કર્ણાટકઃ યેદીયુરપ્પા સફળ થયા, કેમ કે ભાજપના મોવડીને પડકારી શક્યા

76 વર્ષના યેદીયુરપ્પાને હવે સ્થિર સરકાર મળશે. તેમને બહુમતી માટે જરૂર હતી, તેના કરતાંય 6 બેઠકો વધુ મળી છે. 15 બેઠકોની પેટાચૂંટણી યોજાઈ તેમાંથી 12 ભાજપ જીતી શક્યો છે. કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી, જ્યારે એક બેઠક ભાજપના સાંસદના પુત્ર શરત બચ્ચેગોવડાએ બળવો કરીને અપક્ષ તરીકે જીતી છે. વહેલા મોડા તેમને પણ ભાજપમાં સમાવી લેવાશે, જો યેદીયુરપ્પાની ઇચ્છા હશે તો.


કર્ણાટકમાં યેદીયુરપ્પાની ઇચ્છા વિના ભાજપ સંગઠન કે ભાજપના દિલ્હીમાં બેઠેલા મોવડીઓ કશું કરી શકતા નથી. 75 વર્ષ પૂરા થયા ત્યારે નજમા હેપતુલ્લા, સુમીત્રા મહાજન, કલરાજ મીશ્રા તો ઠીક મુરલી મનોહર જોશી અને અડવાણીને પણ નિવૃત્ત કરી દેવાયા. પરંતુ 76 વર્ષના યેદીયુરપ્પા 79 વર્ષ સુધી મુખ્ય પ્રધાન રહેશે. મહારાષ્ટ્રમાં જેમ ફડણવીસને નોંધારા છોડી દેવાયા હતા, તે રીતે કર્ણાટકમાં યેદીયુરપ્પાને પણ ભાજપના મોવડીઓએ નોંધારા છોડી દીધા હતા. કોંગ્રેસ અને જેડી(એસ)ના નેતાઓને યેદીયુરપ્પા તોડીને લાવ્યા ત્યારે રાષ્ટ્રીય ભાજપે ખાસ રસ લીધો નહોતો. એટલું જ નહિ, આગળ વધીને સરકાર રચવાનો દાવો કરવા માટે પ્રોત્સાહન પણ આપ્યું નહોતું. પણ યેદીયુરપ્પાએ એકલા હાથે મામલો પાર પાડ્યો અને 15 પક્ષપલ્ટુઓ ચૂંટણી લડી શકે તેવો ચુકાદો પણ સુપ્રીમ કોર્ટમાંથી લાવવા મથતા રહ્યા.


તે 15માંથી 13ને ટિકિટ આપી હતી અને 12 જીતી ગયા. આ વખતે યેદીયુરપ્પાએ પરિણામો આવ્યા કે અભિનંદન આપવા સાથે તરત જાહેરાત પણ કરી દીધી કે બધાને પ્રધાનો બનાવાશે. દિલ્હીમાંથી ભાજપના મોવડીઓ વાંધાવચકા કાઢે તે પહેલાં જે તેમણે જાહેરાત કરી દીધી છે. ગત જુલાઈમાં સરકારની રચના થઈ તે પછીય મોવડીઓએ યેદીયુરપ્પાને લબડાવ્યા હતા. તેમને પ્રધાનોની પંસદગીની છુટ અપાઇ નહોતી. રાહ જોવરાવીને પ્રધાનમંડળ પસંદ કરવા દેવાયું અને ખાતાંની ફાળવણી મહિના માટે અટકાવી રખાઇ હતી. એટલું જ નહિ, દિલ્હીથી સૂચના આવી કે ત્રણને ઉપમુખ્યમંત્રી બનાવો. યેદીયુરપ્પાને આ જરાય ગમતું નહોતું, કેમ કે તેઓ જાણતા હતા કે દિલ્હીમાં બેઠેલા ભાજપના મોવડી પોતાનો વિકલ્પ ઊભો કરવા માટે ત્રણ ત્રણને ઉપમુખ્યમંત્રી બનાવી રહ્યા છે. યેદીયુરપ્પાએ સહન કર્યે રાખ્યું, કેમ કે તેમણે પ્રથમ પોતાની સરકારને સ્થિર કરવાની હતી. આખરે 12 સભ્યો, જે પોતે તોડીને લાવ્યા છે તેમની જીતથી સરકાર હાલ પૂરતી સ્થિર બની છે.

