ગુજરાતમાં ત્રણ પાટનગર બની શકે ખરા?

ગુજરાતમાં ચાર નગરો મુખ્ય ગણાય છે, પણ તેમાંનું એક વડોદરા થોડું સુસ્ત થયું હોય તેવું લાગે છે. તેથી અમદાવાદ, સુરત અને રાજકોટ ત્રણ મુખ્ય નગરો બન્યાની છાપ ઉપસશે. તેમાંય સુરત બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. વેપારમાં, વસતિમાં, વૈવિધ્યમાં, સુધારામાં, સ્વચ્છતામાં સુરત બીજા શહેરોથી આગળ વધીને રાષ્ટ્રીય શહેરો સાથે અને કેટલાક કિસ્સામાં વિશ્વના નગરો સાથે સ્પર્ધા કરે છે. જેમ કે વિશ્વના હિરા પ્રોસેસિંગમાં 10માંથી 7 સુરતમાં પ્રોસેસ થાય છે.

બીજી બાજુ મહેસાણા, ગાંધીધામ, જામનગર, ભાવનગર અને ઉંઝા તથા મોરબી વગેરે પણ અગત્યના શહેરો તરીકે સ્પર્ધામાં આવી શકે ખરા, પણ એવી કલ્પના કરો કે રાજ્યમાં ત્રણ રાજધાની રાખવાની હોય તો અમદાવાદ, સુરત અને રાજકોટ ત્રણની જ આપોઆપ પસંદગી થાય તેવી મારી વાત સાથે તમે સહમત થશો. વડોદરા અને મહેસાણા અમદાવાદની ઘણી નજીક હોવાનો ગેરફાયદો પણ થાય.

પણ ત્રણ પાટનગરની ચર્ચા શા માટે? પાટનગર તો એક જ હોય. ના, જરૂરી નથી. એકથી વધુ પાટનગર ધરાવતા બે રાજ્યો તમને તરત યાદ આવવા જોઈએ. અત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર નાગપુરમાં ચાલી રહ્યું છે. નાગપુર શિયાળુ સત્ર 2019માં બીજા દિવસે શરૂઆતથી જ ખેડૂતોના મુદ્દે ભારે ધમાલ થઈ હતી. એ જ રીતે અત્યારે જમ્મુ અને કાશ્મીરનું સરકારી તંત્ર જમ્મુમાં આવી ગયું છે. જમ્મુ રાજ્યની શિયાળુ રાજધાની છે, તે જાણીતી વાત છે. વિભાજન પછી તે હવે કેન્દ્રશાસિત રાજ્ય છે અને વિધાનસભાની રચના થવાની બાકી છે, પણ સરકારી તંત્ર શ્રીનગર અને જમ્મુ વચ્ચે ઋતુ પ્રમાણે કામ કરતા રહેશે.

આ દરમિયાન હૈદરાબાદમાં આંધ્ર પ્રદેશની સરકારના મુખ્યમંત્રી જગનમોહને જાહેરાત કરી કે તેઓ એકના બદલે ત્રણ પાટનગરની રચના કરવા માટે વિચારી રહ્યા છે. યોગાનુયોગ એ છે કે હૈદરાબાદ અત્યારે બે રાજ્યોની રાજધાની છે – આંધ્ર પ્રદેશ ઉપરાંત તેલંગાણાની. આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણા જૂદું રાજ્ય બન્યું છે, પણ રાજધાની હૈદરાબાદ તેની પાસે રહી છે એટલે જૂના રાજ્ય આંધ્રે નવી રાજધાની વિકસાવાની છે.

અમરાવતી એવા નામે નવી રાજધાની બનવાનું કામ ચાલી જ રહ્યું હતું, પણ ચંદ્રાબાબુ નાયડુને હરાવીને જગનમોહન મુખ્યમંત્રી બન્યા પછી તે કામ અટકી પડ્યું છે. એક લાખ કરોડ રૂપિયાના જંગી ખર્ચે આધુનિક નગરી બનાવવા માટેનું કામ શરૂ થઈ ગયું હતું, પણ નાયડુએ તેમાં જંગી ભ્રષ્ટાચાર કર્યો છે એમ કહીને કામ અટકાવી દેવાયું છે. તેથી વર્લ્ડ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક પણ જંગી લોન આપવાની હતી તે પણ અટક્યું છે.

