્વાગતા કરવામાં આવી છે એ અનુભવ ફ્રેન્ચ પ્રમુખ ક્યારેય ભૂલી નહીં શકે.

મેક્રોન આગરામાં વિશ્વપ્રસિદ્ધ સ્મારક તાજમહલ જોઈ આવ્યા, પણ આજે, સોમવારે ખુદ વડા પ્રધાન મોદીએ એમનું વારાણસીમાં ભવ્ય રીતે સ્વાગત કર્યું અને એમને ફૂલોથી સજાવેલી ડબલ-ડેકર નૌકામાં ગંગા નદીમાં નૌકાવિહાર કરાવ્યું હતું.

વારાણસી વડા પ્રધાન મોદીનો લોકસભા મતવિસ્તાર છે.

મોદીએ મેક્રોનને યાત્રાધામ વારાણસીના ઐતિહાસિક 12 ગંગાઘાટ વિશે જાણકારી આપી અને મેક્રોને રસપૂર્વક એ બધું સાંભળ્યું. વારાણસીના ઘાટો પર સરકાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જે નિહાળીને મેક્રોન ચકિત થઈ ગયા.

વારાણસીમાં મેક્રોન આવી પહોંચ્યા ત્યારે જ એમનું શાહી રીતે સ્વાગત કરવામાં આવ્યું રહતું. ત્યારબાદ મોદી અને મેક્રોન મિર્ઝાપુર ગયા હતા. ત્યાં એમણે સોલર પાવર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ બંને નેતા પવિત્ર ગંગા નદીના ઘાટ પર ગયા હતા.

અસ્સી ઘાટ પરથી બંને દેશના મહાનુભાવોએ એક વિશેષ નૌકામાં સવાર થઈને ગંગા નદીમાં નૌકા વિહારનો આનંદ માણ્યો હતો. એમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હતા.

આ સહેલગાહ દરમિયાન વડા પ્રધાન મોદી ફ્રેન્ચ પ્રમુખ મેક્રોંનના ગાઈડ બની ગયા હતા. મેક્રોને આ બધી વાતોમાં રસ બતાવ્યો હતો, મોદીને સવાલો પૂછ્યા હતા અને મોદીએ એમને ગંગા ઘાટોના ધાર્મિક તથા ઐતિહાસિક મહત્વ વિશે જાણકારી આપી હતી.. બંને નેતાએ અસ્સી ઘાટ પર લટાર પણ મારી હતી અને દીનદયાળ હેન્ડીક્રાફ્ટ મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી.

બંને નેતાના અભિવાદન માટે ગંગા ઘાટો પર લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ઘાટ પર સ્થાનિક લોકોને શેહનાઈ વગાડતા જોઈને મેક્રોન અટક્યા હતા અને દિલચસ્પીથી એ વાદ્યના સૂરો સાંભળ્યા હતા.

બંને નેતાએ એ પહેલાં બપોરે તાજ ગ્રુપની નાદેશ્વર ફાઈવ સ્ટાર હોટેલમાં લંચ લીધું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]