પક્ષપલ્ટુઓ હતા તોય જીતી ગયા, કેમ કે આમાંના ઘણા બધા ધારાસભ્યો એવા છે, જે સ્થાનિક ધોરણે મજબૂત છે. પોતાના જોરે જીતનારા છે, પક્ષના જોરે નહિ. તેથી કોંગ્રેસમાંથી જીતતા હતા, ત્યારે પણ પોતાના જોરે જીતતા હતા. બધાને પ્રધાનપદું આપીને યેદીયુરપ્પા સરકારમાં પણ હવે પોતાના ટેકેદારોને વધારે મજબૂત કરી શકશે.
એક જમાનામાં ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધી રાજ્યોમાં કોઈ નેતાને મોટા થવા દેતા નહોતા, તે રીતે આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાજ્યમાં કોઈ મુખ્ય પ્રધાનને મજબૂત થવા દેતા નથી. મુખ્ય પ્રધાન એવા જ હોવા જોઈએ જે કહ્યાગરા હોય. જેમ કે ગુજરાતમાં વિજય રૂપાણી, હરિયાણામાં ખટ્ટર, આસામમાં સર્વાનંદ સોનોવાલ, ઝારખંડમાં રઘુવરદાસ. આ બધી રાજ્ય સરકારો દિલ્હીથી રિમોટ ક્ન્ટ્રોલથી ચાલે છે. તેમાં અપવાદરૂપ યેદીયુરપ્પાની સરકાર હશે, કેમ કે પહેલાં પણ અને હવે ખાસ તેઓ પોતાની રીતે કામ કરતા રહેશે.

કહ્યાગરા મુખ્ય પ્રધાનોમાં દેવેન્દ્ર ફડણવીસનો પણ સમાવેશ થતો હતો. 2014માં ગડકરી વગેરેને બાજુએ રાખીને ફડણવીસને બેસાડી દેવાયા, કેમ કે યુવાન અને ખાસ બેઝ વિનાના ફડણવીસ મોવડીમંડળના કહ્યાગરા રહીને કામ કરે તેવા હતા. ફડણવીસે જોકે પાંચ વર્ષ દરમિયાન ધીમે ધીમે પોતાનો બેઝ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેમના વિરોધીઓ પણ કહે છે, તેમણે પ્રમાણમાં સારું કામ કર્યું અને સરકારને બીજા પાંચ વર્ષ મળે તેવું વાતાવરણ જાળવી રાખ્યું હતું. શિવસેનાને ભલે છેલ્લે સંભાળી ના શક્યા, પણ પાંચ વર્ષ દરમિયાન, સેનાના નેતાઓની સતત ટીકા છતાં તેઓ તેમને સંભાળતા રહ્યા હતા.

પરંતુ દેવેન્દ્ર ફડણવીસે થોડી ઉતાવળ કરી. તેમને લાગ્યું કે પોતે હવે રાજ્યના મજબૂત નેતા બની ગયા છે અને પોતાના નામે ચૂંટણી જીતી શકાશે. તેથી જ એવું કહેવાય છે કે તેમણે શિવસેનાને સાથે રાખવાનો આગ્રહ કર્યો હતો. અમિત શાહની ઇચ્છા શિવસેના વિના એકલા જ લડવાની હતી, પણ ફડણવીસના આગ્રહને કારણે સેનાને સાથે રાખવામાં આવી. ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર અને દેવેન્દ્ર એવી જોડીનો પ્રચાર કરવામાં આવ્યો. ભાજપના મોડવીઓને આવું ગમે નહિ, પણ ચૂંટણી જીતવા માટે આવું જરૂરી છે એવું ફડણવીસે છાવણીએ ઠસાવ્યું હતું.
ટિકિટની વહેંચણીમાં પણ ફડણવીસે જોર દાખવ્યું હતું અને તે વખતે મોવડીઓએ જતું કર્યું હતું, પણ પરિણામ આવ્યું તે પછી ખ્યાલ આવ્યો કે ફડણવીસની યોજના ઊંધી વળી છે. તેના કારણે ફડણવીસનું સ્થાન નબળું પડી ગયું. તે પછી શિવસેનાને અથવા તો અજિત પવારને મનાવી લેવાની વાતમાં પણ ફડણવીસ એ ના કરી શક્યા, જે યેદીયુરપ્પા કર્ણાટકમાં કરી શક્યા.

