કોંગ્રેસે 6 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યાં, પાટણમાં મોટો વિરોધ, તુષાર ચૌધરીનું અદ્ધરતાલ

અમદાવાદ-લોકસભા ચૂંટણી માટે આજે જ્યાં ઉમેદવારીપત્ર ભરવાનું જાહેરનામું આવી ગયું છે ત્યાં અત્યાર સુધી ઉમેદવારો જાહેર કરવામાં આંતરિક ડખાથી પરેશાન કોંગ્રેસે સાંજે છ નામ જાહેર કર્યાં છે.દિલ્હીમાં મળેલી સીવીસી બેઠકમાં ગુજરાત કોંગ્રેસ વિપક્ષ નેતાપરેશ ધાનાણી અને પ્રમુખ અમિત ચાવડા તેમ જ ગુજરાત પ્રભારી રાજીવ સાતવે ભાગ લીધો હતો. જોકે કોંગ્રેસ આ લખાય છે ત્યાં સુધીમાં સત્તાવાર ઘોષણા કરી નથી.કોંગ્રેસે 6 ઉમેદવાર જાહેર કર્યાં છે. આ નામોમાં 4 સીટિંગ ધારાસભ્યને ટિકીટ આપીને લોકસભા પરથી ચૂંટણી લડાવવામાં આવશે.

પાટણ-જગદીશ ઠાકોર(પૂર્વ સાંસદ)

રાજકોટ-લલીત કગથરા(વર્તમાન ધારાસભ્ય)

પોરબંદર-લલીત વસોયા(વર્તમાન ધારાસભ્ય)

વલસાડ-જીતુ ચૌધરી(વર્તમાન ધારાસભ્ય)

જૂનાગઢ-પૂંજા વંશ(વર્તમાન ધારાસભ્ય)

પંચમહાલ- વી કે ખાંટ

 

કોંગ્રેસે જાહેર કરેલા આ નામોમાં પાટણથી જગદીશ ઠાકોર, જૂનાગઢથી પૂજા વંશ, રાજકોટથી લલીત કગથરા, પોરબંદરથી લલીત વસોયા, વલસાડથી જીતુ ચૌધરી, પંચમહાલથી વી કે ખાંટને ટિકીટ ફાળવવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરને ટિકીટ મળવાના ખબર સાથે જિલ્લા કોંગ્રેસમાં ભારે વિરોધ વ્યક્ત થતો જોવા મળ્યો હતો અને કેટલાંક રાજીનામાં પણ પડ્યાં છે.

કોંગ્રેસમાં આંતરિક વિરોધ કેટલી ચરમસીમાએ છે તે આ નામયાદી જાહેર થવાની તકે ખુલ્લું પડી ગયું હતું. શરુઆતી અહેવાલોમાં બારડોલીથી તુષાર ચૌધરી નક્કી થયાં હતાં. તેની સામે બારડોલીના સિટિંગ એમએલએ આનંદ ચૌધરીએ રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી અને લોકસભા ચૂંટણી ટિકીટ તેમને આપવા દબાણ સર્જ્યું હતું જેને પગલે કોંગ્રેસ હાઈકમાન્ડે મોડે સુધી યાદી રોકી રાખી હતી અને છેવટે તુષાર ચૌધરીનું નામ અદ્ધરતાલ રાખી બાકીના છ નામની યાદી આપી હતી.

જણાવીએ કે આજે નામાંકન સ્વીકારવાના શરુ થયાંના પ્રથમ દિવસે કોઈપણ લોકસભા મતવિભાગમાં તથા કે પેટા ચૂંટણી ધરાવતાં વિધાનસભા મતવિભાગોમાં કોઈપણ ઉમેદવારો તરફથી ઉમેદવારીપત્રો રજૂ થયાં નથી.