ભેંસના શિંગડામાં માથું નાખવું ભારે પડી જાય…
|
મારી મા ક્યારેક કહેતી,
“ગાય માતા ગોમતી,
એનો પુત્ર ગણેશ,
ભેંસ હાળી ડોબું,
એનો પાડો પલિત.”
આ ભેંસ જાડી બુધ્ધિનું પ્રાણી ગણાય છે. પાણીમાં ડૂબતાં હોઈએ અને ગાયનું પૂંછડું પકડીએ તો એ તારે અને ભેંસનું પૂંછડું પકડીએ તો એ ડૂબાડે. ભેંસનાં શિંગડાં વાંકાં હોય છે. ભૂલે ચૂકે જો માથું અંદર ફસાય તો કાઢવું ભારે પડે.
આ કહેવત “ભેંસના શિંગડામાં માથું નાખવું” સંદર્ભમાં સમજવાની છે. તમે સામે ચાલીને આપત્તિને આમંત્રણ આપો, આફતને કંકોત્રી લખીને ઘેર બોલાવો તો ભેંસના શિંગડામાં માથું નાખ્યું કહેવાય અને એમ કરવું ભારે પડી જાય. ભેંસના શિંગડામાં માથું નાખવું એટલે આફતને સામે ચાલીને નિમંત્રણ આપવું.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)