વિવાદાસ્પદ કાયદાઃ રાજ્ય અને કેન્દ્રના ઝઘડામાં કોણ પહોંચે?

ગુજરાતમાં એક દિવસ માટેનું વિધાનસભાનું સત્ર 10 જાન્યુઆરીએ મળ્યું. કેન્દ્રએ પસાર કરેલા નાગરિકતા સુધારા કાયદાને અનુમોદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર કાયદો કરે તેને દેશની 50 ટકા વિધાનસભા પણ પસાર કરે તે પછી સમગ્ર દેશમાં લાગુ પડે છે. નાગરિકતા કાયદાનો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે કેરળ વિધાનસભાએ તેને નકારી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો. પશ્ચિમ બંગાળની સરકાર સહિત આઠેક રાજ્યોએ વિરોધ કર્યો છે કે તે CAA અને NRCને પોતાને ત્યાં લાગુ કરશે નહિ. સવાલ એ છે કે કોઈ વિવાદાસ્પદ કાયદાના મુદ્દે આવો વિરોધ ઊભો થાય ત્યારે કોણ પહોંચે – કેન્દ્ર કે રાજ્ય?

ભારતના લોકતંત્રનો ઢાંચો સંઘપ્રકારનો છે. રાજ્યોએ ભેગા મળીને સંઘની રચના કરી છે અને સંઘમાં બેઠેલી સરકાર દેશનો વહીવટ ચલાવે. મૂળ તો સરદાર પટેલે સાડા પાંચસોથી વધુ રજવાડાંને ભારત સંઘમાં જોડીને રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. આ ફેડરલ સ્ટ્રક્ચરમાં સ્વાભાવિક રીતે જ સંઘ સરકાર મજબૂત છે, કેન્દ્ર સરકાર વધારે મજબૂત છે. અમેરિકામાં પ્રમુખ ચલાવે તે ફેડરલ સરકાર હોય છે, અને તેના 50 રાજ્યો છે. અમેરિકામાં રાજ્યો પ્રમાણમાં વધારે સત્તા ભોગવે છે. અમેરિકામાં રાજ્યો પ્રમાણે કાયદા બહુ જુદા હોય છે. ભારતમાં થોડા અપવાદ બાદ કરતાં કાયદા એકસમાન છે.

તેથી જ નાગરિકતા સુધારા ખરડો પસાર કરીને તે કાયદો બન્યો તે સમગ્ર દેશમાં લાગુ પડે. તેનો વિરોધ હોય પણ સંસદે કાયદો કર્યો હોવાથી તેનો અમલ સમગ્ર દેશમાં થાય. વાસ્તવિક અમલ રાજ્યના વહિવટીતંત્ર દ્વારા થતો હોય છે, પણ અમલ કરવો પડે ખરો. જેમ કે જિલ્લામાં નાગરિકતા આપવાની દસ્તાવેજની કાર્યવાહી થાય તે કલેક્ટર કચેરીમાં થાય અને કલેક્ટર કચેરી રાજ્ય સરકારના વહીવટમાં આવતી હોય છે, પણ કાયદો રાજ્યની કચેરી કે કેન્દ્રની કચેરી એવો ભેદ કરતી નથી.

આવા સંજોગોમાં ગયા મંગળવારે કેરળની વિધાનસભાએ નાગરિકતા સુધારા કાયદા સામે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) સામે ઠરાવ પસાર કર્યો. આ કાયદો બંધારણના મૂળભૂત અધિકારોનો ભંગ કરનારો છે એમ કહીને તેને નકારી કાઢતો ઠરાવ ગૃહે કર્યો. રાજ્ય અને કેન્દ્રની સીધી ટક્કર અહીં જોવા મળી છે. આવી ટક્કર થતી આવી છે, પણ તે મુખ્યત્વે કેન્દ્રમાં શાસન કરનાર રાજકીય પક્ષની અને રાજ્યમાં શાસન કરનારા પક્ષની હોય છે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ટક્કર ના થાય તે માટે બંધારણના ઘડવૈયાઓએ વિચાર્યું હતું અને તેની જોગવાઈ પણ કરી હતી.

