ગુજરાતના રાજકારણમાં નવું નેતૃત્વ અને નો રિપિટ થિયરીના બે જબરદસ્ત આંચકાઓ પછી સર્જાયેલો રાજકીય માહોલ ધીમે ધીમે સ્થિર થતો જાય છે, પણ એના પડઘા હજુ શમ્યા નથી. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળની રચના કરી લીધી છે અને નવા મંત્રીઓએ ચાર્જ પણ સંભાળી લીધો છે, પણ રાજકીય વર્તુળોમાં નરેન્દ્ર મોદીના આ નવતર રાજકીય પ્રયોગની ચર્ચા હજુ ય ચાલ્યા કરે છે.
બેશક, આ નરેન્દ્ર મોદીનો નવતર રાજકીય પ્રયોગ છે. સરકારનું નેતૃત્વ બદલાય એ ઘટના નવી નથી. ખુદ નરેન્દ્ર મોદી પોતે ઓક્ટોબર 2001 માં નેતૃત્વ પરિવર્તનના ભાગરૂપે જ કેશુભાઇ પટેલના સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, પણ મુખ્યમંત્રીની સાથે સાથે નવી સરકારના તમામ મંત્રીઓ બદલાય એવી નો રિપિટ થિયરીએ બધાને વધારે ચોંકાવી દીધા છે. નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દિલીપ ઠાકોર, ગણપત વસાવા જેવા લાંબા સમયથી મંત્રીપદે કહેનારા આગેવાનોને રાતોરાત ગાડી-બંગલો છોડીને સામાન્ય ધારાસભ્યપદથી સંતોષ માનવાનો વારો આવ્યો છે અને જિતુ વાઘાણી, હર્ષ સંઘવી, રુષિકેશ પટેલ જેવા અનેક નવલોહિયા આગેવાનોને તક મળી છે.
ગયા વરસે જૂલાઇ, 2020 માં સી. આર. પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા એ પછીના ગુજરાત ભાજપના રાજકીય સમીકરણો અને વિજય રૂપાણીના મુખ્યમંત્રીપદેથી અચાનક જ રાજીનામાના ઘટનાક્રમ પર ફરીથી નજર નાખો તો ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણી માટે નરેન્દ્ર મોદીએ અજમાવેલા આ રાજકીય પ્રયોગની ડિઝાઇનનો ખ્યાલ આવશે. કેટલાંક મુદ્દાઓના આધારે આ સમજીએઃ
સત્તાવિરોધી માહોલને ખાળી શકાય
ચૂંટણી લડી રહેલા સત્તા પક્ષ માટે એન્ટી-ઇન્કમ્બન્સી અર્થાત સત્તા વિરોધી માહોલ બહુ મહત્વનું ફેક્ટર છે. 2017 માં 99 બેઠક પર અટકી ગયેલી વિજય રૂપાણીની ભાજપ સરકારે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોના કારણે પાછળથી સંખ્યાબળ મેળવી લીધું, વિધાનસભાની પેટાચૂંટણીઓ ય જીતી લીધી એ બધી વાત સાચી, પણ ગુજરાતનો વર્તમાન રાજકીય માહોલ, ભાજપના આંતરિક સમીકરણો અને વહીવટ પર રાજકીય પક્કડના અભાવે 2022 ની ચૂંટણી માટે ભાજપે નક્કર નિર્ણયો લેવાની જરૂર તો વર્તાતી જ હતી. લોકોમાં સરકાર માટે નકારાત્મકતા હોય ત્યારે એ નકારાત્મકતાનો ચહેરો નેતૃત્વ હોય છે. એટલે જ જો નેતૃત્વ જ બદલી નાખવામાં આવે તો એ નકારાત્મકતાને ખાળવામાં મદદ મળે.
ભાજપ હવે ભૂપેન્દ્ર પટેલના નવા નક્કોર ચહેરા સાથે લોકોની સામે જઇ શકે છે. ફ્કત મુખ્યમંત્રી જ શું કામ? અહીં તો આખેઆખી સરકાર નવી છે એટલે ભાજપે 2022 માં અગાઉની સરકારની કામગિરીના ભાર વિના કોરી પાટી સાથે મેદાનમાં ઉતરવાનો દાવ ખેલ્યો છે.
