પર્યુષણ મહાપર્વમાં વિશિષ્ટ વ્યાખ્યાનમાળાઓ રજૂ કરતું ધર્મ જાગૃતિ કેન્દ્ર

જૈનો માટે પર્યુષણ એ મહાપર્વ છે. પર્યુષણ મહાપર્વમાં આચાર્ય ભગવંતો અને વિદ્વાનો દ્વારા ઠેર ઠેર વ્યાખ્યાન માળાઓનું આયોજન કરવામાં આવે છે, પણ અમદાવાદમાં ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ‘ધર્મ જાગૃતિ કેન્દ્ર આયોજિત વ્યાખ્યાનમાળા કંઇક જુદા જ અંદાજમાં રજૂ કરવામાં આવે છે. 

ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમોદ શાહ ચિત્રલેખા. કોમને કહે છે, ‘અમદાવાદમાં દર વર્ષે  યોજાતી પર્યુષણ નિમિત્તેની વ્યાખ્યાનમાળા બીજા કરતાં અલગ છે. એનું કારણ છે કે બીજી વ્યાખ્યાનમાળાઓ મોટા ભાગે ઉપાશ્રયમાં યોજાતી હોય છે. પરંપરાગત વ્યાખ્યાનમાળાથી કંઇક જુદી રીતે યુવાનો પણ આકર્ષાય એ હેતુથી અલગ માહોલમાં વિવિધ વિષયોની રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું. જેમાં સાંપ્રત સમયના પ્રવાહથી માંડી દેશભક્તિની બાબતોને પણ સમાવી લેવાય. હાલ તો અત્યંત આધુનિક યુગ છે. પરંતુ આજથી 93 વર્ષ પહેલાં ઇ.સ.1928માં વિદ્વાન એવા પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીએ બ્રહ્મક્ષત્રિય સોસાયટી, પાલડી ખાતે પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ કરી હતી.’

પર્યુષણ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ કરતાં પંડિત સુખલાલજીએ કહ્યું હતું કે, “આ વ્યાખ્યાનમાળાનો હેતુ ગુરુ પદ મેળવવાનો અગર તો કોઇનું વાસ્તવિક ગુરુ પદ નષ્ટ કરવાનો નથી. એ જ રીતે આનો હેતુ પ્રતિષ્ઠા મેળવવા કે અર્થ પ્રાપ્તિનો નથી.”

બંને વિદ્વાનો પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીનો મુખ્ય ઉદ્દેશ પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા સાંપ્રત સમસ્યાઓને કેન્દ્રમાં રાખી સમાજમાંથી અંધશ્રદ્ધા, અજ્ઞાનતા દૂર કરી દેશભક્તિ જગાડવાનો હતો.

ઇ.સ. 1970થી 1974 સુધી વ્યાખ્યાનમાળાઓ બંધ રહી હતી. ત્યારપછી ગુજરાત યુવક કેન્દ્રની રચના કરી 1975માં પ્રમોદ શાહ અને મિત્રોએ ભેગા મળી પર્યુષણ પર્વમાં વ્યાખ્યાનમાળાઓ ફરી શરૂ કરી હતી. વૈચારિક ક્રાંતિ લાવે એવા વિષયો અને વક્તાઓ સાથે ચીલાચાલુ ઘરેડથી અલગ જ વ્યાખ્યાનમાળાઓ પ્રમોદ શાહના નેતૃત્વમાં ચાલી રહી છે.

પ્રમોદ શાહ કહે છે, 47 વર્ષથી અમારા નેતૃત્વમાં વ્યાખ્યાનમાળાઓ ચાલે છે. સ્થળો બદલાયા કરે છે, પરંતુ વિષયો અને વ્યાખ્યાનમાં સતત નાવીન્ય આવતું જાય છે. પ્રકાશ શાળા હોલ, ટાઉનહોલ, અમદાવાદ મેડિકલ એસોસિયેશનનો હોલ જેવા અનેક હોલમાં આયોજન થયું. આ વર્ષે અમદાવાદ મેડિકલ એસોસિયેશનમાં 94મી પર્યુષણ વ્યાખ્યાનમાળા થશે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે છેલ્લા 93 વર્ષમાં યોજાયેલી વ્યાખ્યાનમાળાઓમાં ‘કર્મનું વિજ્ઞાન’, ‘જે નમે તે સૌને ગમે’ , ‘ધર્મ અને સંસ્કાર’ , ‘વિશ્વ અહિંસા યાત્રા’, ‘ટોલ્સ્ટોયથી ગાંધીજી’, ‘શબ્દો બન્યા શીલાલેખ’,  ‘સુખનું સરનામું’, ‘પ્રતિકમણ’, ‘મોહ નચાવે નાચ’, ‘રાજ ધર્મ’ અને ‘વૈશ્વિકરણમાં જૈન ધર્મની ભૂમિકા’ જેવા અનેક વિષયોને વક્તાઓએ રજૂ કર્યા છે.

પંડિત સુખલાલજી, પંડિત મશરૂવાળા, બબલભાઇ મહેતા, કૃષ્ણશંકર શાસ્ત્રી, પૂ. શંકરાચાર્ય સ્વરૂપાનંદજી, કેદારનાથજી, ગુરુદયાળ મલ્લિક,  ગણેશ માવળંકર, કે.કા. શાસ્ત્રી, આચાર્ય રજનીશ, કવિ સુંદરમ્, ડો. ગૌતમ પટેલ, ડો. કુમારપાળ દેસાઇ, ઝીણાભાઇ દેસાઇ (સ્નેહરશ્મિ), સ્વામી તદ્રુપાનંદજી, મોરારીબાપુ, રમેશ ઓઝા, ડો.ઉપેન્દ્ર પાંડેસરા અને ફાધર વાલેસ જેવા વિદ્વાન વક્તાઓએ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પોતાના વિષયોમાં પ્રવચનો આપ્યા છે.

ધર્મ, માનવ ધર્મ, અને રાષ્ટ્રધર્મના પ્રચાર અને પ્રસારની પ્રવૃત્તિઓ કરવી, વિવિધ વિષયો પર પ્રવચનો અને પરિસંવાદો ગોઠવવા, આર્થિક રીતે નબળા પરિવારોને મદદ કરવી, એવા વિચારોથી ચાલતા ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમોદ શાહ આ વર્ષે પણ 94મી પર્યુષણ વ્યાખ્યાનમાળા 24/8/2022 થી 31/8/2022 અમદાવાદ મેડિકલ એસોસિયેશન, અમદાવાદમાં આયોજન કરવા જઇ રહ્યા છે. આ વર્ષે પણ જુદા જુદા વિષયો પર શ્રેષ્ઠ વક્તાઓ પોતાના પ્રવચનો આપશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)