પણ જગનમોહને જાહેરાત કરી કે અમરાવતી ઉપરાંત ઓલરેડી વિકસિત વિશાખાપટ્ટનમ નગર છે તેને અને કૂર્નુલને પણ રાજધાની તરીકે વિકસાવી શકાય છે. અમરાવતીમાં વિધાનસભા બેસશે, વહિવટીતંત્ર વિશાખાપટ્ટનમાંથી કામ કરશે અને કૂર્નુલમાં ન્યાયતંત્ર રહેશે તેવી વાત તેમણે કરી છે.

લોકોની ઇચ્છા અને આકાંક્ષાને ધ્યાનમાં રાખીને આવું કરવા વિચારી શકાય છે તેમ જગનમોહને કહ્યું, પણ આવી વાતમાં લોકોની ઇચ્છા કરતાં શાસકોના તુક્કા વધારે ચાલતા હોય છે. આના માટે ભારતમાં જૂનું તુઘલઘનું ઉદાહરણ અપાતું હોય છે. ગાંડિયા શાસકોના આવા ઘેલા વિચારોને તુઘલઘી તુક્કા કહેવામાં આવે છે. તુઘલઘ દિલ્હીનો બાદશાહ બન્યો પછી તેને થયું કે અહીંથી દક્ષિણ ભારત બહુ દૂર પડે છે. તેણે વિચાર્યું કે મધ્યમાં રાજધાની હોવી જોઈએ. તેથી તુઘલઘાબાદ નામની રાજધાની બનાવી દિલ્હીથી સૌને ત્યાં હિજરત કરાવવી પડી હતી. તેમાં ખજાનો ખાલી થઈ ગયો અને સત્તા પણ ગુમાવવી પડી.

વહીવટીતંત્રનું વિકેન્દ્રીકરણ કરવું જરૂરી છે, પણ તેના માટે ત્રણ ત્રણ પાટનગર બનાવવા જરૂરી ખરા? આવો સવાલ પૂછાવાનો. જગનમોહનને પણ ખ્યાલ છે કે આવો સવાલ પૂછાવાનો એટલે તેમણે કહ્યું છે કે આ માત્ર વિચાર છે અને તેના પર વિચાર કરવામાં આવશે. નિષ્ણાતોને પૂછવામાં આવશે, જનમત જાણવામાં આવશે અને રાબેતા મુજબ સમિતિ બેસાડવામાં આવશે.

સમિતિ બેસાડી પણ દેવાઈ છે અને કેપિટલ રિજન માટેનો અહેવાલ તેમની પાસેથી આવવાનો બાકી છે. ગત નવેમ્બર મહિનામાં નિવૃત્ત આઇએએસ ઓફિસર નાગેશ્વર રાવની અધ્યક્ષતામાં ત્રણ અલગ અલગ પાટનગર રાખી શકાય ખરા તેના માટે વિચાર કરવા સમિતિ બેસાડાઈ છે. સમિતિ પછી કન્સ્ટલન્સી ફર્મ પાસેથી પણ અભિપ્રાય માગવામાં આવશે અને વિચાર કર્યા પછી જ નિર્ણય લેવાશે એવું કહીને જગનમોહને વાત હાલ ઠંડી પાડી છે.

તેમણે દાખલો આપ્યો કે દક્ષિણ આફ્રિકામાં ત્રણ રાજધાની છે. તેને ધ્યાનમાં રાખીને અને વિકેન્દ્રીકરણ માટે આપણે પરિવર્તન માટે તૈયાર રહેવું જોઈએ એમ તેમણે કહ્યું.

