સરકારનું જુગાર-સટ્ટાને કમાણીની આંખે જોવાનું ઔચિત્ય ?

લાગી શરત એમ કહેવાની આપણી રીત અંદર રહેલા જુગારી સ્વભાવની એક ઝલક છે. સટ્ટામાં જીતી જવાની વૃત્તિ, વિજયી થવાની તમન્નાનો એક હિસ્સો જ છે. ધારણામાં પણ આપણે જીતી જવા માગીએ છીએ. પત્તા ખુલ્લે તેમાં જીતી જવા માગીએ છીએ. દાવ લગાવીએ તેમાં જીતી જવા માગીએ છીએ. આ ખેલની મજા છે, કેમ કે શરીરમાં એક રોમાંચ દોડી જાય છે. પરિણામ ના આવે ત્યાં સુધીની ઉત્તેજનાનો અનુભવ પણ અનોખો હોય છે. પછી હારી જઈએ છીએ, ત્યારે હતાશા થાય છે, પણ નવી ઘોડી, નવો દાવ… ફરી ઉત્તેજનાના અનુભવ તરફ દોડીએ છીએ.જુગારની લત છોડવી સૌથી અઘરી મનાય છે. સટ્ટો અને બેટિંગ એ પણ એક પ્રકારની લત છે. ક્રિકેટ લોકપ્રિય થવાનું એક કારણ, તેમાં અનેક રીતે રમી શકાતો સટ્ટો છે. શેરબજાર અને વાયદા બજારમાં પણ ગુજરાતી અને મારવાડી વધારે છે, કેમ કે બીજા લડાઈ ના કરી શકનારી સુંવાળી કોમ અહીં લડતની ઉત્તેજનાનો અનુભવ કરી શકે છે.
આઇપીએલ વખતે ઠેર ઠેર દરોડા પડતા હતા અને બૂકીઓ પકડાતા હતા. કેટલાક કરોડોનો સટ્ટો રમાતો હશે તેના વિવિધ અંદાજો છે, પણ વાત કરોડોમાં જ થાય છે. દરેક આઇપીએલ મેચમાં 530 કરોડનો સટ્ટો રમાતો હતો એવા અંદાજો વાંચવા મળે છે. વન ડે મેચ હોય તો બે હજાર કરોડે આંકડો પહોંચે.

બિઝનેસની દુનિયાની આબરૂદાર સંસ્થા ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કિ)એ પણ બેટિંગમાં કેટલો બિઝનેસ હશે તેનો અંદાજ લગાવવાની કોશિશ કરી છે. ફિક્કિના એક અહેવાલ અનુસાર ભારતમાં બેટિંગનું માર્કેટ 3 લાખ કરોડને આંબી જાય તેટલું મોડું છે. 2012માં આ રિપોર્ટ થયો હતો. તે પછીના આ પાંચેક વર્ષોમાં માર્કેટ વધ્યું જ હશે, ઘટ્યું નહિ હોય તે સમજી શકાય છે. પાંચ લાખ કરોડ આ માર્કેટ પહોંચવા આવ્યું હશે. તેને જો લિગલ કરી દેવામાં આવે અને તેના પર જીએસટી 18 ટકાના દરે લગાવવામાં આવે તો કેટલો ટેક્સ સરકારને મળે તેના આંકડાં પણ જાણકારો આપે છે.

