ઈશાન ભારતઃ જનસંઘે જેનો વિરોધ કરેલો, તે ભાજપ આપી રહ્યો છે

નાગરિકતા સુધારા ખરડો પસાર થઈ ગયો તે પછી ઈશાન ભારતમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. એક જૂનો વીડિયો, 2015નો વીડિયો ફરીથી ફરતો થયો છે અને તેમાં એવી ઉશ્કેરણી થઈ રહી છે કે નવો કાયદો બનતા જ બાંગલાદેશમાંથી હિન્દુઓના ધાડાં ઈશાન ભારતમાં આવી રહ્યા છે. આસામ, ત્રિપુરા રાજ્યના મૂળ નિવાસીઓ દાયકાથી લડાઈ લડી રહ્યા છે કે બધા પ્રકારના ગેરકાયદે વસાહતીઓને દૂર કરવામાં આવે; પણ નવા કાયદાથી માત્ર મુસ્લિમ ગેરકાયદે વસાહતી હટાવી શકાશે, હિન્દુ-બંગાળી વસાહતીઓ કાયમી નાગરિકો બની જશે એવો ભય મૂળ નિવાસીઓમાં જાગ્યો છે.

આસામમાં નાગરિકોની નોંધણી કરાઈ તેમાં 19 લાખ જેટલા નામો બાકાત છે. તેમાંથી પાંચ લાખથી વધુ હિન્દુઓ પણ છે. એવી પણ વાતો ફેલાવામાં આવી રહી છે કે આ હિન્દુઓ હવે એવો દાવો કરે કે પોતે બાંગ્લાદેશથી મૂળ આવેલા, તો તેમને નાગરિકતા આપી દેવાશે. આવી જાતભાતની વાતો વચ્ચે આસામથી માંડીથી ત્રિપુરા સુધીના વિસ્તારોમાં તોફાનો ફેલાયા છે. નાગરિકતા કાયદામાં સુધારો કરીને મૂળ તો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મુંબઈ અને દિલ્હીમાં રહેતા નિરાશ્રીતોને નાગરિકતા આપવાનો છે, પણ તેના પડઘા ઈશાન ભારતમાં પડી રહ્યા છે.

તેના કારણે ગૃહ પ્રધાન અમિત શાહે ગૃહમાં અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભામાં તથા સોશ્યલ મીડિયામાં ભારપૂર્વક મેસેજ મૂક્યા છે કે ઈશાન ભારતના સ્થાનિક લોકોને, આદિવાસીઓની, મૂળ નિવાસીઓને નુકસાન થાય તેવું કશું કરાશે નહિ. તેમની ભાષા, સંસ્કૃતિ, રહેણીકરણી, ખેતી, વેપાર, રોજગાર બચાવી રાખવા માટે ત્યાં કોઈ બહારના લોકોને અધિકારો અપાશે નહિ. કાશ્મીર માટે કલમ 370 હતી, તે પ્રમાણે કલમ 371 હેઠળ ઈશાન ભારતના કેટલાક રાજ્યોને, તે રાજ્યોના કેટલાક વિસ્તારોને, કેટલાક પહાડી પ્રદેશોને વિશેષ દરજ્જો આપીને રક્ષણ અપાયેલું જ છે. અહીં બહારની વ્યક્તિ આવીને જમીન કે મિલકત ખરીદી શકતી નથી.

આવી એક વ્યવસ્થાને ઇનર લાઇન પરમીટ કહેવામાં આવે છે. તેનું કાચુંપાકું ભાષાંતર કરી શકાય – અંતરિયાળ વિસ્તાર પરવાનો. ઈશાન ભારતના પહાડી પ્રદેશોમાં, અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં, વન પ્રદેશોમાં બહારની વ્યક્તિ પરવાના વિના પ્રવેશ કરી શકતી નથી. પ્રવાસીઓ પણ નહિ. પ્રવાસી તરીકે કે મુલાકાતી તરીકે કે અભ્યાસી તરીકે પણ અંતરિયાળ જઈને આદિવાસીઓનો સંપર્ક કરવો હોય તો પ્રથમ પરમીટ લેવી પડે.