અજિત પવાર સાથે ઘણા દિવસોથી વાતચીત ચાલતી હતી. શરદ પવારે પણ કહ્યું અને ફડણવીસે પણ આ કર્યું. આમ છતાં પાકે પાયે બંદોબસ્ત ના થયો. અજિત પવારને અને તેના ટેકેદારોની સંખ્યા પારખવામાં ફડણવીસ થાપ ખાઇ ગયા. તેમણે વડા પ્રધાન મોદીને પરોઢિયે ઉઠાડીને રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું. નરેન્દ્ર મોદીએ તેમના પર વિશ્વાસ મૂક્યો, પણ મોટી થાપ ખાધી અને બંધારણના લીરા ઉડાડવાનો કાયમી દોષ રહી ગયો. 80 જ કલાકમાં ફડણવીસની પાંચ વર્ષની પોતાના પગ પર ઊભા રહેનારા પ્રાદેશિક મજબૂત નેતા બદવાની કોશિશ તૂટી પડી. યેદીયુરપ્પાની જેમ ફડણવીસ ભાજપના પ્રાદેશિક ક્ષત્રપ બની શક્યા નહિ, કેમ કે તેઓ યેદીયુરપ્પા નથી. યેદીયુરપ્પા લિંગાયત મતદારો પર પ્રભુત્વ ધરાવતા જ્ઞાતિલક્ષી નેતા છે. ફડણવીસ પાસે એવો આધાર નથી. યેદીયુરપ્પાને રાજકારણમાં દાયકાઓ થઈ ગયા છે અને ધીમે ધીમે પકડ જમાવીને મજબૂત નેતા બન્યા છે. ફડણવીસ રાતોરાત નેતા બની ગયા હતા, કેમ કે તેમને રિમોટના રમકડાં તરીકે ભાજપના મોવડીઓએ પસંદ કર્યા હતા.

યેદીયુરપ્પા લડાયક છે. તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા તોય ડગ્યા વિના લડતા રહ્યા હતા. કાયદાની લડાઈમાંથી પોતાને બહાર કાઢ્યા હતા. ભાજપમાં પ્રથમવાર તેઓ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે જ જૂથવાદનો ભોગ બન્યા હતા. તેઓ જૂથની લડાઈ પક્ષમાં રહીને જ લડતા રહ્યા હતા. સંગઠનમાં પણ તેમણે ઠેરઠેર પોતાના ટેકેદારોને ગોઠવ્યા હતા અને ઊભા કર્યા હતા. ફડણવીસ સાથે સંગઠનનો એવો કોઈ ટેકો નહોતો. સંગઠન હજીય બીજાના હાથમાં હતું. બીજું ફડણવીસે ટેકેદારોને બદલે પંકજા મુંડે સહિત ઘણાને દુશ્મન બનાવ્યા હતા.


યેદીયુરપ્પાએ પોતાને હટવું પડ્યું ત્યારે પોતાના ટેકેદાર સદાનંદ દેવેગોવડાને પક્ષપ્રમુખ બનાવ્યા હતા. તેમને પણ હટાવાયા ત્યારે આખરે તેમણે ભાજપ છોડવાનું નક્કી કર્યું હતું. (હજીય યેદીયુરપ્પાને કાબૂમાં રાખવાના પ્રયાસો થાય છે. તેમની મરજી વિરુદ્ધ બહુ ઓછા જાણીતા એવા મેંગાલુરુના સાંસદ નલિનકુમાર કાતીલને કર્ણાટક ભાજપના પ્રમુખ બનાવાયા છે. કાતીલની નિમણૂક વખતે યેદીયુરપ્પાના ટેકેદાર બી. શ્રીરામુલુએ પોતાના માણસોને એકઠા કરીને અમિત શાહ અને બી. એલ. સંતોષનો વિરોધ કરવાની હિંમત કરી હતી. સંતોષ આરએસએસના પ્રચારક તરીકે કર્ણાટકની બાબતના સલાહકાર છે. શ્રીરામુલુ એટલે રેડ્ડી બ્રધર્સના માણસ અને અબજપતિ રેડ્ડી બ્રધર્સ એટલે યેદીયુરપ્પાના માણસ. ફડણવીસ મુંબઈમાં હોવા છતાં અબજોનો કોથળો ધરી તેવા કોઈ ટેકેદાર ઊભા કરી શક્યા નહોતા.)