યાદ રહે, ગુજરાત માટે નો રિપિટ થિયરી આમ પણ નવી વાત નથી. વર્ષ 2005 માં ગુજરાતની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં નરેન્દ્રભાઇએ તમામ સિટીંગ ઉમેદવારોને ઘરે બેસાડીને નવા જ ઉમેદવારોને ટિકીટ આપેલી. એ વખતે પણ શહેરી વિસ્તારોમાં સુવિધાઓના અભાવે (એ તો આજે ય છે) લોકોમાં શાસક પક્ષ માટે રોષ હતો, પણ ચૂંટણી આવી એટલે ચહેરાઓ બદલાઇ ગયા. નો રિપિટ થિયરીનો આ પ્રયોગ સફળ રહયો.
કોરી પાટીની સરકાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિધાનસભાના અધ્યક્ષમાંથી હવે મંત્રી બનેલા રાજેન્દ્ર ત્રિવેદી, જામનગરના રાઘવજી પટેલ અને લીંબડીના કિરીટસિંહ રાણા જેવા બે-ત્રણ આગેવાન સિવાય સરકારના અન્ય કોઇ મંત્રીને વહીવટનો અનુભવ નથી. એમને હજુ પોતાના વિભાગના કામગિરી અને વહીવટ સમજતાં જ થોડોક સમય લાગશે. એ સમજશે અને થોડીક પક્કડ મેળવશે ત્યાં સુધીમાં તો છએક મહિનામાં નવી ચૂંટણીના નગારા વાગવા માંડશે. એ અર્થમાં આ સરકારે ખરેખર શું કામગિરી કરી એનો તો લોકોને ખ્યાલ જ નહીં આવે, સિવાય કે કોઇ મોટી ઘટનાઓ બને અને એમાં સરકારનું પાણી મપાય.
વળી, નવા મંત્રીઓ અત્યારે કોરી પાટી જેવા છે એટલે જૂની સરકારની ભૂલો કે દોષોમાંથી છટકવા માટે એમની પાસે રેડીમેડ કારણ ય હશે. એક વર્ષ આમ તો ઓછો સમયગાળો નથી, પણ આપણે ત્યાં ચૂંટણી પહેલાંનાં છએક મહિના તો લોકરંજક જાહેરાતો અને વિવિધ સમાજને રાજી કરવાની કવાયતોમાં જ નીકળી જતો હોય છ એટલે નવી સરકાર માટે સત્તા વિરોધી માહોલ (સિવાય કે કોઇ અપવાદરૂપ ઘટના સર્જાય) સર્જાવાની શક્યતા ઘટી જાય છે.
મંત્રીમંડળની પસંદગીમાં વિસ્તાર અને જ્ઞાતિ-જાતિના સમીકરણોની ય બહુ ચર્ચા થાય છે, પણ આ પ્રયોગમાં પાટીદાર ફેક્ટર સિવાય એનું બહુ મહત્વ નથી. આ સમીકરણો ધ્યાનમાં ચોક્કસ રખાયા છે, પણ એ તો અગાઉની તમામ સરકારોમાં ય આ સમીકરણો ધ્યાને લેવાતા હતા.
એક કાંકરે અનેક પક્ષી
નરેન્દ્ર મોદી આમ તો એક કાંકરે અનેક રાજકીય તીર મારવા માટે પ્રખ્યાત છે. નેતૃત્વ પરિવર્તન અને મંત્રીમંડળમાં નો-રિપિટ થિયરી દ્વારા પણ એમણે આ રીતે અનેક તીર માર્યા છે. જો વિજય રૂપાણીની સરકારમાંથી અમુક મંત્રીઓને રિપિટ કરાય અને અમુકને પડતા મૂકાય તો પક્ષમાં અસંતોષ અને જૂથવાદ વધે. પડતા મૂકાયેલા સિનિયરોને રજૂઆત કરવાનું કે નારાજ થવાનું કારણ મળે. અહીં તો પ્રદીપસિંહ જાડેજા સહિત તમામ મંત્રીઓ પડતા મૂકાયા છે એટલે કોઇ મંત્રી ફરિયાદ કરવાની કે નારાજ થવાની સ્થિતિમાં નથી. સાથે સાથે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે પણ સિનિયર મંત્રીઓની કેબિનેટમાં ગેરહાજરી આડકતરી રીતે આશીર્વાદરૂપ છે.