આ વ્યવસ્થા આઝાદી મળી તે પછી તરત અમલી બનાવાઈ હતી અને તેનો બહુ લાંબો અને રસપ્રદ ઇતિહાસ છે. તે સમગ્ર ઇતિહાસમાં ના પડીએ, પણ તેમાં રસપ્રદ વાત એ છે કે તે જમાનામાં જનસંઘ અને તેના યુવાન અને પ્રતિભાવાન નેતા અટલ બિહારી વાજપેયીએ ઇનર લાઇન પરમીટનો વિરોધ કર્યો હતો. જનસંઘનું કહેવું હતું કે ભારતના લોકોને ત્યાં પ્રવેશતા રોકીને, ત્યાં ખ્રિસ્તી મિશનરીઓ ચાલતી વટાળ પ્રવૃત્તિઓને બેરોકટોક ચાલવા દેવાનું આ કાવતરું છે. જનસંઘની અને સંસદમાં યુવાન અને જોશીલા વાજપેયીની જોરશોરથી માગણી હતી કે આ વિસ્તારોમાં અંતરિયાળ ભારતના લોકોને જવા દેવા જોઈએ. અહીં અંદર પ્રવેશ મળવો જોઈએ, એટલું જ નહિ, સરહદના વિસ્તારોમાં કે જ્યાં ચીનની ઘૂસણખોરીનો ભય છે ત્યાં ભારતના લડાયક સૈનિકોને, લડાયક પ્રજાને વસાવવી જોઈએ.

આજે પરિસ્થિતિ એ છે કે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન બંને ભારપૂર્વક કહી રહ્યા છે કે આ વિસ્તારોમાં ભારતમાંથી કોઈને આવીને વસવા દેવામાં આવશે નહિ. અહીં બહારની વ્યક્તિઓને પ્રવેશવા દેવામાં આવશે નહિ અને ઇનર લાઇન પરમીટમાં ફેરફાર નહિ થાય. તેનાથી પણ આગળ વધીને, આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝનશીપ અને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બીલ વખતે મણીપુરને પણ ઇનર લાઇન પરમીટ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. અર્થાત જનસંઘ અને વાજપેયી જે ઇનર લાઇન પરમીટ હટાવવાની માગણી કરીને કોંગ્રેસને પરેશાન કરી રહ્યા હતા, તેની જગ્યાએ હવે ભાજપના નેતાઓએ ઇનર લાઇન પરમીટનો વ્યાપ વધાર્યો છે.

રાજકારણ કેવી રીતે કરવટ બદલતું હોય છે તેનો જ આ એક વધુ દાખલો છે, અને તેમાં ખાસ કંઈ ચોંકવા જેવું નથી. ઇનર લાઇન પરમીટનો મામલો રસપ્રદ એટલા માટે પણ હતો કે તેમાં કોંગ્રેસ અને જનસંઘની ટક્કર ઉપરાંત ભારતમાં જેનો દાખલો અપાતો હોય છે, તે મહત્ત્વના પાત્રોના જુદા જુદા ધર્મો પણ હતા. જનસંઘ અને વાજપેયી નહેરુ સરકારને વારંવાર આ મુદ્દે ભીંસમાં લેતા હતા અને તેઓ કહેતા હતા કે નેફામાં (ત્યારે ઈશાન ભારત નેફા તરીકે વધારે ઓળખાતું હતું, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી) અત્યારે મહત્ત્વના અધિકારીઓમાં મુખ્ય સચિવ મુસ્લિમ છે, સલાહકાર પારસી છે અને ઈશાન ભારતના આદિવાસીઓ માટે નૃવંશશાસ્ત્રી ખ્રિસ્તી છે. ચીને ઘૂસણખોરી કરી હોય તે વિસ્તારમાં આવી બેદરકારી ચલાવી લેવાય નહિ એવી ટીકા જનસંઘના નેતાઓ કરતા હતા.

સલાહકાર પારસી એટલે નરી રુસ્તમજી. તેઓ મૂળ આઈસીએસ અધિકારી હતા, પણ તેમને નેફા માટે ઊભી કરવામાં આવેલી ઇન્ડિયન ફ્રન્ટિયર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં મૂકવામાં આવ્યા હતા. તેઓ સિક્કિમ સહિત ઈશાન ભારતમાં મહત્ત્વના હોદ્દે કામ કરતા રહ્યા હતા. તેમણે પોતાના પુસ્તકોમાં લખ્યું છે કે તે વખતે નહેરુએ આ વિસ્તારમાં સંભાળપૂર્વક અને ધીરે ધીરે આગળ વધવાનું નક્કી કર્યું હતું.


