હાર્દિક કે સરકાર…કોનું પલ્લું ભારે?

હાર્દિક પટેલ ત્રણ માગ લઈને ગ્રીનવુડમાં ઉપવાસ પર ઉતર્યા. 14 દિવસના ઉપવાસ, પાણીનો ત્યાગ જેવું આકરું આંદોલન કર્યું પણ સરકારના પેટનું પાણી ન હલ્યું. તો બીજી તરફ સરકાર કહે છે કે અમને હાર્દિક પટેલ કે પાસ દ્વારા કોઈ તેમની માગ માટે કોઈ રજૂઆત કરાઈ નથી. અને રાજ્ય સરકારે હાર્દિકના ઉપવાસ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત હોવાનું કહીને રાજકીય રમત શરૂ કરી હતી. તો સામે કોંગ્રેસ પણ હાર્દિકને સમર્થન જાહેર કરીને રાજકીય ખેલમાં દાવ જીતી લેવા માટે મેદાનમાં ઊતરી હતી. 14 દિવસ પછી હાર્દિક સ્વેચ્છાએ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યાં છે. હવે આ આંદોલનમાં કોની જીત અને કોની હાર એ સવાલ થાય તે સ્વાભાવિક છે.હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનથી જાણીતા બન્યાં હતાં, અને ત્યાર પછી પણ હાર્દિક પટેલની લોકપ્રિયતા ખૂબ વધી હતી. પાટીદાર અનામત આંદોલનમાં તોફાનો અને તેમાં કેટલાક પાટીદારો શહીદ થયાં, એ પછી ગુજરાતમાં જાહેર મિલકતને થયેલ નુકશાન મામલે અને હિંસા માટે જવાબદાર ઠેરવીને હાર્દિક પર અનેક કેસ થયાં, રાજદ્રોહ જેવા ગંભીર ગુના દર્શાવીને કેસ થયાં. હાર્દિક પટેલ જેલમાં પણ જઈ આવ્યાં. હાલ તેઓ જામીન પર છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ સાથેની બેઠક બાદ અને અન્ય ઘટનાક્રમ પછી હાર્દિકની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો. પાટીદારોનો સાથ છૂટતો જતો હોય તેમ દેખાયું હતું. હાર્દિક સામે અનેક પોલીસ કેસ અને કોર્ટ કેસ છે. તેવામાં હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન અને ખેડૂતાના દેવા માફીની માગ સાથે ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી હતી તેને ફરી જનતામાં પોતાનો જુવાળ જગાવવાના ભાગરુપે પણ જોવામાં આવી શકે છે.

ઉપવાસ આંદોલન કરવા માટે પોલિસ કે કલેક્ટર કે મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલ કે અન્ય જગ્યાએ પરવાનગી આપી ન હતી. પોલિસ કે મ્યુનિસિપલ કમિશનરને શાંતિ ડહોળાવાનો ભય હતો. તેમ છતાં હાર્દિક પટેલે ઉપવાસ કરવા માટે દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો, અને એસજી હાઈવે પર વૈશ્નોદેવી પાસે આવેલ ગ્રીનવૂડમાં ઉપવાસ કર્યા, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આંદોલનો પ્રારંભ થયો. ગ્રીનવૂડમાં આવતાં જતાં પોલીસનું કડક ચેકિંગ સૌને કઠતું હતું. પાટીદાર સમાજના લોકોને આ ઉપવાસ છાવણીથી દૂર રખાયા હતા. ગણ્યાગાંઠ્યા અગ્રણીઓ જ છાવણીમાં હતા.14 દિવસ દરમિયાન હાર્દિક પટેલને મળવા માટે કોંગ્રેસના ઢગલાંબંધ અગ્રણી નેતાઓ આવ્યાં હતાં. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, દિનશા પટેલ, અર્જુન મોઢવાડિયા,રાજીવ સાતવ તે ઉપરાંત સામાજિક સંસ્થાઓના વડાઓ, અન્ય રાજ્યોના રાજકીય પક્ષોના અગ્રણીઓ જીતનરામ માજીથી માંડીને ભાજપના વરિષ્ઠ નેતાઓ પૂર્વ નાણાંપ્રધાન યશવંતસિહા, અને સાંસદ શત્રુધ્નસિંહા પણ હાર્દિકની મુલાકાત લઈ ગયાં. ભાજપના જ નેતા આવી રીતે દિલ્હીથી અમદાવાદ આવ્યાં ને મોદી સરકાર વિરુદ્ધ અને તેમની નીતિની વિરુદ્ધ ઘણુંબધું કહી ગયાં

હાર્દિકની માગ અને તેના ઉપવાસનો પડઘો 11માં દિવસે ગાંધીનગરમાં પડ્યો. સૌરભ પટેલે હાર્દિકને પારણા કરી લેવા અપીલ કરી, અને સાથે આ ઉપવાસને કોંગ્રેસ પ્રેરિત હોવાનું કહ્યું. તે પછી દરરોજ સરકારમાંથી પ્રતિક્રિયા આવતી ગઈ અને રાજકીય દાવપેચ શરૂ થયાં.

