જાપાનમાં ભારે વરસાદને કારણે 100ના મોત, 20 લાખ લોકોનું સ્થળાંતર કરાયું

હિરોશિમા- જાપાન સરકારે તેના નિવેદનમાં જણાવ્યું છે કે, ગત કેટલાક દિવસોથી સતત વરસી રહેલા મૂશળાધાર વરસાદને કારણે અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જાપાનના વડાપ્રધાને આ વિપરિત સમયને ‘સમય સાથે યુદ્ધ’ તરીકે ગણાવી છે. તેમણે જણાવ્યું કે, દરેક વિતી રહેલી ક્ષણ સાથે મુશ્કેલી વધી રહી છે. ભારે વરસાદ વચ્ચે આજે ક્યુશુ અને શિકોકુ આઈલેન્ડ માટે નવી ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાના વડાપ્રધાને જણાવ્યું કે, લોકોનો જીવ બચાવવો અને તેમનું સ્થળાંતર કરવું એ સમય સામે લડાઈ લડવા સમાન છે.મુખ્ય કેબિનેટ સચિવ યોશિદી શુગાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 87 લોકોના માર્યા ગયાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 13 લોકો લાપતા થયા છે. જેની કોઈ માહિતી નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, રાહતકાર્યમાં 40 જેટલા હેલિકોપ્ટર કામે લગાડવામાં આવ્યા છે. વરસાદને કારણે પશ્ચિમ જાપાનમાં સ્થિતિ સૌથી ખરાબ છે. કેટલાક ગામડાઓ સંપૂર્ણપણે પાણીમાં ડુબી ગયા છે. જ્યાં લોકો તેમના ઘરની છત પર આશ્રય લેવા મજબૂર થયા છે.

મૂશળધાર વરસાદને લીધે અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલન થવાને કારણે અધિકારીઓને આશરે 20 લાખ લોકોને તેમની જગ્યાઓ પરથી દૂર હટાવવાની ફરજ પડી છે. ભૂસ્ખલનને કારણે સેંકડો લોકો ઘાયલ થયા છે અને અનેક ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા છે. હિરોશિમા પ્રાંતના રાહત અને બચાવ અધિકારીએ જણાવ્યું કે, ‘અમે 24*7 રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છીએ’. વધુમાં તેમણે કહ્યું કે, બચાવવામાં આવેલા લોકોની દેખભાળ કરવામાં આવી રહી છે અને તેમને જીવનની પ્રાથમિક જરુરિયાતો પુરી પાડવામાં આવે છે.