વિશ્વ કોશ દ્વારા જેબલિયાની ‘સ્મરણ વંદનાર્થે’ પરિસંવાદનું આયોજન

અમદાવાદઃ ગુજરાત વિશ્વકોશ અને સાવરકુંડલા સ્થિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્રના સર્જક નાનાભાઈ હ. જેબલિયાની સ્મરણ-વંદનાના અવસરે પાંચમી નવેમ્બરે એક પરિસંવાદ ‘ટહુકો સાજણ સાંભરે…’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદના અધ્યક્ષસ્થાને પદ્મશ્રી કુમારપાળ દેસાઈ રહેશે, જ્યારે આ પરિસંવાદના મુખ્ય મહેમાન રજનીકુમાર પંડ્યા ઉપસ્થિત રહેશે.  

નાનાભાઈ હ. જેબલિયાનું ગદ્ય ગુજરાતી સાહિત્યમાં કવિતા સિવાય તમામ સાહિત્યિક સ્વરૂપમાં નિખર્યું છે, જેમાં ટૂંકી વાર્તા, નવલકથા, સત્યકથા અને કટાર લેખન છે. તેમણે 13 જેટલી નવલકથાઓ લખી છે. તેઓ ‘નામે નાના પણ કામે જેબદાર લેખક’ હતા.

આ પરિસંવાદ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે રતીલાલ બોરીસાગર, દલપત પઢિયાર, હરેશ મહેતા,  શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના ડો. એન. કે. માનસેતા અને ગુર્જર પ્રકાશનના મનુભાઈ શાહ ઉપસ્થિત રહેશે. આ પરિસંવાદમાં કિરીટ દુધાત, કેસર મકવાણા, અરવિંદ બારોટ વક્તવ્ય આપશે. આ કાર્યક્રમનું સંચાલન ભિખેશ ભટ્ટ દ્વારા કરવામાં આવશે અને કાર્યક્રમના અંતે આભારવિધિ રાજુભાઈ જેબલિયા કરશે.

આ પરિસંવાદ કાર્યક્રમ પાંચ નવેમ્બરે સાથે 5.30 કલાકે વિશ્વકોશ ભવન, 51/2, રમેશ પાર્કની બાજુમાં બંધુ સમાજ સોસાયટીની સામે વિશ્વકોશ માર્ગ ઉસ્માનપુરા ખાતે યોજવામાં આવશે.