ભાજપનો ‘આપ’ પર રૂ. 3000 કરોડનો ભ્રષ્ટાચાર કરવાનો આરોપ

નવી દિલ્હીઃ ભાજપે દિલ્હીની કેજરીવાલ સરકાર પર ખોટા બાંધકામ મજૂરોનાં રજિસ્ટ્રેશન કરવાનો અને તેમના માટે ફાળવેલાં નાણાંની હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે આ નાણાંનો ઉપયોગ આમ આદમી પાર્ટીથી સંબંધિત કામોમાં કરવામાં આવ્યો હતો.

ભાજપના દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારીની સાથે સંયુક્ત રૂપે એક પત્રકાર પરિષદને સંબોધિત કરતાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની નિયતમાં જ ખોટ છે. તેમણે બાંધકામ મજૂરોથી સંબંધિત એને દેશનો સૌથી મોટો ભ્રષ્ટાચારનો મામલો જણાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે બાંધકામ શ્રમિકો માટે કામ કરતા ત્રણ બિનસરકારી સંગઠનો (NGO)એ ગેરરીતિના માધ્યમથી તેમનાં રજિસ્ટ્રેશનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી સરકારે ખોટા બાંધકામ મજૂરો માટે રૂ. 3000 કરોડ જારી કર્યા છે. સંબંધિત આંકડાઓ વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે 2006થી 2021ની વચ્ચે દિલ્હી સરકાર શ્રમ વિભાગ હેઠળ 13 લાખથી વધુ બાંધકામના શ્રમિક નોંધ્યા હતા, જેમાંથી નવ લાખથી વધુ વર્ષ 2018થી 2021ની વચ્ચે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે આ તપાસમાં દિલ્હીમાં બે લાખ ખોટાં રજિસ્ટ્રેશનનો ખુલાસો થયો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે 65,000 શ્રમિકોની પાસે એક જ મોબાઇલ નંબર હતો, જ્યારે 15,700ની પાસે દિલ્હીમાં એક જ નિવાસસ્થાનનું સરનામું હતું અને બાકીના 4370ના એક જ કાયમી સરનામાં હતાં. એક જ હંગામી અથવા સ્થાયી સરનામું આપવાવાળા કોઈ પણ શ્રમિક એકમેકથી જોડાયેલા નહોતા, એમ તેમણે જણાવ્યું હતું.