કાયદો બંધારણની વિરુદ્ધ હોય તો સંસદે પસાર જ ના કર્યો હોત. બીજું, સંસદે પસાર કરેલો કાયદો પણ સર્વોચ્ચ અદાલતમાં પડકારી શકાય છે. સર્વોચ્ચ અદાલત અર્થઘટન કરીને કોઈ સરકારે બહુમતીથી પસાર કરેલો કાયદો બંધારણની મૂળભૂત ભાવના વિરુદ્ધ છે કે કેમ તેનો ચુકાદો આપી શકે છે, પણ કોઈ રાજ્ય સરકારને તેનો અધિકાર બંધારણે જ આપ્યો નથી. ભૂતકાળમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોની ચર્ચા, રાષ્ટ્રપતિ શાસન લાગે ત્યારે થતી હતી. કેન્દ્રમાં બેઠેલી સરકાર કિન્નાખોરીથી અન્ય પક્ષની રાજ્ય સરકારને સત્તા પરથી હટાવે ત્યારે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતો હતો.

આ વખતે મામલો વધારે ગૂંચવાશે એમ લાગે છે, કેમ કે કેરળ સરકારે ઠરાવ પસાર કર્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળ સહિત 11 રાજ્યો CAA અને NRCનો વિરોધ કરી રહ્યા છે. ભાજપના સાથી પક્ષ બિહારના જેડી(યુ)હ પણ વિરોધમાં છે. આંધ્રના પણ ભાજપના દોસ્તના દોસ્ત જગમોહનનો વિરોધ છે. જોકે કોંગ્રેસ શાસિત કેટલાક રાજ્યોએ CAAનો ખુલ્લીને વિરોધ કર્યો નથી, પણ NRCનો વિરોધ કરે છે.

વિરોધમાં રાજકીય મુદ્દા વધારે છે, એટલે તેની ચર્ચા ચાલ્યા કરશે, પણ કેન્દ્ર અને રાજ્યના સંબંધો વિશે બંધારણીય ચર્ચા પણ વિદ્વાનોમાં ચાલી છે. બંનેના સંબંધોને સાંકળતી કેટલીક કલમો વિશે ધારાશાસ્ત્રીઓ ચર્ચા કરી રહ્યા છે. કલમ 356 સિવાયની કેટલીક કલમો સંબંધોની શરતો નક્કી કરનારી છે, જેમ કે કલમ 256, 257, 258, 355 અને 356 તો ખરી જ. CAA કાયદો પસાર થયો છે અને તેના કારણે નાગરિકતાની વ્યાખ્યા થઈ છે અને તેની અસર NRC પર થાય, કેમ કે તેમાં નાગરિકોની નોંધણી કરવાની છે. તેથી રાજ્યોમાં બેમાંથી એકેય કાયદા માટે મનાઈ કરી શકે તેમ નથી. બંને વચ્ચેની કડી જોડીને જોરદાર વિરોધ ચાલી રહ્યો છે તે એટલો અત્યારે તો તાર્કિક લાગતો નથી. અત્યારે એટલા માટે નથી લાગતો કે NRC સત્તાવાર જાહેર થાય ત્યારે તેના નિયમો જોવા પડે.

ધારાશાસ્ત્રીઓનો મત એવો બેસે છે કે કેરળ કે કોઈ વિધાનસભા વિરુદ્ધમાં કાયદો કરી શકે તેમ નથી. કેન્દ્રનો કોઈ કાયદો રાજ્યને સાનુકૂળ ના હોય ત્યારે સુપ્રીમ કોર્ટમાં જ જવું પડે. સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો પણ છે, પણ દરમિયાન આ ચર્ચા ચાલતી રહેશે. વિશ્લેષકોનો મત છે કે આ લડાઈ કાયદાકીય અને બંધારણીય ઓછી અને રાજકીય અને વિચારધારાની વધારે છે. વિપક્ષે પણ તેનો સામનો રાજકીય અને પ્રજાકીય મુદ્દાથી જ કરવો પડશે.

