‘ઉપવાસ બંધ કર અને લડ’: હાર્દિકને ઉદ્ધવની સલાહ

પાટીદાર સમાજને અનામતના લાભ મળે અને ગુજરાતના ખેડૂતોની લોન માફ કરવામાં આવે એ માગણી પર પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS)ના નેતા હાર્દિક પટેલે અમદાવાદમાં આદરેલા આમરણ ઉપવાસનો આજે 12મો દિવસ છે અને આ ઉપવાસ આંદોલન ક્યારે આવે છે એની પર સૌની મીટ મંડાયેલી છે. ઉપવાસ મામલે હાર્દિકને અનેક નેતાઓ વ્યક્તિગત રીતે મળીને એમનું સમર્થન આપી રહ્યાં છે, પણ ભાજપની સરકાર ટસની મસ થતી નથી.

કેન્દ્રમાં તથા મહારાષ્ટ્રમાં ભાજપની ભાગીદાર શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ હાર્દિકના ઉપવાસ-આંદોલનના મુદ્દે પોતાનું વલણ જાહેર કર્યું છે.

શિવેસનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલને ફોન કર્યો હતો અને એને વિનંતી કરી હતી કે પાટીદાર સમાજ માટે અનામતની માગણી માટે તેં શરૂ કરેલા આમરણ ઉપવાસ બંધ કર.

ઠાકરેએ કહ્યું છે કે ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલને ફોન કરીને મેં એને કહ્યું હતું કે તારી હાલની ભૂખહડતાળ માટે અમે તારી પડખે જ છીએ, પણ તારે ઉપવાસ બંધ કરીને લડવું જોઈએ.

ઠાકરેએ કહ્યું કે મેં હાર્દિકને કહ્યું કે, અમને તારા જેવા લડવૈયાઓની જરૂર છે એટલે ભૂખહડતાળ પાછી ખેંચી લેવાની મેં એને વિનંતી કરી છે.

હાર્દિક પટેલ ખેડૂતોની લોનમાફી તથા પાટીદાર સમાજને ઓબીસી કેટેગરી હેઠળ સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં અનામતનો લાભ આપવાની માગણીઓ માટે ગઈ 25 ઓગસ્ટથી અમદાવાદમાં આમરણ ઉપવાસ પર બેઠો છે.

ઉદ્ધવે કહ્યું કે, આપણે સતત સાંભળતા આવ્યા છીએ કે આપણે ત્રાસવાદીઓ સાથે વાતચીત કરવી જોઈએ, આપણે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ, પણ આપણે આપણા જ દેશના આવા યુવાનો સાથે કેમ વાતચીત કરી શકતા નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]