બહાર ગયું સૂતૂં જાગે

       

       બહાર ગયું સૂતૂં જાગે

આ એ જમાનાની વાત છે જ્યારે ટેલિફોન ઘરે ઘરે નહોતો પહોંચ્યો. માણસ ઘરેથી નીકળે તે પાછો આવે ત્યારે જ કુટુંબ સાથેનો તેનો સંપર્ક પુનઃસ્થાપિત થતો. બહારગામ ગયું હોય તે વ્યક્તિ ક્યારેક ધાર્યા કરતાં વધુ રોકાઈ પણ જાય તેવું પણ બનતું. સ્વાભાવિક રીતે જ ત્યારે ઘરવાળા તેની ચિંતા કરે ત્યારે આ શબ્દ પ્રયોગ ‘બહાર ગયું સૂતું જાગે’ વપરાય છે.

કોઈક વખત કોઈ સમાચાર વગર મારા બાપા બહારગામ ગયા હોય, બે-ત્રણ દિવસમાં આવવાના હોય તેની જગ્યાએ પાંચ-છ દિવસ થઈ જાય ત્યારે પરત આવે, ત્યારે પોતાની ચિંતા વ્યક્ત કરવા મારી મા કશું કહે ત્યારે હમેશા મારા બાપાનો સિગ્નેચર રિપ્લાય હતો કે, ‘બહારગામ ગયું સૂતું જાગે’, જેમ માણસ ઉંઘ્યો હોય તો તે ક્યારે જાગશે તે નક્કી નથી હોતું તે જ રીતે તે જમાનામાં સંદેશાવ્યવહાર અને મુસાફરીના ટાંચા સાધનો હતા ત્યારે બહારગામ ગયેલ માણસ ઘરે પાછો ક્યારે ફરશે તે અનિશ્ચિતતા વ્યક્ત કરતી આ કહેવત છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)