ક્યા પરિબળોએ ઘડ્યો વિજય રૂપાણીની વિદાયનો તખ્તો?

ગુજરાતના રાજકારણમાં અચાનક ફૂંકાયેલા વાવાઝોડામાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવી પડી. નેતૃત્વ પરિવર્તનની આ પ્રક્રિયાને ભાજપના આગેવાનો સ્વાભાવિક પ્રક્રિયા ગણાવે છે, પણ એ સ્વાભાવિક નથી. વિજય રૂપાણીની મુખ્યમંત્રીપદેથી વિદાયના કારણોની ચર્ચા હજુય ચાલે છે ત્યારે જાણીએ, ક્યા પરિબળોએ ઘડ્યો એમની વિદાયનો તખ્તો? 

————————————————————–

કેતન ત્રિવેદી (ગાંધીનગર) 

હજુ જૂલાઇ મહિનાની જ વાત છે. અમદાવાદના બોડકદેવ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડના ભાજપના કાર્યકર્તાઓની બેઠક હતી. ભાજપના નિયમ પ્રમાણે વોર્ડની બેઠકમાં પ્રદેશ કક્ષાના કોઇ નેતા હાજરી આપીને કાર્યકર્તાઓને સંબોધતા હોય છે એટલે આ બેઠકમાં પક્ષના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસ હાજર હતા અને પોતાનો મતવિસ્તાર હતો એટલે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ય હાજર હતા. એ બેઠકમાં યમલભાઇએ કાર્યકરોનો સંબોધતા એવું કહેલું કે, ભૂપેન્દ્રભાઇ રાજયોગ ધરાવતા નેતા છે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી હોય કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-ઔડા હોય, એ હંમેશા મજબૂત સ્થાને રહયા છે અને લોકોના કામો કરતા આવ્યા છે. ભવિષ્યમાં એ કદાચ મુખ્યમંત્રી બને તો પણ નવાઇ નહીં….

એ વખતે યમલભાઇને તો ઠીક, ખુદ ભૂપેન્દ્રભાઇને પોતાને ય ખબર નહોતી કે કેવળ શુભેચ્છા વ્યક્ત કરવા માટે બોલાયેલા યમલભાઇના આ શબ્દો બે જ મહિનાની અંદર સાચા ઠરશે અને ભૂપેન્દ્રભાઇ 13 સપ્ટેમ્બરના રોજ બપોરે બે વાગીને વીસ મિનીટે ખરેખર ગુજરાતના સત્તરમા મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે!

વીતેલું અઠવાડિયું ગુજરાતના રાજકારણમાં અણધાર્યા વાવાઝોડાં જેવું પુરવાર થયું. અચાનક ક્યાંકથી નેતૃત્વ પરિવર્તનનો વંટોળિયો ફૂંકાયો અને ભાજપના નેતાઓ, વિપક્ષ, રાજકીય સમીક્ષકોથી માંડીને આમ આદમી સુધીના કોઇને પણ કાંઇ સમજાય એ પહેલાં તો વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું અને એમના સ્થાને નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ પણ લઇ લીધા. મંગળવારે બપોરે આ લખાય છે ત્યારે ગાંધીનગરમાં નવા મંત્રીમંડળની પસંદગીના કવાયત ચાલી રહી છે અને કોને પડતા મૂકાશેથી માંડીને ક્યા નવા ચહેરાનો સમાવેશ થશે એની અટકળો પૂરજોશમાં ચાલી રહી છે. નવા મંત્રીમંડળમાં કોણ હશે એ કહેવાનું અધરું છે, પણ એ નરેન્દ્ર મોદી-અમિત શાહે પસંદ કરલું મંત્રીમંડળ હશે એ તો દીવા જેટલું સ્પષ્ટ છે. ખુદ ભાજપના નેતાઓ પણ આ અંગે કાંઇ કહી શકવાની સ્થિતિમાં નથી કેમ કે, જે રીતે નવા મુખ્યમંત્રીની પસંદગીમાં તમામ અટકળો ખોટી પડી અને કોઇએ સપનેય વિચાર્યું નહોતું એવા ભૂપેન્દ્ર પટેલનું નામ બહાર આવ્યું એ પછી આ નેતાઓ કાંઇ બોલવા-ચાલવાની સ્થિતિમાં નથી. આ ‘મોદી-બ્રાન્ડ’ પોલિટીક્સ છે.

