ફીફાં ખાંડવા |
મગફળીની ઉપરના છોતરાં એટલે ફીફાં કહેવાય છે. આ ફીફાંને તમે ગમે તેટલા ખાંડો તો પણ એમાંથી કંઈ જ નીકળતું નથી. મહેનત પાણીમાં જાય છે. ફીફાં ખાંડવા તેવું કહે છે.
ઉત્તર ગુજરાતમાં આને સમાનાર્થી એક કહેવત વપરાય છે તે છે “ઢૂંઢામાંથી તેલ ના નીકળે”. ઢૂંઢૂં એટલે કે બાજરી કે જારનો દાણો જે કણસલામાં હોય તે કણસલામાંથી એ છૂટા પડે ત્યારે એ જેમાં ફિટ થઈને જે કણસાલામાં ચોંટ્યો હોય તે પાછળ રહી જતું કવર અથવા છોતરું ઢૂંઢૂ કહેવાય છે. ઢૂંઢા ઢોર પણ નથી ખાતા કારણ કે એમાં કશું જ સત્વ નથી હોતું. એટલે ઢૂંઢામાંથી ગમે તેટલાં પ્રયાસ કરો એક શુષ્ક પદાર્થ હોઇ તેલ મેળવી શકાતું નથી. આ પણ વાંઝણી મહેનતનો દાખલો છે. જ્યારે કોઈ એવી વ્યક્તિ મળી જાય કે જેની પાછળ ગમે તેટલી મહેનત કરો અને કશું ના પામો ત્યારે પણ આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)