ગુજરાતમાં વિકેન્દ્રીકરણ કરવાની વાત આવે તો ત્રણ પાટનગર માટે અમદાવાદ-ગાંધીનગર, સુરત અને રાજકોટની વાત આવે. તેના કારણે પ્રથમ તો એ ચર્ચા થવાની કે અમદાવાદ હતું જ છતાં ગાંધીનગરમાં અલગ પાટનગર બનાવાયું. હવે ઢંગધડા વિનાનું આયોજન જુઓ કે બંને નગર એકબીજાને અડવા આવ્યા છે. આ બાજુ સાણંદમાં પણ ઉદ્યોગો નાખીને તેને પણ વિકસાવાયું છે. પેલી તરફ મહેમદાવાદ-નડિયાદ-આણંદ અને આ બાજુ કડી-કલોલ-મહેસાણા એકબીજાને કોણીઓ મારવા લાગ્યા છે.

આને કેવી રીતે વિકેન્દ્રીકરણ કહેવાય? આયોજન શબ્દ સૌથી વધારે નેતાઓ વાપરતા હોય છે અને આયોજનનો ‘અ’ પણ કદી સરકારી કામમાં દેખાયો તો દેખાડો? કેશુભાઈની સરકાર હતી ત્યારે ગાંધીનગરના પાદરે ઊભેલા 68 હજાર વૃક્ષોનો ખાતમો બોલાવીને ત્યાં ઇન્ફોસિટી બનાવવાની જાહેરાત થઈ હતી. ઇન્ફોસિટીમાં યુવાનોને રોજગારી મળવાને બદલે ત્યાં નકરી દુકાનો અને ઓફિસ બની ગઈ છે. ગાંધીનગર હરિયાળી અને રળિયામણી રાજધાની હતી તેને વર્ષો જતા સિમેન્ટ કોન્ક્રિટની ગંદી નગરી બનાવી દેવાઈ છે.

વિકેન્દ્રીકરણ આ રીતે ના થાય. ત્રણ ત્રણ રાજધાનીના બદલે કામગીરી અને સરકારી વિભાગોને વહેંચી દેવામાં આવે તો વિકેન્દ્રીકરણ થાય. ઇન્ફોસિટી કે કમર્શિયલ એક્ટિવિટી માટે બની રહેલું ફાઇનાન્સ સેન્ટર બીજે બનાવી શકાયું હોત. હાઇ કોર્ટની બેન્ચ સુરત અને રાજકોટમાં રાખવી જોઈએ. વનવિભાગ જૂનાગઢમાં હોવો જોઈએ અને પશુપાલન વિભાગ ચરોતરમાં હોવો જોઈએ. કૃષિ અને એગ્રો ઇન્ડસ્ટ્રીનો વિભાગ મહેસાણામાં હોવો જોઈએ. ટ્રેડિંગના કેન્દ્રો સુરત અને નવસારીમાં હોય. નિકાસના કેન્દ્રો ગાંધીધામ અને મુંદ્રામાં હોય. કેમિકલ માટેનું મુખ્ય વહિવટીતંત્ર વાપી-વલસાડમાં હોય. શિક્ષણ, સાંસ્કૃતિક અને રમતગમતનું કેન્દ્ર વડોદરામાં હોય. મત્સ્યોદ્યોગ માટે પોરબંદર કે વેરાવળ હોઈ શકે. એક પણ નિગમની ઓફિસ ગાંધીનગર કે અમદાવાદમાં રાખવાના બદલે જુદા જુદા જિલ્લામથકે હોય તો વિકેન્દ્રીકરણ થયું કહેવાય.

સંદેશ વ્યવહારની ક્રાંતિ થઈ છે અને થોડા આયોજન સાથે વાહન વ્યવહારની ક્રાંતિ પણ થઈ શકે. તેવું થાય ત્યારે બધા જ વહિવટદારોએ ગાંધીનગરમાં બેસવાની જરૂર ના પડે. વિધાનસભા અને મહેસુલ તથા પોલીસ સહિતનું ટોચનું થોડું વહિવટીતંત્ર ગાંધીનગરમાં બેસે, બાકી બધા વિભાગોના સચિવાલય જુદા જુદા નગરોમાં બેસે તો વહિવટ ઉલટાનો સુધરશે. તે સંજોગોમાં ત્રણ પાટનગરને બદલે ત્રીજી રીતે વિચારવાની જરૂર છે એમ તમે વિચારો છો ખરા? કે પછી આ પણ તુઘલઘી તુક્કા જ કહેવાય…