ગુડ્ડી છેનૂ અને તારાસિંહ…

થોડા જ દિવસોમાં ભારત ખંડમાં લોકશાહીનાં લેજિમ નૃત્યનો એક મહા ઉત્સવ નામે લોક સભા ચૂંટણી યોજાશે. જો કે તે પહેલાં વિવિધ રાજકીય પક્ષ પોતાના મનગમતા ઉમેદવારોને પાછલે બારણેથી સીધા સંસદમાં મોકલતા હોય છે. હમણાં આ વિશેના સમાચાર વાંચી રહ્યો હતો. મંગળવાર, 15 ફેબ્રુઆરીએ સમાજવાદી પાર્ટીનાં જયા બચ્ચન, રામજી લાલ સુમન અને આલોક રંજને લખનૌમાં રાજ્ય સભા ઈલેક્શનનાં નૉમિનેશન ફૉર્મ્સ ભર્યાં. તેમને કંપની આપવા પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને પાર્ટી સેક્રેટરી શિવપાલસિંહ યાદવ ગયેલા. રાજ્ય સભામાં સમાજવાદી પક્ષનાં સંસદસભ્ય તરીકે જયાજીની આ પાંચમી ટર્મ છે.

“અરે અરે અરે”, તમે કહેશો, “મોજમસ્તી…માં પોલિટિક્સ ક્યાંથી ઘૂસી ગયું”? તો બે હાથ જોડીને કહેવાનું કે ના, એવો કોઈ ઈરાદો નથી. હોઈ જ ન શકે. વસ્તુ એવી કે નૉમિનેશન ફૉર્મ ભરતી વેળાએ ગુડ્ડીએ એટલે જયાજીએ પૈસેટકે પોતે કેટલાં સધ્ધર છે તે વિશે ફૉર્મમાં લખ્યું છે. ધણી-ધણિયાણી ગુડ્ડી અને વિજય એટલે જયા-અમિતાભ મળીને 1,578 કરોડ રૂપિયાની માલમિકત ધરાવે છે. સંસદસભ્ય તરીકેનો પગાર, એન્ડોર્સમેન્ટ (કલ્યાણ જ્વેલર્સ ને એવી જાહેરખબરો), પ્રોફેસનલ ફી (રિબન કાપવા કે અમુક સેમિનારમાં હાજરી આપવા જેવું કંઈ), વગેરેમાંથી કમાણી કરે છે, જ્યારે હસબન્ડને વ્યાજ, ભાડાં, ડિવિડંડ, કૅપિટલ ગેઈન તથા સોલાર પ્લાન્ટમાંથી આવક થાય છે. આ વાંચીને અમે માથું ખંજવાળ્યું. કમાલ છે. આમાં પિક્ચરો, કેબીસી કે બીજી આવકનો ઉલ્લેખ કેમ નથી? પછી બત્તી થઈ કે, અત્યારે વાત થઈ રહી છે જૉઈન્ટ પ્રોપર્ટીની.

તો, જયાબહેન પાસે આશરે 41 કરોડ રૂપિયાના દાગીના, દસેક લાખ રૂપિયાની એક મોટર છે. તો અમિતાભ પાસે આશરે પંચાવન કરોડ રૂપિયાના દાગીના, બે મર્સીડીઝ અને એક રેન્જ રોવર સહિત સાડાસત્તર કરોડ રૂપિયાનો 16 વાહનનો કાફલો. ટૂંકમાં બન્નેની સહિયારી જંગમ મિલકત 849.11 કરોડની છે, જ્યારે સ્થાવર મિલકતનું મૂલ્ય છેઃ 729.77 કરોડ રૂપિયા.

પદ્મશ્રીથી સમ્માનિત 75 વર્ષી જયા બચ્ચન છેલ્લાં 24 વર્ષથી ફોટોગ્રાફરોને જોઈને ઈન્સ્ટંટ ભડકવા માટે તથા પાર્લમેન્ટમાં ને પાર્લમેન્ટની બહાર ધડાધડ સ્ટેટમેન્ટ કરવા માટે તથા જાણીતાં છે. જયાજી ન માત્ર પોતાના મતવિસ્તાર વિશેની સમસ્યાને અવાજ આપે છે, બલકે અમુક નેશનલ ઈશ્યુઝ પર પણ બોલે છે.

બીજી બાજુ તેમના સમકાલીન ‘મેરે અપને’વાળા છેનૂ એટલે જ શત્રુઘ્ન સિંહા કાન ફાડી નાખે એવા મૌન માટે પંકાઈ ગયા. બીજેપી સાથે છેડો ફાડીને તૃણમૂલ કૉન્ગ્રેસમાં જઈ બેઠેલા અને આસનસોલથી સંસદસભ્ય બનેલા શત્રુ 17મી લોક સભામાં ચર્ચા કરવી તો બાજુએ રહી, હરામ બરાબર જો એક શબ્દ પણ બોલ્યા હોય તો. “ખા…મો…શ” એમ ચિલ્લાઈને ભલભલાની બોલતી બંધ કરી દેતા આ કલાકારે સંસદમાં ચૂં કે ચાં કર્યું નહીં. હા, ટેલિવિઝનના સોંગ, ડેન્સના રિઆલિટી શોમાં આવીને ભડભડ કરતા હતા ખરા.

શત્રુભૈય્યાને કંપની આપી ભાજપના પંજાબના ગુરદાસપુરથી આવી ચડેલા સની પાજીએ. “બલવંત રાયના કુત્તા”થી લઈને સકીના (અમીષા પટેલ)ના અબ્બા અશરફઅલી (અમરીશ પુરી) પર ચિલ્લાતા, પાણીનો પંપ ઉખાડી નાખતા સની દેઓલ “ઈક મોડ લઈને ઓત્તે (સંસદ ભવન) દિલ” છોડી શક્યા નથી. ઈન ફૅક્ટ નવ મેમ્બર ઑફ પાર્લમેન્ટ એવા છે, જેઓ આ આખી ટર્મ દરમિયાન મોંમાં મગ ભરીને બેસી રહ્યા.

ભૂતકાળ ને વર્તમાનમાં અનેક સિતારાએ બોલિવૂડમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રાજકારણમાં એન્ટ્રી મારી છે. ધર્મેન્દ્ર, હેમામાલિની, અમિતાભ બચ્ચન, રેખા, રાજેશ ખન્ના, રાજ બબ્બર, પરેશ રાવલ ગોવિંદા, દારાસિંહ, શબાના આઝમી, મિથુન ચક્રવર્તી, વિનોદ ખન્ના, વગેરે રાજકારણનો સ્વાદ ચાખી ચૂક્યાં છે.  હિંદીમાં સુનીલ દત્ત તો દક્ષિણના દિગ્ગજોમાં એન.ટી. રામરાવ, જયલલિતા એમ.જી. રામચંદ્રન્ જેવા તારલાઓએ રાજકારણને ગંભીરતાથી લીધું. સ્મૃતિ ઈરાનીએ કેન્દ્રમાં પ્રધાનપદ પામીને અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો. આજે એ પશ્ચિમ બંગાળના સંદેશખાલીના મુદ્દે અવાજ ઉઠાવી રહ્યાં છે.