ભારતમાં સમયાંતરે સટ્ટાને કાયદેસર કરવાની ચર્ચા થતી આવી છે. વિદેશમાં કઈ રીતે લોકપ્રિય રમતો પર બેટિંગ કાયદેસર છે તેની ચર્ચા થતી હોય છે. આ વખતે ફરી ચર્ચા જાગી તેનું કારણ એ છે કે લૉ કમિશને કેન્દ્ર સરકારને આપેલા અહેવાલમાં ભલામણ કરી છે કે બેટિંગને સત્તાવાર કરવા વિશે વિચારી શકાય છે. જોકે ભારતમાં તે કામ કરવું મુશ્કેલ છે. કેટલાક રાજ્યોમાં લોટરી પર પણ સરકારે પ્રતિબંધ મૂકવો પડ્યો છે, કેમ કે લોટરીને કારણે દૂષણ વધતું હતું. લોકો આંકડો રમે અને લાખો રૂપિયા અંધારીઆલમમાં જતા રહે તેના બદલે લોટરી હોય તો નાણાં સરકારમાં આવે. એવી ગણતરીથી લોટરી શરૂ કરાઈ હતી, પણ આંકડો બંધ ના થયો અને લોટરી લેનારા મધ્યમ વર્ગની સંખ્યા વધી ગઈ. આંકડો રમવો ખરાબ ગણાય તેમ માનતો વર્ગ પણ લોટરી લેતો થઈ ગયો હતો. તેમાં પણ છેલ્લા એક આંક પર જ જુગાર રમાતો થઈ ગયો હતો. ગુજરાતમાં પણ લોટરી કાઢવામાં આવી હતી, પણ બંધ કરી દેવી પડી. બીજા રાજ્યોની લોટરી વેચાતી પણ બંધ કરવી પડી છે, કેમ કે લોટરી બજારમાં સાંજ પડ્યે આવીને નીમ્મ મધ્યમવર્ગનો માણસ દસ વીસ રૂપિયા ગુમાવીને જતો હતો.

બેટિંગ કાયદેસર કરવા પાછલનું લોજિક સમજી શકાય તેવું છે. સટ્ટો રમાડવા માટે, બેટિંગ લેવા માટે બૂકીઓ ફૂટી નીકળે છે બૂકીઓ લાખો અને કરોડોના સોદા કરે છે. લોકો ફોન પર સટ્ટો ખેલે અને નામાં ગુમાવે. કમાણી હંમેશા બૂકીઓને જ થાય. ભારતના બૂકીઓના નેટવર્ક પર દુબઈના ગુંડાઓનું નિયંત્રણ છે તે મુદ્દો પોલિટિકલ પણ બને છે. તેના કારણે કરોડો રૂપિયા ગુંડાઓના નેટવર્કમાં જાય છે, તેના કરતાં સત્તાવાર બેટિંગ લઈ શકાતું હોય તો આવક સરકાર પાસે આવે તેવું લોજિક છે. પણ સવાલ એ છે કે બેટિંગ લેવાનું કાયદેસર કરાય તે પછી ખાનગી બેટિંગ તંત્ર, બૂકીઓનું નેટવર્ક બંધ થઈ જશે ખરું? લોટરી આવી ત્યારે આંકડો બંધ થયો નહોતો. બંનેને રમનારો અલગ વર્ગ હતો. કોઈને આંકડો જ ફાવે, કોઈને લોટરી ફાવે. કિક્રેટમાં સેશન રમાય છે. દડે દડે બેટિંગ લાગે છે. દરેક ઓવર માટે અલગથી બોલી લગાવવાની. આ પ્રકારની ઉત્તેજના સરકારી બેટિંગ વ્યવસ્થા પૂરી પાડી શકે કે કેમ તે એક સવાલ છે?
બીજું જુગાર રમવાની લત બધાને જાહેર કરવી ગમતી નથી. કેટલાક લોકો બિન્ધાસ્ત ફેંકતા હોય છે કે પોતે સટ્ટામાં કેટલા હોંશિયાર છે, પણ શાણા વેપારીઓનો મોટો વર્ગ ચૂપચાપ સટ્ટો રમ્યા કરે છે. પોતે સટ્ટો રમે છે તેવું જાહેર કરવાનું તેમને ગમે નહિ. આ વર્ગ ક્યારેય કાયદેસરના બેટિંગ નેટવર્કમાં આવે નહિ. તેમને ફોનમાં ખાનગીમાં ચાલતું બેટિંગ નેટવર્ક જ ફાવે.
ઉલટાનું લોટરીમાં થયું હતું તેવું થાય. અત્યારે બેટિંગ ગેરકાયદે છે અને બૂકીઓમાં મોટા ભાગે માથાભારે કે ગુંડા ટાઇપ લોકો પડતા હોય છે. તેના કારણે ઘણા લોકો પોતાની જુગારી વૃત્તિને સંકોરીને બેસે છે. શ્રાવણ આવે ત્યારે એક મહિનો પત્તાનો જુગાર રમી લે અને વ્યસન ભાંગે. આ વર્ગ અને નોકરિયાત વર્ગ પણ કાયદેસર બેટિંગ હોય તો વધારે રમતો થઈ જાય તેવું ભયસ્થાન પણ છે.તેનો અર્થ એ કે ધાર્યા પ્રમાણે સરકારને આવક થાય નહિ. સમાંતર બૂકી નેટવર્ક ચાલતું જ રહે. સરકારને જ કમાણી થાય તે નવો રમનારો વર્ગ ઊભો થાય તેમાંથી જ આવે. તે નાણાં સમાજમાંથી જવાના અને સરકારમાં જવાના એટલે આમ નુકસાન નહિ, પણ સમાજનો હિસ્સો એવા કુટુંબમાં સમસ્યા પેદા કરી શકે છે.

