2014માં દિલ્હીમાં પરિવર્તન આવ્યું હતું. પ્રથમવાર બિનકોંગ્રેસી સરકાર એકલા હાથે બહુમતી સાથે સરકારમાં હતી. ભાજપની આગેવાની હેઠળ એનડીએ ગઠબંધન હતું, પણ ભાજપની પોતાની 283 બેઠકો હતી અને તે મહત્ત્વનું પરિવર્તન હતું. 2014 પહેલાં જે સ્થિતિ ઊભી થઈ હતી, તેમાં કોંગ્રેસના 10 વર્ષના શાસનને ચેલેન્જ કરવામાં બીજો એક પક્ષ અથવા કહો કે સંગઠન વધુ પ્રબળપણે પ્રગટ થયું હતું. તે હતો આમ આદમી પક્ષ, જે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન સંગઠનમાંથી ઊભો થયો હતો.
સોશ્યલ મીડિયાના પ્રભાવની એ શરૂઆત હતી. ભાજપે તેનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો, પણ બીજા નંબરે આ જૂથના યુવાન અને ટેક્નોક્રેટ કાર્યકરો હતો. પરિવર્તન માટે ઝંખતા યુવાનોને સોશ્યલ મીડિયાના માધ્યમથી એક કરીને, સાથે જ મીડિયાની કાર્યપ્રણાલી સમજીને તેનો મહત્તમ લાભ ઊઠાવીને દેશભરમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ઊભું કરવામાં આવ્યું હતું.
અરવિંદ કેજરીવાલ નામના ભૂતપૂર્વ વેરા અધિકારી અને મેગ્સેસે એવોર્ડ મેળવી ચૂકેલા એનજીઓ ચલાવતા કાર્યકર અચાનક લાઇમલાઇટમાં આવી ગયા હતા. કેજરીવાલ અને તેમના ચાલાક સાથીઓ ચાલાકીપૂર્વક ભોળા અન્ના હજારેનો ઉપયોગ કરી ગયા. 2011માં અન્ના હજારેના નામે આંદોલન ચાલ્યું અને કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે લોકપાલ ખરડો પસાર કરવો પડ્યો.
લોકપાલ આજે ક્યાં છે કોઈને ખબર નથી, પણ કોંગ્રેસનો ઘડોલાડવો થઈ ગયો અને ભાજપનો ઉદય થયો. કેજરીવાલે સંગઠનથી જુદા પડીને રાજકીય પક્ષની રચના કરી અને 2013માં દિલ્હીમાં પહેલે જ ધડાકે 28 બેઠકો જીતી લીધી. સત્તા ના મળી, પણ સાવ નવા પક્ષનું આટલું જોર ધ્યાન ખેંચતું હતું.
કેજરીવાલે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે રહેલા નરેન્દ્ર મોદીને પણ ભીંસમાં લેવાની કોશિશ કરી હતી. એવું લાગતું હતું કે મોદીને ચેલેન્જ કરી શકે તો કેજરીવાલ જ, પરંતુ દેશમાં ઊભા થયેલા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનો ફાયદો ઊઠાવવા માટે ભાજપ પાસે દેશવ્યાપી સંગઠનનું માળખું તૈયાર હતું. આપનું માળખું હજી બન્યું નહોતું. કેજરીવાલની મહત્ત્વાકાંક્ષાઓ ત્યારે વધારે પડતી લાગતી હતી, પણ ચાલાક કેજરીવાલ કદાચ ગણતરીપૂર્વકના જોખમ સાથે કોંગ્રેસની સાથોસાથ ભાજપ સામે પણ ભીડાવાનું નક્કી કર્યું હતું.
2014માં આપને પંજાબ સિવાય કશે ફાયદો થયો નહિ. કેજરીવાલે હવે માત્ર દિલ્હી પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું. સમગ્ર દેશમાં ભાજપનો ભગવો ફરી વળ્યો હતો, ત્યારે દિલ્હી વિધાનસભામાં સત્તા મેળવવી પણ આસાન લાગતી હતી. કોંગ્રેસના 15 વર્ષના શાસન પછી રકાસ થયો હતો. આમ જેવો નવો પક્ષ ઊભો થયો હતો, જેણે કોંગ્રેસને તોડી હતી. તેથી ભાજપને લાગતું હતું કે પોતાના માટે તક છે.
