‘આપ’ પાર્ટીના CMપદના ઉમેદવાર ઇસુદાન ગઢવીઃ કેજરીવાલ

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાજ્યના CM ચહેરાનું એલાન કરી દીધું છે. કેજરીવાલે ઇસુદાન ગઢવીને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા છે. કેજરીવાલે 29 ઓક્ટોબરે સુરતમાં પત્રકાર પરિષદમાં લોકોને સવાલ કર્યો હતો કે તેઓ મુખ્ય પ્રધાનપદે કોને જોવા ઇચ્છે છે?

રાજ્યમાં આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાનપદના ચહેરા માટે પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા, કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને મનોજ કથિરિયાનું નામ ચર્ચામાં હતું., પણ કેજરીવાલે જનતાએ આપેલા જવાબને આધારે ભૂતપૂર્વ પત્રકાર ઇશુદાન ગઢવીના નામની ઘોષણા કરી છે. ઇશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી છે. કેજરીવાલે જણાવ્યું હતું કે રાજ્યના 16.48 લાખ લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. જેમાં 73 ટકા લોકોએ ગઢવીના નામ પર મહોર મારી હતી. એટલે હવે પાર્ટીના મુખ્ય પ્રધાનપદનો ચહેરો ગઢવી જ હશે.

ઇસુદાન ગઢવી રાજકારણમાં આવતાં પહેલાં પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. પહેલી જૂન, 2021એ ઇસુદાન ગઢવી ન્યુઝ ચેનલના એડિટરપદેથી રાજીનામું આપ્યા બાદ 14 જૂન, 2021એ તેઓ AAPમાં જોડાયા હતા. ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેમને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે કેજરીવાલે કહ્યું હતું કે, ‘ઈસુદાન ગુજરાતના કેજરીવાલ છે.’

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ આજથી પાંચ દિવસ ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે.ચાર દિવસમાં તેઓ રાજ્યમાં 11 રોડ શો કરશે. પાંચ નવેમ્બરે ગાંધીધામ અને અંજારમાં રોડ શો, છઠ્ઠી નવેમ્બરે વાંકાનેર, ચોટીલા અને રાજકોટ પૂર્વમાં રોડ શો છે. આ સાથે સાતમી નવેમ્બરે રાજકોટ ગ્રામ્ય, કાલાવડ અને જેતપુરમાં રોડ શો અને આઠમી નવેમ્બરે જૂનાગઢ, કેશોદ અને માંગરોળમાં રોડ શો કરશે.