(14 ઓગસ્ટ 1947 ની એ મધ્યરાત્રી. એક તરફ વિભાજનની કરુણાંતિકા, તો બીજી તરફ 15 ઓગસ્ટ ની સવારે આઝાદીનો નવો સૂર્યોદય. નવો ઉમંગ, નવી આશા.
વર્તમાન પેઢીને તો 14 ઓગસ્ટની મધ્યરાત્રીએ ભારતમાં કેવો માહોલ હતો એ અનુભવ ન જ હોય, પણ જો એ માહોલ વિશે ચંદ્રકાંત બક્ષી જેવા સર્જક લખે તો એ વાંચવાની મજા કંઈક ઔર જ હોય!
બક્ષીસાહેબનો એક જૂનો લેખ એમના દીકરી રીવા બક્ષીએ ‘ચિત્રલેખા.કોમ’ના વાચકો માટે શેર કર્યો છે.
તો, એ ઐતિહાસિક ક્ષણોને ફરીથી માણો બક્ષીબાબુની કલમે…)
ઑગસ્ટ 15, 1947ને દિવસે હું 14 વર્ષ 11 માસ 25 દિવસનો હતો, એટલે કે 15 વર્ષ પૂરાં કરવામાં પાંચ દિવસ બાકી હતા અને મેં 15મે વર્ષે મેટ્રિકની પરીક્ષા પાસ કરી 16મે વર્ષે 1948માં કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ફર્સ્ટ યર સાયન્સમાં દાખલ થયો હતો.
આઝાદીની રાત્રે, એટલે કે 14મી ઑગસ્ટની રાત અને 15 ઑગસ્ટના 12 વાગ્યાથી શરૂ થતા દિવસની ક્ષણે હું પાલનપુરમાં હતો અને એ આખી રાત અમે મિત્રો ગામમાં રખડ્યા હતા. 1947ની 15મી ઑગસ્ટ જીવ્યા હોય એવા કેટલા માણસો આજે હિંદુસ્તાનમાં હયાત છે? એક અનુમાન પ્રમાણે આજના 2002ના ઑગસ્ટના હિંદુસ્તાનમાં ફક્ત 10 ટકા લોકો એવા છે, જે 60 વર્ષ ઉપરના છે. 1947માં 10 વર્ષના હોય એવા કેટલા માણસો આજે હિંદુસ્તાનમાં જીવતા હશે? પાંચ ટકા? સાત ટકા? 1947ની 15મી ઑગસ્ટ જિંદગીમાં એક જ વાર આવી છે, અને આવે છે. મારી આત્મકથા ‘બક્ષીનામા’માં મેં એ રાતનું વર્ણન કર્યું છે. કોઈને ખબર નહોતી શું થવાનું છે? અને દરેકને ખબર હતી કંઈક થવાનું છે…! એ 1947નું વર્ષ હતું.
‘બક્ષીનામા’માંથી એ ત્રણોનું વૃત્તાંત ઉદ્દધૃત કરું છું : 14મીની રાત્રે કોઈ સૂતું નહોતું. ગામ આખું રસ્તાઓ પર ચાલતું હતું. ગુજરાતમાં બધા જ સ્ટેશન રોડ મહાત્મા ગાંધી રોડ બની ગયા. સ્ટેશન રોડની હોટેલોમાં રેડિયો વાગી રહ્યા હતા.
દિલ્હીમાં કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી મળી હતી. એ બધું જ બરાબર યાદ છે. બરાબર બાર વાગ્યે રેડિયો પર અવાજ સંભળાયો : ઈન્ડિયા ઈઝ ફ્રી ! અવાજો, નાચવું, ગાવું, તોફાન, શું કરવું કંઈ જ ખબર પડતી નહોતી. ઈતિહાસની ક્ષણ પર અમે ઊભા હતા. જિંદગીભર આ ક્ષણ ફરી જીવવાના નહોતા. કેટલાક રડી પડેલા. કેટલાક ખુશી ગળામાંથી વહેવડાવતા હતા. કેટલાક આંખોમાંથી. કેટલાક મૌનથી. ‘વંદેમાતરમ્‘ ગવાયું હતું, સાંભળ્યું હતું. એ વખતે ‘જન ગણ મન…’ રાષ્ટ્રગીત બન્યું નહોતું. આખું હિંદુસ્તાન, આકાશ, જંગલો, નગરો, રાત, માણસો, સમય, અવાજ બધું જ એક માસિવ વિરાટ ફ્રિજમાં સ્થિર થઈ ગયું હતું – આઝાદી !….
