ક્યા પડકારો છે ભૂપેન્દ્ર પટેલ સામે?

ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેેન્દ્ર પટેલ પાસે 2022 ની ચૂંટણી આડે બહુ સમય નથી. ઓછા સમયમાં એમણે ઘણું કરવાનું છે. ક્યા પડકારો છે એમની સામે?

——————————————————————–

કેતન ત્રિવેદી (ગાંધીનગર)

2017 ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભાની બેઠક પરથી સૌથી વધુ માર્જિન સાથે જીતીને આવેલા ભૂપેન્દ્ર પટેલ આમ તો ભાજપમાં પ્રદેશ કક્ષાએ સાવ નવો ચહેરો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ઔડાના ચેરમેનપદ સિવાય વહીવટી અનુભવ એમની પાસે નથી એટલે ગુજરાતનું નેતૃત્વ એક અર્થમાં એમની સામે સૌથી મોટો પડકાર છે.

અલબત્ત, એ નવા છે અને બીન અનુભવી છે એટલે એ મુખ્યમંત્રીપદે ફાવશે જ નહીં એવું ન કહી શકાય. એ આ જવાબદારી નિભાવવામાં સફળ થાય છે કે નિષ્ફળ એ તો ભવિષ્ય જ બતાવશે, પણ 2022ની વિધાનસભાની ચૂંટણીના બરાબર ચૌદ મહિના પહેલાં મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્રભાઇ સામે સરકાર સારી રીતે ચલાવવાથી માંડીને ચૂંટણીમાં પક્ષની નાવડી પાર ઉતારવા સુધીના અનેક પડકારો છે. આ પડકારોની વાત કરીએ તો,

સરકાર-સંગઠન વચ્ચે તાલમેલ

જે પરિબળ વિજય રૂપાણીની વિદાય માટે જવાબદાર હતું એ જ પરિબળ સ્વાભાવિક રીતે ભૂપેન્દ્રભાઇ માટે પડકાર છે. પક્ષમાં પ્રદેશ કક્ષાએ એમનાથી ઘણા સિનિયર નેતાઓ છે. વર્ષોથી એ બધા કમલમમાં અડીંગો જમાવીને બેઠા છે. કોઇ જાહેરમાં ન કબૂલે, પણ એમની પસંદગીથી સિનિયરોનો અહં ઘવાયો હોય એ સ્વાભાવિક છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સીધા જ નરેન્દ્ર મોદીના નિર્ણયો અમલમાં મૂકાવવા માટે બેઠા છે એ સંજોગોમાં ભૂપેન્દ્રભાઇ માટે સંગઠન સાથે તાલમેલ બેસાડવાનો ટાસ્ક અધરો છે. સંગઠનની સાથે રાજ્યના વિવિધ ભાગોના સ્થાનિક સમીકરણોને ય ધ્યાનમાં લેવાના છે. સિનિયરોને સાચવવાના છે, વિજય રૂપાણી અને નીતિન પટેલથી માંડીને બીજા સિનિયર નેતાઓને સાથે રાખીને આગળ વધવાનું છે અને એમાં રાજકીય કુનેહની જરૂર છે. ભૂપેન્દ્રભાઇ એ કેવી રીતે બતાવે છે એ જોવાનું રહયું.

આનંદીબહેન જૂથના હોવાની ઇમેજ

ભૂપેન્દ્રભાઇની ઇમેજ એ ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ જૂથના હોવાની અને એમના અત્યંત વિશ્વાસુ સાથીદાર હોવાની છે. ભાજપમાં અત્યારે આનંદીબહેન અને અમિત શાહના જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઇ હોવાનું ચર્ચાય છે. એમની પસંદગીમાં અમિતભાઇની મંજૂરી હોવા છતાં ય એમણે આ મુદ્દે તલવાની ધાર પર ચાલવાનું છે. મહત્વના નિર્ણયોમાં બેમાંથી એકેય જૂથ નારાજ ન થાય કે ક્યાંય કાચું ન કપાય એનું એમણે સતત ધ્યાન રાખવાનું છે. ભૂપેન્દ્રભાઇ આનંદીબહેનની સાથે અમિતભાઇ સાથે ય એટલી જ નજદીકી ધરાવે છે એવી છાપ છે, પણ એમની પહેલી છાપ આનંદીબહેનના વિશ્વાસુ તરીકેની છે અને એમના અંગત સ્ટાફમાં આનંદીબહેન સમયના કર્મચારીઓ-અધિકારીઓની નિમણૂંક થાય એવી શક્યતા છે.