વળી, આ બદલાવથી જે રીતે નવા ચહેરાઓને સરકારમાં મંત્રી બનવાની તક મળી છે એનાથી પક્ષની જુનિયર કેડરમાં પણ નવી આશાનો સંચાર થયો છે. જેમને પડતા મૂકાયા છે એ આગેવાનોના અત્યંત નજીકના સો-બસો સમર્થકો સિવાય ગુજરાત ભાજપના બીજી હરોળના કાર્યકર્તાઓમાં અત્યારે ખુશીનો માહોલ છે, કેમ કે બધાને આશા બંધાણી છે કે ભવિષ્યમાં પોતાને ય ક્યાંકને ક્યાંક આવી રીતે તક મળી શકે છે. આ કેડર હવે બમણા જોશથી ચૂંટણીના કામમાં જોતરાઇ શકે છે. આમ પણ, ગુજરાત ભાજપમાં છેલ્લા ઘણા સમયથી જૂના આગેવાનો પદ છોડતા નથી એટલે નવાને તક મળતી નથી એવી ફરિયાદ અંદરખાનેથી વ્યાપક બની હતી. નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળની નો રિપિટ થિયરીથી આ ફરિયાદને એક ઝાટકે નાબૂદ કરી દીધી છે અને નવા લોકોને ય તક મળી શકે છે એવો મેસેજ આપવામાં એ સફળ થયા છે.
શું 2022 માં ય નો રિપિટ?
ભાજપના આતંરિક વર્તુળોમાં એવો ચણભણાટ શરૂ થઇ જ ચૂક્યો છે કે 2022 માં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી વખતે નો રિપિટ થિયરી અપનાવી શકે છે. અલબત્ત, ડિસેમ્બર 2022 માં (કે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે) ભાજપની રાજકીય સ્થિતિ કેવી હશે એ કહેવું મુશ્કેલ છે, પણ મંત્રીમંડળમાં જે રીતે નો રિપિટ થિયરીનો પ્રયોગ મક્કમતાથી અમલમાં મૂકાયો એ પછી એટલું તો ચોક્કસ છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી વખતે ચાર-પાંચ કે છ-છ ટર્મથી ચૂંટાઇને આવતા ધારાસભ્યો માટે ટિકીટ મેળવવી અઘરું હશે. મંત્રીમંડળમાં નવા મંત્રીઓની પસંદગીથી એ સ્પષ્ટ છે કે ઝોક હવે નવા-યુવાન નેતૃત્વ તરફ છે. હર્ષ સંઘવી જેવા યુવાન ધારાસભ્યને ગૃહ ખાતાના રાજ્યકક્ષાના મંત્રી બનાવીને મોદી-શાહે આ સંદેશ બહુ સ્પષ્ટ આપી દીધો છે. જો નવું મંત્રીમંડળ અપેક્ષા કરતાં સારું પરફોર્મ કરી બતાવે છે તો સિનિયરો માટે વિધાનસભામાં પુનઃએન્ટ્રી વધારે મુશ્કેલ બની શકે છે.
અલબત્ત, હાલ ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને પડતા મૂકીને નવા જ ઉમેદવારોને 2022માં ટિકિટ અપાય એવી સો ટકા નો રિપિટ થિયરી શક્ય નથી, પણ વારંવાર ચૂંટાતા ધારાસભ્યોને બદલીને ઉમેદવારોની પસંદગીમાં ભાજપ (એટલે કે નરેન્દ્ર મોદી-અમિત શાહ) મેકઓવરનો પ્રયોગ કરી શકે છે. મંત્રીમંડળની પસંદગી એનો સ્પષ્ટ સંકેત છે.
અને હા, સૌથી મહત્વની વાત. રાજકારણમાં ટાઇમિંગ સૌથી વધુ અગત્યનું છે અને નરેન્દ્ર મોદી આ બાબતમાં માહેર છે. ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ આંતરિક ઝઘડામાં વ્યસ્ત છે અને ચૂંટણીને માંડ તેર મહિના બાકી છે, પણ હજુ પ્રદેશ પ્રભારી ય નક્કી કરી શકવાની સ્થિતિમાં નથી. આમ આદમી પાર્ટી જોર કરે છે, પણ એમનું પાટીદાર કાર્ડ આ પ્રયોગથી નબળું પાડી દેવાયું છે. પંચાયતથી માંડીને વિધાનસભા સુધી ભાજપનું સંગઠન હજુ અકબંધ છે. આ સંજોગોમાં આવો પ્રયોગ કરવા માટે નરેન્દ્ર મોદીને આનાથી વધારે સારો સમય ન જ મળ્યો હોત. 2022 ની રાજકીય શતરંજ બિછાવાઇ ચૂકી છે.
કેતન ત્રિવેદી (ગાંધીનગર)