આ વિસ્તારોમાં બહારના એટલે કે ભારતભરમાંથી લોકો એકાએક આવી પડશે કે પ્રવાસીઓની સંખ્યા વધશે અને પરિવર્તન ઝડપી હશે તો સ્થાનિક લોકો માટે આંચકારૂપ હશે. તેથી ધીમે ધીમે ત્યાં પરિવર્તન લાવવું અને તે માટે બહારના સંપર્કોને ધીમે ધીમે ખોલવા. તેમને આવી સલાહ આપનારમાં મુખ્ય એક અંગ્રેજ મનાતા હતા. આ અંગ્રેજ એટલે આઝાદ ભારતમાં ભારતની નાગરિકતા લેનારા પ્રથમ અંગ્રેજ વેરિયર એલ્વીન. વેરિયર એલ્વિને વર્ષો સુધી ઈશાન ભારતના આદિવાસીઓ વચ્ચે કામ કર્યું હતું અને તેમની સંસ્કૃતિનો અભ્યાસ કર્યો હતો. તેમના માટે કામ સહેલું હતું, કેમ કે લાંબો સમયથી ત્યાં ખ્રિસ્તી મિશનરીઓ વટલાવાનું કામ કરતા જ હતા. જોકે વેરિયર વિશે લોકો એ ઓછું જાણે છે કે આખરે તેમણે ખ્રિસ્તી ધર્મ ત્યજી દીધો હતો. તેઓ બૌદ્ધ બન્યા હતા અને બૌદ્ધ તરીકે જ ભારતમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પરંતુ આવી વિગતો ઘણી વાર મોટા વિવાદમાં દબાઈ જતી હોય છે. એવું મનાય છે કે વેરિયરની સલાહથી ઇનર લાઇન પરમીટ આવી અને ભારતના બાકીના પ્રદેશોમાંથી લોકોએ ત્યાં જવું મુશ્કેલ બન્યું આરએસએસ દ્વારા તે વખતથી જ ખ્રિસ્તી મિશનરીઓની સામે આદિવાસીઓ વચ્ચે જવાનું શરૂ કરી દીધું હતું. તેથી જનસંઘે આ બાબતનો આકરો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તમે સંઘના સ્વંયસેવકોને ત્યાં જવા દેવા નથી માગતા, કેમ કે ખ્રિસ્તી મિશનરીઓ ત્યાં વટાળપ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

પ્રારંભના દાયકામાં જનસંઘનો વિરોધ અસરકર્તા ના રહ્યો, પરંતુ ચીને 1962 આક્રમણ કર્યું, પછી નહેરુની સ્થિતિ બહુ નબળી પડી ગઈ હતી. ચીન વિશે ચેતવણી છતાં નહેરુ સરકારે અને નહેરુના માનીતા મેનને બેદરકારી દાખવી હતી. તેના કારણે ભારતે ભોગવવું પડ્યું હતું. જનસંઘની સાથે હવે લોહિયા જેવા સમાજવાદીઓ પણ નહેરુ સરકાર પર દબાણ કરી રહ્યા હતા. અટલ બિહારી વાજપેયીએ ફરી માગણી કરી હતી કે ચીન જેવા દુશ્મનનો સામનો કરવો અને સરહદની સુરક્ષા માટે સરહદે એક લાખ લડાયક પંજાબીઓ વગેરેને વસાવવા જોઈએ. નેફાના સરહદી વિસ્તારોમાં નિવૃત્ત સૈનિક પરિવારોને વસાવવા જોઈએ અને ઇનર લાઇન પરમીટની વાત પડતી મૂકવી જોઈએ.