આ મુદ્દે રાજકારણ કેવું આગળ વધશે તે આગળ જતા ખબર પડશે, પણ અત્યારે આપણે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સંબંધો નક્કી કરતી કલમો વારાફરતી જોઈ લઈએ.

કલમ 256

આ કલમ પ્રમાણે દરેક રાજ્યનો શાસન કરવાનો અધિકાર એવો હોવો જોઈએ, જેનાથી સંસદે પસાર કરેલા અને રાજ્યોને લાગુ પડતા કાયદાનું પાલન થાય. આવા કાયદાના પાલન માટે જરૂરી હુકમો ભારત સરકાર રાજ્યને આપી શકે છે.

અહીં સ્પષ્ટ છે કે કોઈ કાયદો કેન્દ્રે પસાર કર્યો હોય અને તે યોગ્ય રીતે લાગુ ના પડતો હોય, ત્યારે તેને લાગુ પાડવાના હેતુ સાથે, ‘પાલન માટે જરૂરી હુકમ’ કેન્દ્ર રાજ્ય સરકારને આપી શકે છે.

કલમ 257

આ કાયદામાં પરિભાષા વધારે સ્પષ્ટ છે. કલમ 257 (1)નું શિર્ષક જ છે ‘કેટલાક કિસ્સામાં રાજ્યો પર સંઘનું નિયંત્રણ’. આ કલમ પ્રમાણે સ્પષ્ટ જણાવાયું છે કે કોઈ રાજ્ય પોતાના શાસનના અધિકારને એવી રીતે બજવી ના શકે, જેના કારણે સંઘના શાસનના અધિકારમાં ‘અવરોધ કે પ્રતિરોધ’ ઊભો થાય.

ઘણી વાર રાજ્ય સરકાર કાયદાનું પાલન કરતી વખતે એવા ઢંગથી પાલન કરે કે છટકબારીનો લાભ મળે. તેવું થતું અટકાવવા માટે કેન્દ્ર સરકાર કાયદાનું પાલન જ નહિ, પાલન કઈ રીતે, કેવા પ્રકારે, કેવા ઢંગથી કરવું તેનો આગ્રહ પણ રાખી શકે છે.

આ કલમ NRCમાં વધારે અગત્યની બની શકે છે. NRCમાં અમુકતમુક દસ્તાવેજો આપીને પોતે નાગરિક છે તેવો દાવો કરવાનો આવશે. તે વખતે ઘણા બધા દસ્તાવેજોમાંથી કોઈ એક દસ્તાવેજ પણ માન્ય રહે અને રાજ્ય સરકાર સહેલાઇથી બનાવી શકતા દસ્તાવેજના આધારે દાવાને માન્ય પણ કરી શકે. રાજ્યના અધિકારીઓ પોતાની રીતે દાવા માન્ય પણ કરવા માંડે. તેનાથી વિપરિત કેન્દ્રની ઇચ્છાથી અલગ અમાન્ય પણ કરવા પડે. આ બંને સંજોગોમાં કેન્દ્ર દરમિયાન કરી શકે, કેમ કે તેના કાયદાના પાલનમાં અવરોધ કે વિપરિત સ્થિતિ કશી પેદા થવી જોઈએ નહિ.

કલમ 258

કલમ 258 (2) પ્રમાણે કેન્દ્ર સરકારે પસાર કરેલો કાયદો રાજ્ય સરકાર બજાવે તે માટે તેને ફરજ પાડી શકાય છે અથવા સારી ભાષામાં ‘ફરજ સોંપી શકાય’ છે. રાજ્ય દલીલ કરે કે અમુક પ્રકારની કાર્યવાહી કરવાની, વહિવટ કરવાની, પ્રક્રિયા કરવાની ફરજ તેના કાર્યક્ષેત્રમાં આવતી નથી, પણ તે સંજોગોમાં કેન્દ્ર રાજ્યને તેવી ફરજ બજાવણીની જવાબદારી સોંપી શકે છે.