2013માં ભાજપ છોડીને યેદીયુરપ્પાએ કર્ણાટક જનતા પાર્ટીની રચના કરી હતી. તેમણે ચૂંટણીમાં ઝંપલાવ્યું અને ભાજપને ભારે પાડી દીધું. ભલે તેમના પક્ષ કેજેપીને છ જ બેઠકો મળી, પણ 36 બેઠકો પર કેજેપી બીજા નંબરે આવી હતી. તેના કારણે જ ભાજપે હારવું પડ્યું હતું. વોક્કાલિગ્ગા મતો જનતા દળ(એસ) સાથે ગણાય છે, ઓબીસી મતો કોંગ્રેસ સાથે, ત્યારે લિંગાયત મતો પર ભાજપે આધાર રાખવો પડે. તે આધાર યેદીયુરપ્પાએ તોડી નાખ્યો હતો.
તેના કારણે આખરે ભાજપે અને ભાજપના હાલના મોવડીઓએ પણ યેદીયુરપ્પાને સ્વીકારી લેવા પડ્યા છે. દક્ષિણ ભારતમાં પ્રવેશ માટેનો દરવાજો કર્ણાટક છે. 2008માં પ્રથમવાર ભાજપની સરકાર દક્ષિણમાં બની તેમાં પણ યેદીયુરપ્પાનો ફાળો મહત્ત્વનો હતો. પણ ત્યારે ભાજપમાં (બધા જ પક્ષોમાં એવું થતું હોય છે) સ્થાનિક નેતાઓને બહુ મોટા ના થવા દેવો તેવો ચાલ દિલ્હીમાં હતો. કલ્યાણ સિંહ, ઉમા ભારતી, કેશુભાઇની જેમ યેદીયુરપ્પાને પણ રવાના કરી દેવાયા હતા.


ધીરે ધીરે બધા નેતાઓ પાછા ફર્યા, પણ યેદીયુરપ્પાની જેમ ફરીવાર પોતાનું સ્થાન જમાવી શક્યા નથી. મોટા ભાગના 75 પાર થવા આવ્યા એટલે રાજ્યપાલ તરીકે ધકેલી દેવાયા છે. માત્ર યેદીયુરપ્પા જ 76 વર્ષ પોતાની સરકારને સ્થિર કરી શક્યા છે. કદાચ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને પણ વર્તમાન ભાજપના મોવડીઓએ વાત જતી કરી હશે. યેદીયુરપ્પા માટે આ છેલ્લી તક હતી અને છે. સરકાર ચાર વર્ષ પૂરા કરશે ત્યારે તેઓ 80 વર્ષના થવા આવ્યા હશે. ભારતમાં 80 વર્ષ પછીય મુખ્ય પ્રધાન બની શકાય, પણ ત્યારની વાત ત્યારે. બીજું નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ આજની જેમ મજબૂત રહ્યા તો તેમણે પણ 75ની પાર કામ કરતા રહેવું પડશે. તેમણે પણ જાતે ઘડેલો નિયમ તોડવો પડશે. તે માટે યેદીયુરપ્પાનું બહાનુ કામ આવે તેવું છે. સાથે જ દક્ષિણમાં લાંબો સમય સ્થિર સરકાર ચાલે તે પણ ભાજપના અને વર્તમાન મોવડીઓના હિતમાં છે.


તેથી ફડણવીસને ખાસ મદદ નહોતી કરાઇ અને તેમને પાંખો ફૂટી હતી તે હાલ પૂરતી ખરી જવા દેવાઈ છે. (મોવડીઓએ ધાર્યું હોત તો યેનકેનપ્રકારેણ એનસીપી સાથે અથવા તો શિવસેના સાથે જ સરકાર બની શકી હોત, તેમ બહુ બધા લોકો કહે છે.) તેવું કશું કરવાની જરૂર યેદીયુરપ્પાના કેસમાં હાલ નથી. ત્રણ ત્રણ ઉપમુખ્યમંત્રી સાથે ભાજપે ભવિષ્યની નેતાગીરી માટે કોશિશ ચાલુ રાખી જ છે. અનંતકુમાર જેવા નેતાની ગેરહાજરીને કારણે હાલ યેદીયુરપ્પાનો વિકલ્પ નથી. જોકે વિકલ્પ નથી તે કારણ કરતાંય, યેદીયુરપ્પાએ પોતાની રીતે લડી લીધું તે અગત્યનું છે. શરદ વપારે પણ 78ની ઉંમરે લડી લીધું હતું. ભારતના રાજકારણમાં આમ બદનામ, પણ આમ મજબૂત આવા નેતાઓ રાજકારણને રસપ્રદ અને ચર્ચાસ્પદ બનાવતા રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]