જાણકારો કહે છે કે નહેરુ વાજપેયી-લોહિયા જેવા નેતાઓના દબાણમાં આવ્યા હતા અને સરહદે વસાહતો કે એવી કોઈ યોજના માટે 1964માં વિચારવા પણ લાગ્યા હતા, પણ તે પછી તેઓ લાંબુ જીવ્યા નહોતા. વેરિયર એલ્વીને આ વાતની જાણ થઈ ત્યારે નહેરુને એવું કરતાં રોકવા માટે તેઓ પહોંચ્યા હતા. સરકારમાં ઈશાન ભારતની બાબત સંભાળતા અમલદાર યુસુફ અલીએ વેરિયર એલ્વીને જણાવ્યું કે સરહદે નિવૃત્ત સૈનિકોને વસાવવાની ફાઇલ તૈયાર છે અને ઈશાન ભારતમાં પ્રવેશ અને વસવાટના બધા જ પ્રતિબંધો પણ દૂર કરવાની તૈયારી થઈ ગઈ છે.

એલ્વીન નહેરુને પણ મળ્યા હતા, પણ આ મુલાકાત પછી તરત જ તેમનું અવસાન થયું હતું. નહેરુ પણ તે પછી ત્રણેક મહિનામાં અવસાન પામ્યા. સરહદે મોટા પાયે વસાહતો કરવાની યોજના પણ અટકી પડી, પરંતુ દાયકાઓ વીતતા ગયા, તેમ તેમ ઈશાન ભારતમાં ધીમે ધીમે મોકળાશ વધતી ગઈ. તટપ્રદેશ અને શહેરોમાં બંગાળીઓ સહિતના ભારતીયોની વસતિ પણ ધીમે ધીમે થતી રહી. વસવાટ માટેની મંજૂરીઓ પણ મળતી રહી. આંદોલનો ઉગ્ર બન્યા ત્યારે કેટલાક જિલ્લા કે પહાડી પ્રદેશ, જેમ કે બોડો પહાડીઓ વગેરેમાં પ્રતિબંધો રહ્યા પણ બીજે ઓછા થતા ગયા.

તેના કારણે ઈશાન ભારતના રાજ્યોની વસતિમાં ઘણો મોટો ફેર પડી ગયો છે. ત્રિપુરાના માજી રાજવીએ હાલમાં જ બળાપો વ્યક્ત કર્યો કે અમારા દાદી મહારાણીએ 300 ચોરસ માઇલ વિસ્તાર બાંગ્લાદેશના બંગાળી હિન્દુઓને વસવા માટે ઉદારતાથી આપ્યો હતો. આજે ત્રિપુરાના આદિવાસીઓ 30 ટકા છે, બાકીની વસતિ 70 ટકા થઈ ગઈ છે. આસામની મૂળ અહોમ પ્રજા પણ લઘુમતીમાં આવી ગઈ છે. આસામી બોલનારાની સંખ્યા છેલ્લા બે દાયકામાં ઘટી છે અને બંગાળી બોલનારાની સંખ્યા વધી છે. આ બધી એવી વિકટ સ્થિતિ હોય છે કે તેમાંથી માર્ગ કાઢવો કોઈ પણ માટે મુશ્કેલ બને. તેના કારણે જ સંભાળપૂર્વકની નીતિ જ અપનાવવી રહી. નાગરિક રજિસ્ટરને કારણે થયેલી મુશ્કેલીનો ઉપાય કદાચ નાગરિકતા કાયદાથી થશે, પણ તેનાથી કોઈ નવી સમસ્યા ઊભી થશે ખરી? તે માટે સ્થિતિ આગળ કેવી આકાર લે છે તે પણ જોવું પડશે.

સ્થિતિ અને સંજોગને ધ્યાનમાં રાખીને જ જનસંઘ અને વાજપેયીએ ઇનર લાઇન પરમીટ હટાવવા માટે જોરશોરથી માગણી કરી હતી, તે ઇનર લાઇન પરમીટને મજબૂત કરવા અને મણીપુરમાં તેને લંબાવવા માટે ભાજપ અને ભાજપ સરકારે મજબૂર થવું પડ્યું છે. સરહદે નિવૃત્ત સૈનિકોન વસાવવાની વાત કાશ્મીરના સંદર્ભમાં પણ ધીમે ધીમે શરૂ થવાની છે, પણ ઈશાન ભારતમાં તે થઈ શક્યું નહોતું તે શું કાશ્મીરમાં થઈ શકશે? આવા સવાલ દાયકાઓ પછી ઊભા થયા હોય છે અને તેનો જવાબ મેળવવા માટે પણ દાયકા નીકળી જતા હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]