ઈજિપ્શિયન ગાયિકા ઓમ કુલસુમ મધરાતથી સૂર્યોદય સુધી માત્ર બે જ શબ્દો ગાતી હતી : યા લૈલ !… આહ લૈલ ! (આહ, રાત !… ઓહ રાત !) અને મોરોક્કોથી ઈરાક સુધી ત્રણ ખંડોના આરબો ઝૂમી ઊઠતા હતા. રાતભર. અમારે માટે ઝૂમીને પાગલ થઈ જવાની એ રાત હતી : યા લૈલ… આહ લૈલ ! આજે 70 વર્ષે વિચાર કરું છું ત્યારે થાય છે કે એવી રાત જિંદગીમાં ફરીથી જોઈતી નથી…! એ ક્ષણ… એ રાત, જે સહન કરવાની અમારી શક્તિ નહોતી.
અને… અને… જવાહરલાલ નેહરુનો અવાજ દેશનો અવાજ હતો. ખરજનો અવાજ, ઘુટનનો અવાજ, મૌતની વાદીઓમાંથી આવતો પડઘાનો અવાજ, પંડિતજીનો અવાજ… રેડિયોના ઘરઘરાટમાંથી પણ સ્પષ્ટ ફાટતો ભયાનક ઈમોશનલ અવાજ : આ ક્ષણ, જ્યારે દુનિયા સૂઈ રહી છે ત્યારે ભારત જાગી રહ્યું છે ! એ પ્રખ્યાત ઐતિહાસિક ઘોષણા હોટેલના રેડિયો પર સાંભળી હતી… કારણ કે 1947માં પાલનપુર ગામમાં કદાચ ત્રણ જ રેડિયો હતા !
રાતભર રોશનીની ઝિલમિલાહટ, રાતભર અવાજોનું તોફાન. પંડિતજીનો અવાજ કાનમાં ગુંજ્યા કરતો હતો : ઈન્ડિયા ઈઝ ફ્રી ! ખબર નથી, એ અવાજ પંડિતનો હતો કે રેડિયોના ઉદ્દઘોષકનો હતો. બેહોશીની એ મસ્તી હતી કે… એવું વિચારવા જેવું સંતુલન નહોતું. અમે નાના હતા અને અમે પાગલ હતા. થાક, બેફામ ખુશી, રખડવું, દિશાહીન રખડવું, ઉન્માદ, આઝાદીનો કૈફ, મસ્તી અને મસ્તી.
આ દેશને આઝાદ કરવા કેટલાની આહુતિ અપાઈ હતી. ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ પોકારતાં પોકારતાં કેટલા સ્વાતંત્ર્યવીરોનાં ફેફસાં ફાટી ગયાં હતાં? કેટલી લોહીની ઊલટીઓ થઈ હતી? કેટલી આંખો જલી ગઈ હતી? આહ લૈલ ! ઓ લૈલ !… સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુએં કાતિલમેં હૈ !… હવે બાજુએં-કાતિલ હંમેશને માટે મટિયાભેર થઈ ગયું હતું….
બીજે દિવસે ઘરમાં મીઠાઈ બની હતી, યાદ છે. બીજે દિવસે છાપાં એટલાં જાડાં આવ્યાં હતાં કે વાંચવાનો સમય કે મૂડ નહોતો. યાદ છે, ગાંધીજીએ 15મી ઑગસ્ટે ઉપવાસ કર્યો હતો. અમે પણ એ પછી, 15મી ઑગસ્ટે વર્ષો સુધી ઉપવાસ કર્યા હતા… એ દિવસો હતા, અમારી કુમારાવસ્થા હતી, જો લીડરોએ કહ્યું હોત કે આગમાં કૂદી પડો, તો અમે કૂદી પડ્યા હોત !
રંજ હતો કે દેશને માટે કુરબાન કરવા માટે એક જ જિંદગી મળી હતી ! એ દિવસોમાં ‘દેશપ્રેમ’ નામનો એક શબ્દ હતો કારણ કે અમે ગોરા અંગ્રેજ ટોમીઓને સ્ટેનગનો લઈને ફાયર કરતાં જોયા હતા, કારણ કે અમે બાવીસ-ચોવીસ વર્ષના છોકરાઓની ખૂબસૂરત લાશો જોઈ હતી, કારણ કે અમે કોરસમાં ‘સર બાંધે કફનવા હો, શહીદોં કી ટોલી નીકલી…’ જેવાં ગીતો ગાતાં ગાતાં નીકળતા હતા…
એ વખતે 15મું વર્ષ હતું, આજે 70મું વર્ષ છે. જીવરાજ મહેતાથી નરેન્દ્ર મોદી સુધીનું ગુજરાત અને જવાહરલાલ નેહરુથી અટલ બિહારી વાજપેયી સુધીનું હિંદુસ્તાન જોયું છે. એ દિવસોમાં રિયાસતે-પાલનપુરની વસતિ સાડા ત્રણ લાખની હતી, અને વાર્ષિક આમદની 35 લાખ રૂપિયાની હતી. આજે દુનિયા બદલાઈ ગઈ છે.