સટ્ટાને કારણે ક્રિકેટમાં મેચ ફિક્સિંગનું દૂષણ ઘૂસ્યું છે. કેટલાક લોકો બીજા દેશોનો દાખલો આપીને કહે છે કે સત્તાવાર રીતે બેટિંગ લેવાતું હોય તો મેચ ફિક્સિંગ પર નિયંત્રણ શક્ય છે. કેટલાક દેશોમાં કોઈ એક ટીમ પર અચાનક મોટા પાયે બેટિંગ થાય ત્યારે સત્તાવાળાને જાણ કરવામાં આવે છે. ખાસ કરીને નબળી ટીમ જતી જશે તે માટે મોટા પાયે બેટિંગ થાય ત્યારે તપાસ કરવામાં આવે છે અને મેચ ફિક્સિંગ અટકાવી શકાય છે. ખાનગીમાં ફોન પર થતા સોદામાં કોના પર સૌથી વધારે દાવ લાગ્યો છે તે નક્કી કરવું મુશ્કેલ હોય છે. સત્તાવાર ઓનલાઇન નેટવર્ક હોય તો અચાનક કોઈની સદી પર દાવ લાગી જાય તો સત્તાવાળાઓ શંકા કરી શકે કે સદી કરાવવા માટેનું ફિક્સિંગ થઈ ગયું છે.
જોકે આ ફાયદા સામે નુકસાન મોટું છે. ફિક્સિંગ અટકાવાનો તેનાથી સહેલો રસ્તો છે ક્રિકેટનું રાષ્ટ્રીયકરણ કરી નાખવું. ક્રિકેટરો અબજોની કમાણી કરે અને બાકીના સ્પોર્ટ્સમાં માત્ર હજારોની વાત ચાલતી હોય તે સ્થિતિ નિવારવી પડે. ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ બધામાં થતી દરેક પ્રકારની આવક એક જગ્યાએ એકઠી થાય. તેમાંથી સમાન રીતે બધી જ રમતોના ખેલાડીઓને મહેનતાણું મળે તેવી સમાજવાદી વ્યવસ્થા કરવામાં આવે તો પૈસા ખાતર થતા ખેલ બંધ થાય. ખેલ પાછળનો ઉદ્દેશ તંદુરસ્ત સ્પર્ધા અને રમાવાનો આનંદ હોવો જોઈએ. માત્ર જીતવા માટે અને જીતીને તગડી કમાણી કરવા માટેનો ઉદ્દેશ સ્પોર્ટ્સમાં આવે ત્યારે તે રમત ના રહેતા બિઝનેસ બને છે. બિઝનેસ કરતાંય ધંધો બને અને તેમાં ધપલા થાય. ભારતમાં ક્રિકેટ, અમેરિકામાં બેઝબોલ, ગોલ્ફ અને ટેનિસ, યુરોપમાં ફૂટબોલ એમ જુદી જુદી રમતોમાં વધારે પડતું વ્યાપારીકરણ થયું છે. તે હટાવ્યા પછી કદાચ મર્યાદિત સ્વરૂપમાં બેટિંગ કાયદેસર કરાય તો ફાયદો થાય, નહિતો નુકસાન જ વધારે થાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]