આ કલમમાં જણાવાયું કે રાજ્ય વિધાનસભાને જે વિષયમાં કાયદો પસાર કરવાની, સત્તા સોંપવાની, ફરજ સોંપવાની, સત્તા સોંપણી કે ફરજ બજવણી માટે કોઈને અધિકાર આપવાની, અધિકારીઓને હુકમો કરવાની સત્તા ના હોય તેવા વિષયનો સંસદનો કાયદો પણ લાગુ પડે છે.

આ જ કલમમાં એવી જોગવાઈ છે કે આવી ફરજ રાજ્યને પાડવામાં આવે ત્યારે રાજ્યને ખર્ચનું વળતર આપી શકાય છે. દાખલા તરીકે પડોશી દેશ સાથેની સરહદે કોઈ કામગીરી કરવાની હોય ત્યારે રાજ્ય સરકારે સંરક્ષણ તેનો વિષય ના હોવા છતાં કરવી પડે; તે માટેનો ખર્ચ કેન્દ્ર પાસે માગી શકે એટલું ખરું.

 

આવા કોઈ વિષયમાં સૂચના છતાં રાજ્ય સરકાર કામ ના કરે ત્યારે આ કલમની સાથે કલમ 256 અને 257 પ્રમાણે પણ કેન્દ્ર સરકાર રાજ્યને પાલન માટે સૂચના આપી શકે છે.

ધારી લો કે વિષય બહારની બજવણી કલમ 258 હેઠળ રાજ્ય સરકારે ના કરી, ત્યાર બાદ કેન્દ્ર સરકારે 256 અને 257 પ્રમાણે સૂચના આપી. આમ છતાં પાલન ના થયું તો? બંધારણના ઘડવૈયાઓએ કેવી સ્થિતિ ઊભી થઈ શકે તેની કલ્પના કરી હતી. કેટલીક કલ્પનાઓ તેઓ કરી શક્યા નહોતા, જે આજના યુગના સંદર્ભમાં ઊભી થઈ છે, પરંતુ મોટા ભાગે શું થઈ શકે તે વિશે ઘડવૈયાઓએ વિષદ વિચારણા કરી જ હતી.

તેથી ઉપરની ત્રણ કલમો પ્રમાણે કેન્દ્ર સરકારનું કામ ના ચાલે, ત્યારે તેને આગળની કાર્યવાહી કરવા અને રાજ્યોની ઉપરવટ, રાજ્ય સરકારોને હટાવવા સુધીની સત્તા કલમ 355 અને 356માં આપવામાં આવી હતી.

કલમ 355

કલમ 355 સરળ છે અને તેની ચર્ચા ઓછી થાય છે, વધારે ચર્ચા આપણે કલમ 356 પ્રમાણે કરતા હોઈએ છીએ, કેમ કે તેના હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે.

કલમ 355 હેઠળ કેન્દ્ર સરકારની ફરજ બને છે કે તેણે બંધારણની જોગવાઈઓનું પાલન બધા જ રાજ્યોમાં થતું રહે તેની ફરજ બજાવવી. બધા રાજ્યોમાં બંધારણની જોગવાઈ પ્રમાણે જ રાજ્ય સરકારો ચાલતી રહે તે જોવાની કેન્દ્ર સરકારની જવાબદારી છે.

રાષ્ટ્રપતિ શાસન લાગતા પહેલાં કેન્દ્ર સરકાર આ કલમ હેઠળ રાજ્ય સરકારોને ચેતવણી આપે છે. બંધારણની જોગવાઈ પ્રમાણે સરકાર ચાલતી નથી અને સરકાર તે રીતે ચાલે તે જોવાની અમારી ફરજ હોવાથી અમે તમને યોગ્ય માર્ગે વળવા જણાવીએ છીએ એવું કેન્દ્ર કહી શકે છે. CAA, NPR અને NRC વગેરેના મુદ્દે પણ કેન્દ્ર સરકાર આવી ચેતવણી રાજ્ય સરકારને આપી શકે છે. ચેતવણી પછીય પાલના ના થાય ત્યારે કેન્દ્ર સરકારના વડા રાષ્ટ્રપતિના પ્રતિનિધિ રાજ્યપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ રાષ્ટ્રપતિને કરી શકાય છે.

