“મને સમય, સ્થળ, દિવસ જણાવી દો, સંપત્તિ હું જાતે આવીને આપી જઈશ”

નવી દિલ્હીઃ બ્રિટનમાં સ્થિત વિજય માલ્યાની સંપત્તિને જપ્ત કરવા મામલે વિજય માલ્યાએ જણાવ્યું છે કે તે પોતાની બ્રિટનમાં સ્થિત સંપત્તિઓને જપ્ત કરવામાં અધિકારિઓ અને કોર્ટના આદેશનું પૂર્ણ રીતે પાલન કરશે. પરંતુ અધિકારીઓને વધુ કશું જ જપ્ત કરવા નહી મળે કારણ કે આલિશાન મકાન છે તે તેમના નામ પર છે જ નહી. માલ્યા પાસે મૌખિક રીતે સંપત્તિનું સમર્પણ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે.

માલ્યાએ જણાવ્યું કે મેં યૂકે કોર્ટને આપેલા સોગંદનામામાં પોતાની યુકેની સંપત્તિઓ આપી છે જેને જપ્ત કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ સંપત્તિ બેંકોને આપવામાં આવે તેવી શક્યતાઓ છે. જપ્ત થનારી સંપત્તિઓમાં કાર, જ્વેલરી વગેરેનો સમાવેશ થાય છે. માલ્યાએ જણાવ્યું છે કે તમે મારા ઘરે આવીને તેને જપ્ત કરવાની તકલીફ ન ઉઠાવશો, ખાલી મને સમય, દિવસ અને જગ્યા કહી દો, હું પોતે ત્યાં આવીને મારી સંપત્તિ આપી જઈશ. માલ્યાએ જણાવ્યું કે અહીંયા બેઘર થવાનો કોઈ પ્રશ્ન થતો જ નથી કારણ કે તમે મારા નામ પર હોય તે જ સંપત્તિઓ લઈ શકો છો, જેની જાહેરાત કોર્ટમાં કરવામાં આવી છે. હકીકતમાં માલ્યાનું લંડન સ્થિત ઘર તેના નામે છે જ નહી.

માલ્યાએ જણાવ્યું કે મેં 200 કરોડ ડોલરની કિંમત વાળી સંપત્તિઓને કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ મુકી હતી જે બેંકો અને બાકી તમામ ચૂકવણી કરવા માટે માત્ર પૂરતી જ નથી પરંતુ તેના કરતા પણ વધારે છે. તો હવે યૂકેમાં સંપત્તિઓને જપ્ત કરવાનો સવાલ જ ઉભો થતો નથી.