એક અર્થમાં ઓગસ્ટ, 2015 માં આનંદીબહેનની મુખ્યમંત્રીપદેથી વિદાય થઇ એ પછી શરૂ થેયલી રાજકીય સાઇકલને બરાબર પાંચ વર્ષ અને એક મહિના પછી અંત આવ્યો છે. આજે એ જ આનંદીબહેન પટેલ આડકતરી રીતે ફરીથી ગુજરાતના રાજકારણમાં વાયા ભૂપેન્દ્રભાઇ ચર્ચાના કેન્દ્રમાં છે. ભૂપેન્દ્રભાઇએ પોતાની આ છાપને ધ્યાનમાં રાખીને શાસન કરવાનું છે.

લોકોની નારાજગીનું પરિબળ

વિજય રૂપાણીના શાસનમાં અલબત્ત સરકાર સામે પાટીદાર આંદોલન જેવા કોઇ મહત્વના પડકારો નથી આવ્યા, પણ એમ છતાં કોરોનાની મહામારીના મિસ-મેનેજમેન્ટથી માંડીને બીજા જે વહીવટી નિર્ણયોમાં લોકો નારાજ થયા હોય એને દૂર કરીને ભૂપેન્દ્રભાઇએ નિર્ણયો લેવાના છે. માથે ઝળૂંબતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીલક્ષી નિર્ણયો લેવાના છે. આ માટે વહીવટી તંત્ર પર પક્કડ મેળવવી પડે, પણ એના માટે હવે એમની પાસે સમય નથી. ચૂંટણીનો સમય નજીક આવશે એમ ઠેર ઠેર વિવિધ સમાજોમાં અન્યાયની વાતો બહાર આવશે અને આંદોલનો શરૂ થશે. ભૂપેન્દ્રભાઇએ વહીવટની બારીકાઇઓ સમજવાની સાથે સાથે એ બધાનો સામનો કરવાનો છે.

ગુજરાતમાં કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે લોકોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગયો છે અને ભાજપથી નારાજ મતદારો વિકલ્પ શોધે છે ત્યારે આમ આદમી પાર્ટીએ અચાનક જ ભરતીમેળો શરૂ કરીને ભાજપ અને કોંગ્રેસ બન્નેથી નારાજ હોય એવા વિવિધ આગેવાનો, વર્ગોને પોતાની તરફેણમાં લાવવાની કવાય શરૂ કરી દીધી છે. આજે પક્ષ તરીકે આમ આદમી પાર્ટીનું વજૂદ હજુ ન દેખાતું હોય, પણ રાજકારણમાં પવન ક્યારે ફરે એ નક્કી હોતું નથી. પહેલી નજરે આ કોંગ્રેસ માટે વધારે નુકસાનકારક છે, પણ ભૂપેન્દ્રભાઇ આ પરિબળને નકારી શકવાની સ્થિતિમાં નથી. ગુજરાતમાં, ખાસ કરીને ગામડાઓમાં, આમ આદમી પાર્ટીનો પ્રભાવ પ્રસરતો અટકાવવો એમના માટે પડકાર હશે.

રાજકીય ઇમેજ  

એમની સામે સૌથી મોટો પડકાર પોતાની ઇમેજ બનાવવાનો છે. ચૂંટણી નરેન્દ્ર મોદીની નામે લડાશે, પણ નરેન્દ્ર મોદીએ લોકોને સ્થાનિકસ્તરે ચહેરો ય આપવાનો છે. ભૂપેન્દ્રભાઇએ એ ચહેરો બનવાનું છે અને એ કામ ધારીએ એટલું આસાન નથી.