કલમ 356

આ કલમ પ્રમાણે ચૂંટાયેલી રાજ્ય સરકારને હટાવી શકવાની સત્તા કેન્દ્ર સરકારને મળે છે. ભૂતકાળમાં તેનો બહુ દૂરુપયોગ થયો છે. કોંગ્રેસમાં કેન્દ્રનું એકહથ્થુ શાસન હતું ત્યારે રાજ્યમાં વિપક્ષની સરકાર આવે ત્યારે નાનકડા બહાને તેને ઉથલાવી નાખવામાં આવતી હતી. તે પછી આ મુદ્દો બહુ વિવાદાસ્પદ બન્યો હતો અને સરકારિયા પંચ પણ બેસાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું ત્યારે ચુકાદો આપીને સુપ્રીમ કોર્ટે કેટલીક માર્ગદર્શિકા પણ આપી હતી.

તે પછી રાષ્ટ્રપતિ શાસન લગાવવું સહેલું નથી. અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડના કિસ્સામાં થયું હતું તેમ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન હટાવવાના પણ આદેશ આપ્યા હતા.

પરંતુ કલમ 355 અને 356 સાથે ઉપર જણાવેલી અન્ય ત્રણ કલમો સાથે કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવી પડે.

ધારાશાસ્ત્રીઓ એક નોંધપાત્ર બાબત તરફ ધ્યાન દોરી રહ્યા છે કે રાજ્ય સરકાર બરાબર કામગીરી ના બજાવે ત્યારે તેને હટાવવા માટેની જોગવાઈ અને પ્રોસેસ છે, પણ બરાબર કામ ના કરતી કેન્દ્ર સરકારને રાજ્યો સરકારો ભેગી થઈને પણ હટાવી શકે નહિ. કેન્દ્રની સરકાર બંધારણનો ભંગ કરે તો પણ રાજ્ય સરકારો ઠરાવ કરીને તેને હટાવી શકે નહિ. ઇન્દિરા ગાંધીએ કટોકટી પણ લગાવી દીધી હતી અને તે ત્યારે દૂર થઈ જ્યારે તેમની સરકારે જાતે જ ચૂંટણી આપી અને ચૂંટણીમાં તેમની હાર થઈ. કટોકટી લાંબી ચાલી હોત તો કેવી રીતે દૂર થઈ હોત તે પણ સવાલ છે.

બંધારણના ઘડવૈયા આઝાદ થઈ રહેલા ભારતમાં કેન્દ્ર સરકાર મજબૂત અને સ્થિર બને તેમ ઇચ્છતા હતા. તેથી કલમ 356 પ્રમાણે રાજ્ય સરકારે સામે કામગીરી થઈ શકે, પણ કેન્દ્ર સરકાર સામે કામગીરી માટેની કોઈ કલમ નથી. કેન્દ્ર સરકાર બહુમતી ગુમાવે ત્યારે જ સરકાર પડી ભાંગે, પણ તેના માટે વિપક્ષ પાસે સામી બહુમતી હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ અને કટોકટી લાગુ પડેલી ના હોવી જોઈએ.

આગળ જતા હવે કેન્દ્ર સરકાર અને વિપક્ષની સત્તા છે તે રાજ્ય સરકારો વચ્ચે કેવી ખેંચતાણ થાય છે તે જોવાનું રહે છે. જોકે ઝારખંડ પછી દિલ્હીના અને આ વર્ષના અંતે બિહારના પરિણામો અને તે પછી આવતા વર્ષની શરૂઆતમાં પશ્ચિમ બંગાળના પરિણામો દેશનું આગળનું રાજકારણ નક્કી કરનારા પણ બનશે. તેથી બંધારણીય મુદ્દા સાથે રાજકીય મુદ્દાઓની પણ ચર્ચા થતી રહેશે. પરંતુ વિપક્ષે બંધારણીય મુદ્દાઓ સાથે રાજકીય મુદ્દાઓ પર પણ લડાઈ આપવાની રહેશે અને મજબૂત ટક્કર આપવાની રહેશે તે વિપક્ષે ખાસ તો સમજવાનું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]