વેલ, ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની ઘટના આમ તો અણધારી છતાં અપેક્ષિત હતી. ગાંધીનગરના પાવર કોરિડોરમાં, ખાસ કરીને પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નરેન્દ્ર મોદીના વિશ્વાસુ સંસદસભ્ય સી. આર. પાટીલની પસંદગી થઇ એ પછીથી મુખ્યમંત્રી પણ બદલાશે એવી અટકળો તો સમયાંતરે વહેતી થતી જ હતી. કોરોના મહામારીમાં સરકારનું મિસ-મેનેજમેન્ટ, મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ 2022ની ચૂંટણીમાં જીત ન અપાવી શકે, આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પગપેસારો, લોકોમાં સરકાર માટે વધતી જતી નારાજગી, ભાજપની કોર વોટબેંક ગણાતા પાટીદારોમાં જ પટેલ મુખ્યમંત્રી બનાવવાની વધતી જતી માગણી જેવા અનેક પરિબળો વિજયભાઇની ગાદી ઝૂંટવવા માટે જવાબદાર ગણાય છે. આમ તો આ બધા કારણો વિશે અખબારો-ટેલિવિઝન ચેનલોમાં ‘વધારે પડતું’ વિશ્લેષણ થઇ ચૂક્યું છે, એમ છતાં ભાજપના આંતરિક વર્તુળો સાથેની વાતચીતમાંથી જે જાણવા મળી રહયું છે એના આધારે નેતૃત્વ પરિવર્તન માટે આ પરિબળો જવાબદાર હોઇ શકે છેઃ

સરકાર અને સંગઠન વચ્ચે તણાવ

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે (આજે વડાપ્રધાન છે ત્યારે પણ) સરકાર અને સંગઠન બન્ને પર એમનું એકહથ્થુ વર્ચસ્વ હતું. એમના દિલ્હીગમન પછી ગુજરાતમાં ભાજપ માટે આ પરિબળ સૌથી વધુ જોખમી બન્યું છે. આનંદીબહેન હજુ સંગઠન પર પક્કડ જમાવે એ પહેલાં જ પાટીદાર અનામત આંદોલનના નામે એમના રાજીનામાની સ્ક્રીપ્ટ લખાઇ ચૂકાઇ હતી. વિજયભાઇ રૂપાણીના કિસ્સામાં પણ જીતુ વાધાણી પ્રદેશ પ્રમુખ હતા ત્યાં સુધી બહુ વાંધો નહોતો કેમ કે સંગઠન પર એમની ખુદની પણ પક્કડ નહોતી અને સિનિયર આગેવાનોને રાજી રાખવાનું કપરું હતું. વળી, આ સિનિયરો સાથે વિજયભાઇએ પોતે સંગઠનમાં લાંબો સમય કામ કરેલું હતું એટલે વિજયભાઇને બહુ વાંધો નહોતો, પણ પ્રદેશ પ્રમુખપદે સી. આર. પાટીલ આવ્યા પછી પરિસ્થિતિ બદલાઇ. મંત્રીઓને દર અઠવાડિયે કમલમમાં બોલાવવાના હોય કે સંગઠનના નિર્ણયો હોય, પાટીલના દરેક નિર્ણયને નરેન્દ્ર મોદીના નિર્ણય તરીકે જ જોવાતો. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના નિવેદનો ય ક્યારેક વિરોધાભાસ ઊભો કરતા.

વિજય રૂપાણીનો વધારે પડતો સોફ્ટ અભિગમ

મુખ્યમંત્રી તરીકે વિજયભાઇની સાલસતા અને સોફ્ટ ઇમેજ જ એમની સામે પડકાર બનતી ગઇ. સત્તા પર બેઠેલી વ્યક્તિનો કડપ તંત્રને કાબૂમાં રાખે છે. વિજયભાઇ વ્યક્તિગત સરળતા અને સહજ સ્વભાવના કારણે આ કડપ દાખવી ન શક્યા. બે વાવાઝોડાં વખતે એમણે તંત્ર પાસે શ્રેષ્ઠ કામગિરી કરાવી, પણ એ સિવાય વહીવટ પર જે રાજકીય પક્કડ હોવી જોઇએ એ કદાચ ન લાવી શક્યા. ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથેના મતભેદો અને એના કારણે વહીવટી નિર્ણયોમાં ટકરાવ ખુલ્લેઆમ બહાર આવતા રહયા. વિજયભાઇ માસ લીડર નહોતા કે નહોતું એમની પાસે કોઇ જ્ઞાતિ-જાતિનું પીઠબળ એટલે એમના માટે બધાને સાથે લઇને ચાલવા સિવાય બીજો રસ્તો નહોતો, પણ બધાને સાથે રાખવાના પ્રયત્નોમાં નેતૃત્વ તરીકે જે રાજકીય પક્કડ વહીવટી તંત્ર પર આવવી જોઇએ એ લાવી ન શક્યા.

