કારગીલ યુદ્ધસૈનિકનું દિલધડક સ્કાયડાઈવ સાહસ…

ભારતીય લશ્કરના મેજર ડી.પી. સિંહે કારગીલ યુદ્ધ દરમિયાન એમનો જમણો પગ ગુમાવ્યો હતો. તે દુર્ઘટનાને ભૂલી જઈને એમણે આજે સ્કાયડાઈવનું પરાક્રમ સફળતાપૂર્વક પાર પાડી બતાવ્યું છે.

ભારતીય લશ્કરના બહાદુર સૈનિકો માટે ધરતી નહીં, પણ હવે આકાશ મર્યાદા છે અને એનું તાજું દ્રષ્ટાંત છે મેજર ડી.પી. સિંહ. એમને ભારતના બ્લેડ રનર તરીકે પણ ઓળખવામાં આવે છે. એમણે આજે એક વિમાનમાંથી છલાંગ લગાવી હતી અને સ્કાયડાઈવ પરાક્રમ સફળતાપૂર્વક પૂરું કર્યું હતું.

કારગીલ યુદ્ધ વખતે દુશ્મનો સામે લડતાં મેજર ડી.પી. સિંહ એમનો જમણો પગ ગુમાવી બેઠા હતા, પરંતુ આ દ્રઢ મનોબળવાળા સૈનિક હિંમત જરાય હાર્યા નથી. જિંદગીનો એ કમનસીબ બનાવ એમને હતાશ કરી શક્યો નથી. એમને પ્રોસ્થેટિક પગ બેસાડી આપવામાં આવ્યો હતો અને એ ધીમે ધીમે એની પર ચાલતા થયા હતા એટલું જ નહીં, દોડતા પણ થયા હતા. એટલું ઓછું હોય તેમ, એ હવે સ્કાયડાઈવ સાહસ પૂરું કરનાર પ્રથમ શારીરિક દિવ્યાંગ ભારતીય સૈનિક બન્યા છે.

ભારતના લશ્કરી વડા જનરલ બિપીન રાવતે મંજૂરી આપ્યા બાદ મેજર સિંહે સ્કાયડાઈવ માટેની તાલીમ શરૂ કરી હતી. એમણે આ તાલીમ નાશિકમાં લીધી હતી.

એમનું આ સાહસ અન્ય સૈનિકો માટે પ્રેરણા બની રહેશે એટલું જ નહીં, પરંતુ સામાન્ય લોકોનો પણ જુસ્સો વધારવામાં મદદરૂપ થશે.

ભારતીય લશ્કરે 2018નું વર્ષ ‘ફરજ દરમિયાન દિવ્યાંગ બનેલાઓનાં વર્ષ’ તરીકે મનાવ્યું હતું.