એમની ઇમેજ હજુ પ્રદેશ કક્ષાના નેતાની નથી. આનંદીબહેન મુખ્યમંત્રી બન્યા એ પહેલાં વર્ષો સુધી સરકારમાં મંત્રી હતા. વિજયભાઇ મંત્રી થોડોક સમય જ હતા, પણ સંગઠનમાં એમણે વર્ષો સુધી પ્રદેશ કક્ષાએ કામ કરેલું એટલે એ બન્નેના નામ રાજ્યસ્તરે જાણીતા હતા. એમની સામે ભૂપેન્દ્રભાઇ તદ્દન નવો ચહેરો છે. માનીએ કે ન માનીએ, પણ નરેન્દ્ર મોદીના દિલ્હીગમન પછી બીજા ભાજપી નેતાઓ પ્રદેશ કક્ષાએ લોકોની નજરમાં ઊણા ઉતરે છે એનું એક કારણ ખુદ નરેન્દ્ર મોદીની લાર્જર ધેન લાઇફ ઇમેજ છે. લોકો મુખ્યમંત્રીની ખુરશીમાં આજે ય નરેન્દ્ર મોદીને શોધે છે. એના કારણે આ પદે બેસનાર પાસેથી લોકોની અપેક્ષાઓ વધી જાય છે. ડગલે ને પગલે ભૂપેન્દ્રભાઇની સરખામણી એમના પુરોગામીઓ સાથે થશે. એમાંથી બહાર નીકળીને એમણે પોતાની સ્વતંત્ર ઇમેજ બનાવવાની છે.

વળી, એમની પસંદગીમાં પાટીદાર ફેક્ટર મહત્વનું છે, પણ ફ્કત પાટીદાર હોવામાત્રથી એ નેતા બની જતા નથી. પાટીદારોના સામાજિક-ધાર્મિક સંગઠનો સાથે એ જોડાયેલા છે એ વાત સાચી, પણ સામાજિક નેતૃત્વ અને રાજકી નેતૃત્વમાં આસમાન-જમીનનું અંતર છે. એ પટેલ છે એટલે એમને મુખ્યમંત્રી બનાવાયા છે એવી છાપ જો વધારે મજબૂત બનતી જાય તો બીજી જ્ઞાતિ-સમાજો તરફથી એમના માટે પડકા સર્જાય. મુખ્યમંત્રી તરીકે એમણે બધા જ્ઞાતિ-સમાજ-વર્ગોને સાથે લઇને ચાલવાનું છે. ફક્ત પટેલ નેતા તરીકેની એમની ઓળખ પણ એમની સામે પડકાર બની શકે છે. ધ બીગેસ્ટ ચેલેન્જ ફોર હીમ.

2022 માં વિજયનો પડકાર

આ બધાની વચ્ચે ભૂપેન્દ્રભાઇનું મુખ્યમંત્રી તરીકેનું સૌથી મહત્વનું લક્ષ્ય છે 2022 માં પક્ષને ચૂંટણી જીતાડી આપવાનું. બધા જાણે છે કે, ભૂપેન્દ્ર પટેલ એ નરેન્દ્ર મોદી-અમિત શાહની પસંદગી છે કે એ પટેલ સમાજના છે એટલા માત્રથી પાટીદારો ભાજપને મત આપી દેવાના નથી. ચૂંટણી ફક્ત એકાદ સમાજના મતોથી જીતાતી નથી. ભૂપેન્દ્રભાઇએ દરેક સમાજને સ્વીકાર્ય બનીને પક્ષને જીતાડવાનો છે.

સરકારની કામગિરીથી માંડીને ચૂંટણીની વ્યૂહરચના સુધીના તમામ નિર્ણયો સામુહિકસ્તરે લેવાતા હોય તો પણ એની અંતિમ જવાબદારી તો મુખ્યમંત્રી પર જ હોય છે.એ ન્યાયે 2022ની ચૂંટણીમાં ભાજપના દેખાવ માટે છેવટે તો ભૂપેન્દ્ર પટેલની જ જવાબદારી રહેશે.

બસ, આ બધું કરવા માટે એમની પાસે ગણીને તેર મહિના છે. આ તેર મહિનામાં એમણે પોતાની દશા ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ એવી ન થાય એ પણ જોવાનું છે.