બજેટ અર્થતંત્રને વધુ વેગવાન બનાવશે: દેવેન ચોકસી

ગુરુવારે લોકસભામાં રજૂ થયેલું બજેટ ઈન્ટરિમ હોવાછતા તેની માટે ઘણું કહેવા-સમજવા જેવું છે. એક કરોડ સોલર રૂફ ટોપથી વીજળીના ખર્ચમાં વર્ષે રૂ.21000 કરોડની બચત થશે. આ જે બચત થશે તેના ઉપયોગને પગલે અર્થતંત્રમાં વપરાશ વધશે, એટલે કે આવાસ, ઓટો, ઘરવપરાશની ચીજો, વ્યક્તિગત વપરાશની ચીજો અને અન્ય માલોની માગ વધશે. કંઝ્મ્પશન વધવાને કારણે સરકારની જીએસટીની આવકમાં 2500-3000 કરોડ રૂપિયાનો વધારો થશે.

આગામી પાંચ વર્ષમાં પાંચ કરોડ આવાસ બાંધવાને પગલે આશરે 150 ઉદ્યોગોની માગ વધવાને કારણે પણ આવક વધશે. રૂ.11.11 લાખ કરોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવવામાં આવશે, એથી એન્જિનિયરિંગ, કોમોડિટીઝ સર્વિસીસ ક્ષેત્ર, કેપિટલ ગુડ્સ ક્ષેત્રે માગ વધશે. રેલવે પાછળ રૂ.2.5 લાખ કરોડ ખર્ચવામાં આવશે,જેથી રેલવે સંબંધિત સંખ્યાબંધ ઉદ્યોગોને વેગ મળશે.

રિન્યુએબલ ગ્રીન એનર્જી હાઈડ્રોજન પેદા કરવા માટેના ઈલેક્ટ્રોલાઈઝરની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે, જેને કારણે દેશનું અર્થતંત્ર સ્થાનિક તેમ જ વૈશ્વિક સ્તરે અધિક સ્પર્ધાત્મક બની રહેશે. સરકાર નાણાકીય ખાધ અને ઋણને સીમિત રાખશે એટલે વ્યાજખર્ચની બચત થશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. આ ઉપરાંત સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે કરેલી સંખ્યાબંધ ઘોષણાઓ નિઃશંક અર્થતંત્રને વેગ આપશે.

દેવેન ચોકસી

(એમડી, ડીઆર ચોકસી ફિનસર્વ પ્રા.લિ.)