જોકે 2015માં વિધાનસભાની ચૂંટણી ફરી આવી ત્યારે ઇતિહાસ રચાયો. 70માંથી 67 બેઠકો બહુ નાની વયનો રાજકીય પક્ષ જીતી ગયો. 95 ટકા કરતાંય વધુ બેઠકો સાથેની જીત એક રેકર્ડ હતો. ભાજપ માટે બહુ આઘાતજનક સમાચાર હતા, કેમ કે હજી વર્ષ પહેલાં જ સમગ્ર દેશમાં ફરી વળ્યા પછી દિલ્હીમાં જ નાના અને નવા પક્ષ સામે મોટી પછડાટ મળી હતી.
પાંચ વર્ષમાં દેશમાં રાજકારણ બહુ બદલાયું છે અને 2020ની ચૂંટણી ફરી આવી છે ત્યારે ફરી એકવાર દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગત્યની બની છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપે બેઠકો ગુમાવી અને મહારાષ્ટ્રમાં સત્તા પર. ઝારખંડમાં સંપૂર્ણપણે સત્તા ગઈ, ત્યારે હવે દિલ્હીના પરિણામોની સીધી અસર બિહાર અને પશ્ચિમ બંગાળ પર આગામી સમયે પડશે.
ભાજપ સામેના વિપક્ષમાં અત્યારે સૌથી વધુ ચાલાક કેજરીવાલ છે. તેમણે નરેન્દ્ર મોદીની અને ભાજપની ટીકા કરવાનું એકાદ વર્ષથી બંધ કરી દીધું છે. તેમણે માત્ર દિલ્હીના રાજકારણ પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમની આક્રમકતા ગાયબ થઈ ગઈ છે અને ભાજપ સરકારની ટીકા પણ બેકારી, અર્થતંત્ર, પ્રદૂષણ નિયંત્રણ, વાહનવ્યવહાર, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દે જ કરે છે. તેમને વિચારધારાની લડાઈમાં જાણે રસ જ ના હોય તેવું વલણ લીધું છે.
જાણકારો કહે છે કે આ વલણ જ કદાચ કેજરીવાલને કામ આવશે. વિપક્ષ ભાજપ અને મોદીની એવી રીતે ટીકા કરે છે કે ભાજપનો ઢીલો પડી રહેલો ટેકેદાર સજ્જડ થઈ જાય અને અનિર્ણાયક રહેલો મતદાર વિચારે કે આ લોકોને ક્યારેય અક્કલ આવશે નહિ, મેલ કરવત ભાજપ ને ભાજપ.
સોમવારે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી દીધી અને 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે તે નક્કી થયું તે પછી પ્રથમ પત્રકાર પરિષદમાં પણ કેજરીવાલે માત્ર સરકારની કામગીરીની જ વાત કરી. તેમણે કહ્યું કે હું લોકો પાસે મારા કામને પારખીને મત માગીશ. મતદારો તમને લાગે કે મેં કામ કર્યું છે તો જ મત આપજો નહિ તો નહિ આપતા. ભાજપ અને કોંગ્રેસના મતદારોને પણ અપીલ કરી કે દિલ્હી માટે તો તમે મારા કામને જ જોજો.