પાટીદાર ફેક્ટર

છેક 2015 માં હાર્દિક પટેલ આણિ મંડળીએ ગુજરાતમાં પાટીદારો અનામત આંદોલનની શરૂઆત કરી એ પછી 2017 ના વિધાનસભા ચૂંટણીમાં અને એ પછી આજસુધી ગુજરાતના રાજકારણમાં પાટીદાર ફેક્ટર ચર્ચામાં છે. પાટીદારોના રાજકીય-સામાજિક કાર્યક્રમોમાં અવારનવાર ગુજરાતના મુખ્યમંત્રીપદે પટેલ નેતા જ હોવા જોઇએ એ મતલબની માંગ ઉઠતી રહી. અધૂરામાં પૂરું આ સ્થિતિનો લાભ લઇને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવેસરથી પગપેસારો કરવાની શરૂઆત કરીને આ પાટીદાર ફેક્ટરને બરાબર પકડયું અને ખૂણેખૂણેથી પાટીદાર નેતાઓને સાધવાનું શરૂ કર્યું. 2017 માં આ જ ફેક્ટરે ભાજપને 99 બેઠક સાથે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, ધોળે દિવસે તારા દેખાડેલા. લાંબો સમય સુધી આ ફેક્ટરની ઉપેક્ષા કરવાનું ભાજપને રાજકીય રીતે પોસાય એમ નહોતું. ગુજરાતમાં મા ઉમિયાધામ સંકુલનો કાર્યક્રમ હોય કે સરદારધામનો, પાટીદાર સમાજના કાર્યક્રમોમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી પૂરાવવાનું ચાલુ રાખ્યું. પાટીદારોની નારાજગીના આ ફેક્ટર સાથે વિજય રૂપાણીને સીધી રીતે કોઇ લેવાદેવા ન હોવા છતાં ભોગ એમનો જ લેવાયો.

2022 નો રાજકીય પ્રયોગ

રાજકારણમાં જ્ઞાતિ-જાતિ, ધર્મ કે પ્રાંત એ બધા પરિબળોનું મહત્વ છે, પણ એ બધાથી ઉપર એક સૌથી મોટું પરિબળ વીનેબિલીટી અર્થાત જીતવાની ક્ષમતા છે. નેતૃત્વ પરિવર્તન એ 2022 ની ચૂંટણીમાં જીતવા માટે જે કાંઇ કરવું પડે એ કરવું એ પ્રક્રિયાનો જ એક ભાગ છે. ભાજપ કોઇપણ સંજોગોમાં 2022ની ચૂંટણીમાં 2017નું પુનરાવર્તન થાય એ ન જ ઇચ્છે. કહેવાય છે કે, ભાજપના આંતરિક સર્વેમાં પણ સરકારની કામગિરી પ્રત્યે લોકોમાં પ્રવર્તતી નારાજગી દેખાતી હતી, પણ લોકોની યાદદાસ્તની સાથે નારાજગી પણ ટૂંકી હોય છે. ચહેરો બદલવાથી આ નારાજગી દૂર કરી શકાય એવી ગણતરીની સાથે સાથે પાટીદાર મતબેંકને સલામત રાખવી એવી થિયરીના ભાગરૂપે પણ નેતૃત્વ પરિવર્તન થયું હોઇ શકે.

ભાજપ માટે આ 2022ની ચૂંટણી પહેલાનો એક રાજકીય પ્રયોગ છે. વિજયભાઇની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ જેવા બીનઅનુભવી અને નવા ચહેરાને લાવી દેવાથી રાતોરાત સરકારની લોકપ્રિયતા વધી જશે એવું નથી, પણ ભાજપ માટે ભૂપેન્દ્ર પટેલનું નેતૃત્વ મહત્વનું નથી. ચૂંટણી તો નરેન્દ્ર મોદીના નામે જ લડાવાની છે. અને વિજય રૂપાણીને મુખ્યમંત્રીપદેથી હટાવવાથી જ્ઞાતિ-જાતિના સમીકરણો વિખેરાતા નથી. વિજયભાઇ મૂળ તો સંગઠનના માણસ છે અને પક્ષને વફાદાર રહેવાના છે. એમણે પદ છોડતી વખતે ય આ ગ્રેસ જાળવી રાખ્યો છે એટલે આ પ્રયોગમાં પક્ષને કોઇ રાજકીય નુકસાન નથી એ તો સ્પષ્ટ છે.

વળી, ભાજપ માટે ગુજરાતનો આ પ્રયોગ રાષ્ટ્રીયસ્તરે ય અન્ય ભાજપશાસિત રાજ્યો માટે (ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ માટે) એક પોલિટીકલ મેસેજ છે. હરિયાણામાં ખટ્ટર હોય કે ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામી હોય, કેન્દ્રિય નેતૃત્વનો આ સ્પષ્ટ મેસેજ છે કે ચૂંટણી જો નરેન્દ્ર મોદીના નામે જ લડવાની ને જીતવાની હોય તો સ્થાનિક નેતૃત્વ કોનું છે એનું બહુ મહત્વ નથી. જો બીજા રાજયોમાં ભાજપ આ પ્રયોગ કરી શકે તો ગુજરાતમાં ભાજપ માટે કોઇપણ રાજકીય પ્રયોગ કરવાનું સાવ સહેલું છે.

આમ પણ, ગુજરાત એ સંઘ-ભાજપની લેબોરેટરી કહેવાય છે.