સક્રિય રાજકારણના અખાડામાં ઊતરેલો એક નવો સવો ખેલાડી પોતાની સામે થતા જાતજાતના આક્ષેપથી મૂંઝાઈને એક દિવસ ઘરભેગા થઈ જવાનો નિર્ણય કરે છે ત્યારે એની પાર્ટીનો એક ખંધો રાજકારણી એને કહે છેઃ “રાજકારણમાં આક્ષેપનું તો અટક જેવું છે… ગમે કે ન ગમે, નામની પાછળ લાગી જ જતા હોય છે”!
આઠ મહિનાના વિરામ બાદ થિયેટરમાં જઈને ફિલ્મ જોવા જવાનો એક્સપિરિયન્સ ઓવરઑલ આહલાદક રહ્યો. ફિલ્મ હતી ‘યુવા સરકારઃ એક વિચાર’. રાજકોટ અને અમદાવાદ પછી ગયા બુધવારે, એટલે કે 18 નવેમ્બરે, મુંબઈમાં એનો પ્રીમિયર યોજાઈ ગયો. કોરોના મહામારીથી દુનિયા આખી ઍનાકોન્ડા-ભરડામાં સપડાઈ અને દેશભરને તાળાં મારી દેવામાં આવ્યા એ પછી 13 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ ભારતની કોઈપણ ભાષાની પહેલી ફિલ્મ બની છે.
હા, ‘યુવા સરકાર’ રિલીઝ થઇ એના બે દિવસ બાદ 15 નવેમ્બરે અભિષેક શર્મા (‘તેરે બિન લાદેન, પરમાણૂ’)ની ‘સૂરજ પે મંગલ ભારી’ રિલીઝ થઈ એની નોંધ ય લઇએ.
ઓક્કે. ‘યુવા સરકાર’…ની વાર્તાના કેન્દ્રમાં છે યુવાન, સિદ્ધાંતવાદી શિક્ષક આદિત્ય શુક્લા (હર્ષલ માંકડ ‘હેયાન’). વર્ષો પહેલાં એ જ સ્કૂલ સાથે સંકળાયેલા અને હાલ નિવૃત્ત ગુરુજી (મેહુલ બૂચ)ને આદિત્ય પોતાના આદર્શ માને છે. એક દિવસ ગુરુજી આદિત્યને એક શૈક્ષણિક સંસ્થામાં લેક્ચર આપવા મોકલે છે. ટોક-વિધિન-ટોકમાં સંજોગ એવા સર્જાય છે
કે આદિત્યને સક્રિય રાજકારણમાં આવવું પડે છે અને…
ફિલ્મની વાર્તા લખી છે આદિત્યનું મુખ્ય પાત્ર ભજવતા હર્ષલ માંકડ ‘હેયાને’. જ્યારે દિગ્દર્શન જન્મજાત નાટ્યકાર રક્ષિત વસાવડાનું છે. કોઈપણ સિનેમા સર્જનની પહેલી શરત એ છે કે એ ફિલ્મ જેવી લાગવી જોઈએ. તો આરંભથી અંત સુધી કોઈપણ જાતના દેખાડા વિના બનેલી ‘યુવા સરકાર’… ફિલ્મ જેવી લાગે છે.
બીજું, આ કંઈ ગ્રેટ ફિલ્મ નથી કે સર્જકોનો એવો દાવો પણ નથી. હા, એક સારા આશય સાથે, પ્રામાણિક પ્રયાસથી, ગુજરાતી ચલચિત્રના પટ પર કંઈ નવું કરવાની ઊર્જાથી સર્જાયેલી ફિલ્મ છે. આ માટે 100માંથી 100 માર્ક્સ.
અભિનયની વાત કરીએ તો, મુખ્ય પાત્ર ભજવતા હર્ષલ માંકડ સહિત મોટા ભાગના કલાકારો ફિલ્મના માધ્યમ માટે નવા હોવા છતાં એ નવશીખિયા, અપરિપક્વ લાગતા નથી. જેમ કે, હીરો આદિત્ય શુક્લાના પાત્રને હર્ષલ માંકડ ‘હેયાને’ આબાદ ભજવ્યું છે. ગુરુજીના પાત્રમાં મેહુલ બૂચ રાબેતા મુજબ અદભુત. આ જ વર્ષે (જાન્યુઆરી, 2020માં) ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ તથા ‘મુનશી સ્પર્ધા’માં અભિનયનાં પારિતોષિક મેળવનારા હર્ષિત ઢેબર (રીઢા રાજકારણી ભાવિન પંડિત) સુખદ આશ્ચર્યના મસમોટા પડીકા જેવા લાગ્યા. તો જિતેન્દ્ર ઠક્કર, રાજુ યાજ્ઞિક, આસ્થા મહેતા, કાજલ અગ્રાવત પણ નોંધનીય. સંવાદ ચોટદાર હોઈ એની પર રંગભૂમિની અસર વરતાયા વિના રહેતી નથી. ગીત-સંગીત માટે એટલું કહી શકાય કે એ કથાપ્રવાહને અવરોધતાં નથી. નારાયણ સ્વામીના સુપ્રસિદ્ધ ભજન ‘હે જગજનનિ’ ના પુનઃસ્વરાંકનથી લઈને, ચેતન જેઠવા-રચિત ગાંધીરાસ, ઓસમાણ મીરના કંઠે ગવાયેલી ને એમની પર જ ચિત્રિત થયેલી કવ્વાલી કે ‘એકલો જાને રે’ જેવી રચના વાગે છે ત્યારે કોઈને કોઈ પ્રસંગ ઈન્ટરકનેક્ટ થતા રહે છે. અર્થાત સાથે સાથે વાર્તા આગળ વધતી રહે છે.
આમ, નવા કલાકાર-કસબી નવો ઈનોવેટિવ વિષય લઈને આવે, પહોળી છાતીવાળા નીલેશ કાત્રોડિયા જેવા નિર્માતા એ વિષયને પરદા પર સાકાર કરવા ફદિયાં ફાળવે, અને આવા અઘરા સમયમાં ફિલ્મ રિલીઝ પણ કરે ત્યારે કવિરાજ શૈલેન્દ્રની આ ગીતપંક્તિ ફટકારવાનું મન થાય છેઃ
“નિકલ પડે હૈ ખુલ્લી સડક પર, અપના સીના તાને…. બઢતે જાયે હમ સૈલાની, જૈસે દરિયા ઈક તૂફાની”…
(કેતન મિસ્ત્રી)