તેમનો ઇશારો એવો હતો કે લોકસભામાં તમે જે કર્યું હોય તે, વિધાનસભા માટે જુદી પસંદગી કરજો. આ સ્ટ્રેટેજી ઉપયોગી થાય તેવી છે, કેમ કે 2014 પછી દેશમાં મતદારોનો મિજાજ આ પ્રકારનો જોવા મળ્યો છે. 2014 વખતે ઓડિશા અને અમુક અંશે તેલંગણા-આંધ્રમાં સ્પષ્ટપણે વિધાનસભા અને લોકસભા માટે અલગ અલગ મતો આપ્યો. 2014 પછી તરત જ દિલ્હીમાં મતદારોએ ભાજપના બદલે કેજરીવાલને મત આપ્યા હતા. રાજસ્થાનમાં ભાજપની વિરુદ્ધ મતદાન કરીને કોંગ્રેસને જીતાડી હતી. એમપી, છત્તીસગઢ પણ ખરું. ગુજરાતમાં બેઠકો ઘટી ગઈ. હરિયાણા અને મહારાષ્ટ્રમાં કલમ 370 અને રામમંદિર કશું કામમાં ના આવ્યું. ઝારખંડમાં પણ નહિ. અને તેથી જ કેજરીવાલને લાગે છે કે કેન્દ્ર મેં મોદી, રાજ્યમાં કેજરીવાલ ચાલશે. રાજસ્થાનનું પેલું સૂત્ર અહીં કામ આવી રહ્યું છે – મોદી તુજ સે બૈર નહિ, વસુંધરા તેરી ખૈર નહિ.
ચૂંટણી પંચે બહુ ટૂંકો સમયગાળો રાખ્યો છે, જેથી મહિનામાં ચૂંટણી પૂરી પણ થઈ જશે. 55 દિવસ સુધી આચારસંહિતા ચાલતી હતી, તેના બદલે ગાળો ટૂંકો થતો રહ્યો છે. નજીક નજીકના મહિનામાં ચૂંટણીઓ હોય તો પણ રાજ્યોની ચૂંટણી અલગ અલગ થઈ. ઝારખંડ અલગ, દિલ્હી અલગ. આ બધાની વચ્ચે ચૂંટણી કમિશનર એવું બોલ્યા કે વિશિષ્ઠ સંજોગોમાં ચૂંટણી રદ પણ કરી શકાય છે. તેથી ઘણાના કાન સરવા થયા છે – શું એવું લાગે કે ભાજપને મોટી હાર મળી રહી છે તો ચૂંટણી કોઈ બહાને રદ થશે? કે પછી એવા કોઈ મોટા બનાવ બનવાના છે કે ચૂંટણી રદ થઈ શકે?
આવી ચર્ચાનું કારણ એ કે દિલ્હીમાં ચૂંટણીની જાહેરાત થઈ તેના આગલા દિવસે જેએનયુમાં મોટી બબાલ થઈ હતી. તેની અસર સીધી રીતે નહિ, પણ આડકતરી રીતે થતી રહેવાની છે. ભાજપ તેના બહાને વિચારધારાનું અને અર્બન નક્સલીનું અને ડાબેરીવિરોધનું રાજકારણ કરવા માગે છે, પણ કેજરીવાલ તેમાં પડતા માગતા નથી. વિપક્ષની જેમ કેજરીવાલ ટ્રેપમાં આવી જતા નથી. તેથી ટિકિટોની વહેંચણી પહેલાંનું આગામી અઠવાડિયું અગત્યનું સાબિત થશે.
પ્રારંભિક સર્વે પણ આવી ગયા છે અને તેમાં આમ આદમી પાર્ટીને 50 ટકા કરતાં વધુ મતદારોનું સમર્થન હજીય જણાઈ રહ્યું છે. ભાજપની સ્થિતિ મામુલી સુધરી રહી છે, જ્યારે કોંગ્રેસ ત્યાંની ત્યાં છે. ગયા વખતની જેમ કદાચ 95 ટકા નહિ, પણ બે તૃતિયાંશ બહુમતી આપને ફરી મળે તેવા અણસાર પ્રારંભિક સર્વેમાં છે. ભાજપ માટે દિલ્હી નાનું રાજ્ય છે, પણ 20 વર્ષથી સત્તા હાથમાં આવી નથી. કેન્દ્રમાં આવી તોતિંગ સરકાર હોય અને છતાં સારો દેખાવ ના થાય ત્યારે સ્થાનિક નેતાગીરીની સાથે કેન્દ્રીય નેતાગીરી ફોકસમાં આવે. તેથી અઠવાડિયું રાહ જુઓ, ચિત્ર બદલાય છે કે કેમ અને કેવું બદલાય છે તે જોઈશું.