ઊમિયાધામ અને પાટીદાર અગ્રણીઓને સરકારે વિનંતી કરી કે હાર્દિકને સમજાવે અને પારણા કરવાં. સી.કે. પટેલની અધ્યક્ષતામાં પાટીદાર સમાજના અગ્રણીઓ સોલા ઉમિયા કેમ્પસમાં ભેગા થયાં, અને પછી સરકાર સાથે ચર્ચા કરી, તો હાર્દિકના પાસ દ્વારા તેમને સી. કે. પટેલને ભાજપના એજન્ટ કહીને તેમની મધ્યસ્થીને ઠુકરાવી નાંખવામાં આવી હતી. આ પછી ઉમિયાધામ અને ધાર્મિક સંસ્થાના વડાઓ મધ્યસ્થી તરીકે ખસી ગયાં હતાં.અંતે પાસ અને હાર્દિક પટેલે ખોડલધામના નરેશ પટેલ પર વિશ્વાસ મૂક્યો, ઉપવાસના 14માં દિવસે નરેશ પટેલ હાર્દિકને મળ્યાં, અને નરેશ પટેલે કહ્યું ઉમિયાધામ અને ખોડલધામ સાથે મળીને સરકાર સાથે ચર્ચા કરીશું. હાલ હાર્દિક પારણાં કરી લે. નરેશ પટેલ જેવા ગયાં કે તરત જ હાર્દિક પટેલ સ્વેચ્છાએ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયાં, તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી અને પેટમાં દુખાવાની ફરિયાદ તો હતી. આ ઘટનાક્રમ પછી પાટીદાર અગ્રણીઓએ તો જાહેર કરી દીધુ કે હાર્દિક પટેલના પાસ દ્વારા લેખિતમાં મળે કે તમે મધ્યસ્થી કરો તો જ પાટીદારના ધાર્મિક સંસ્થાઓ મધ્યસ્થીનો રોલ ભજવશે.

પાસ દ્વારા બદલાતા નિવેદનોને પગલે હવે પાટીદારોની ધાર્મિક સંસ્થાઓ પણ મધ્યસ્થી કરવા તૈયાર નથી. બીજી તરફ હાર્દિકની માગની વાત કરીએ તો ખેડૂતોના દેવાની માફીની વાત…. બેંકો સક્ષમ નથી કે ખેડૂતોના દેવા માફ કરી શકે. લોન માફીથી બેંકની એનપીએમાં અનેકગણો વધારો થશે, તે તો દીવા જેવી વાત છે. વિજય માલ્યા, નીરવ મોદી અને મહુલ ચોકસી બેંકોને અબજો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયા છે. જે રકમ તો હજી આવી નથી, ત્યાં બેંકોમાં ખેડૂતોના દેવા માફીની વાત વાજબી નથી. અન્ય રાજ્યોએ દેવા માફ કર્યા ત્યારે આરબીઆઈ તેના રીપોર્ટમાં ટાંકયું હતું કે દેવા માફીનો બોજો બેંકો સહન નહી કરી શકે. કોંગ્રેસના શાસનમાં ખેડૂતોના દેવા અનેક વખત માફ કરાયાં છે. પણ અંતે શું થયું… ? નાના ખેડૂતો લોન લેવા આવતાં જ નથી. મોટા ખેડૂતો જ લોન કરીને હપતા ભરતાં નથી, તેમને ખબર છે કે સરકાર દેવું માફ કરવાની જ છે. આ એક રીવાજ થઈ ગયો છે કે એક કે બે વર્ષ ચોમાસું નબળું જશે તો સરકાર દેવું માફ કરી દેશે.

પાટીદાર અનામતની વાત પણ સ્પષ્ટ થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે અગાઉ કહી દીધું છે કે 50 ટકાથી વધુ અનામત આપી શકાય તેમ નથી. તેમ છતાં ગુજરાત સરકારે આર્થિક રીતે નબળા લોકોને આર્થિક સહાયની જાહેરાત કરી છે.

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં હવે કોની જીત થાય છે તેના માટે હોડ લાગી હતી. સરકારે જરાય મચક જ આપી નથી. અને હાર્દિક પટેલની 14માં ઉપવાસે તબિયત લથડી તો સ્વેચ્છાએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. રાજ્યભરમાંથી પાટીદારોનો હાર્દિકને સપોર્ટ મળ્યો છે, જેનાથી પાસના કાર્યકરોમાં નવું બળ આવ્યું છે.2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તે અગાઉ આવા આંદોલનો થાય તે સ્વભાવિક છે. ઈતિહાસ એવું કહે છે કે દરેક આંદોલન પાછળ તેનો રાજકીય લાભ લેવાનો આશય છૂપાયેલો હોય છે. હવે આપણે જોવાનું એ રહે છે કે કોની જીત થાય છે હાર્દિકની કે સરકારની….