પરફેક્ટ ફિટિંગ જેવો વિષય, પણ…

ગયા વર્ષે કુટુંબનિયોજનના વિષય પર ‘હેલમેટ’ જેવી કોમેડી બનાવનારા ડિરેક્ટર સતરામ રામાની હવે ‘ડબલ એક્સએલ’ લઈને આવ્યા છે, જેમાં એમણે મેદસ્વી મહિલાની કરમકહાણીને હાથ ધરી છે.

મુદસ્સર અઝીઝની પટકથા રાજશ્રી (હુમા કુરેશી) અને સાયરા (સોનાક્ષી સિંહા)ની આસપાસ ફરે છે. ફિલ્મ ઓપન થાય છે રાજશ્રીના સપનાથી. મેરઠમાં વસતી રાજશ્રી ક્રિકેટ-કમેન્ટેટર બનવાનાં અરમાન રાખે છે. એ સપનું એવું જોઈ રહી છે કે પોતે શિખર ધવન સાથે ડાન્સ કરી રહી છે, પણ એની મા, દેશનાં લાખો મિડલ ક્લાસ ઘરની મમ્મીની જેમ એનું સપનું તોડે છેઃ ક્યાં સુધી ઘોર્યા કરવું છે, લગન કરવા જેવડી થઈ ગઈ ગઈ, વગેરે. શરીરમાં ભરાવદાર રાજશ્રીને ડગલે ને પગલે એની સ્થૂળ કાયા માટે મહેણાંટોણાં સાંભળવા પડે છે: અરે આજકાલ બહુ હેલ્ધી થઈ ગઈ છો- જરીક કન્ટ્રોલ કર.

આ તરફ દિલ્હીનિવાસી  સાયરા (સોનાક્ષી સિંહા)ની પણ આ જ મુશ્કેલી છે. એને ફૅશન ડિઝાઈનર બનવું છે, પણ એનેય લોકો જાડી કહીને ટોણા મારે છે. ટૂંકમાં ડબલ એક્સએલ સાઈઝ માટે એમને ડગલે ને પગલે શર્મિંદગી અનુભવવી પડે છે. રાજશ્રી અને સાયરા ભેગી થાય છે અને નક્કી કરે છે કે આપણને શરમમાં નાખનારાઓને જ શર્મિંદગી અનુભવતા કરી દઈએ, સમાજમાં સદીઓથી ચાલ્યા આવતા સ્ત્રીની કાયા વિશેના ભ્રમ ભાંગીએ, નોકરી-વ્યવસાયમાં આવડતને બદલે શરીરસૌષ્ઠવને આપવામાં આવતા પ્રાધાન્યને પડકારીએ… આત્મખોજનો આ પ્રયાસ બન્નેને (અને પ્રેક્ષકને) લંડન લઈ જાય છે. રાણીના (હવે રાજાના) દેશમાં બન્નેની મુલાકાત જોરાવર (ઝહીર ઈકબાલ, જેણે નૂતનની પૌત્રી પ્રનૂતન સાથે ‘નોટબુક’ ફિલ્મથી સિનેમાપ્રવેશ પ્રવેશ કરેલો) અને શ્રીકાંત (તમિળ ઍક્ટર મહાત રાઘવેન્દ્ર) સાથે થાય છે.

લેખક-દિગ્દર્શકને સોમાંથી સો માર્ક્સ આપવા પડે વિષયની પસંદગી અને એને પ્રામાણિકતાપૂર્વક વળગી રહેવા માટે. પરંતુ વિષયની માવજત પરીકથા જેવી લાગી. ફિલ્મની મને ન ગમેલી વાતોમાં આત્મસમ્માન વિશેના સતત ભણાવવામાં આવતા પાઠ, પ્રવચન અને વધુપડતા લાગણીવેડા. તથા તમામ વર્ગના પ્રેક્ષકને રીઝવવાની મથામણમાં ઘુસાડવામાં આવેલા અમુક નાટકીયવેડા. ડિટેલ આપવામાં સ્પોઈલરનો ભય છે એટલે એ વિશે ઝાઝું નથી લખતો. જો કે એક પ્રયોગ મને ગમ્યો. ફિલ્મમાં એક સોંગ છે, જે તમિળિયન ઍક્ટર (મહાત) તમિળમાં ગાય છે અને બીજો, હિંદીમાં.

અભિનયમાં મને હુમા વધારે ગમી. નાનાં નગરની મહત્વાકાંક્ષી, જ્ઞાની લડકીની ભૂમિકા એણે સ-રસ ભજવી છે. નગર (મેરઠ)ની બોલી પણ એણે બરાબર પકડી છે.સોનાક્ષી સ્ટ્રિક્ટલી ઓકે. ફિલ્મના અમુક સંવાદ સ્પર્શી એટલે જ ટચી છે. “જ્યાં સુધી બીજા કોઈનાં દુઃખ ન જોઈએ ત્યાં સુધી આપણું દુઃખ જ મોટું લાગે છે-“ સરખાવો રાજેશ ખન્ના-સ્મિતા પાટીલની ફિલ્મ ‘અમ્રીત’નું આ ગીતઃ “દુનિયા મેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ.” બીજો એક ડાયલૉગ છેઃ “આ દુનિયા ઓવરસાઈઝ્ડ (ડબલ એક્સએલ) ઝભ્ભાની પાછળ પણ ચરબીના થર શોધી લે છે.”

‘ડબલ એક્સ એક્સએલ’ ખરાબ ફિલ્મ નથી. મહિલાઓમાં શરીરને કારણે અનુભવાતી અસલામતી તરફ કોઈ સર્જકનું ધ્યાન ગયું એ જ મોટી વાત છે. જો કે ક્યાંક ક્યાંક ઢીલી, ધીમી પડે છે, પણ ઓક્કે. સર્જકે જે પીરસ્ચું એનાથી તમારે સંતોષ માની લેવાનો. ઝાઝી અપેક્ષા રાખ્યા વિના જોવા જશો તો સાવ નિરાશ નહીં થાઓ.