વોટ્સએપ સામેના વાંધાઓ વધી રહ્યાં છે…

ભારત સરકારે સત્તાવાર રીતે વોટ્સએપ સામે કેટલીક ચિંતાઓ વ્યક્ત કરી છે. આ જાણીને નવાઈ પણ લાગે તેમ છે, કેમ કે વોટ્સએપ સૌથી વધારે પ્રચાર વર્તમાન સરકારની તરફેણમાં થાય છે. હરીફોને નીચા દેખાડવા માટેની અને સ્વંયને મહાન દેખાડવા માટેની ફેક્ટરી વોટ્સએપ પર ખોલી દેવામાં આવી છે. તેના દ્વારા રોજ અડધો ડઝન જાતભાતના મેસેજ તૈયાર કરીને વહેતાં કરી દેવાય છે અને સાંજ સુધીમાં તે ભારતના 25 કરોડ મોબાઇલધારકોના ફોન સુધી પહોંચી જાય છે.

પરંતુ મુશ્કેલી એ થઈ છે કે હરીફો પણ તેમાં જોડાઈ ગયા છે. શાસક પક્ષની દરેક વાતને ખોટી ઠેરવતા અને સામો એટલો જ દુષ્પ્રચાર કરતાં મેસેજ આ જ માધ્યમથી મોકલવાનું હરીફોને પણ આવડી ગયું છે. દાખલા તરીકે તાજેતરમાં કેટલાક કિસ્સામાં હરીફ પક્ષોએ પણ ભાજપને મીણી કહેવરાવ્યું હતું. પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાનો વિરોધ કરતા નરેન્દ્ર મોદી અને અરુણ જેટલીના વિડિયો શોધીને તેને વહેતા કરવામાં આવ્યા હતા. એ જ રીતે એરપોર્ટની સદી થઈ તે દાવાને ખોટા પાડતા મેસેજનો મારો પણ તરત ચાલ્યો. હકીકતમાં યુપીએની સરકારે શરૂ કરાવેલું એરપોર્ટ હવે તૈયાર થયું તેનું ઉદઘાટ્ન કરવાનો મોકો વડાપ્રધાનને મળી ગયો હતો. સાથેસાથે નરેન્દ્ર મોદીના અભ્યાસ વિશેનો ખોટો અને એડિટ કરેલો વિડિયો પણ કોંગ્રેસના મિડિયા સેલે વહેતો કરેલો તે વાત પકડાઈ ગઈ હતી.

તેથી હવે સરકાર જ વોટ્સએપ કોઈક પ્રકારનું નિયંત્રણ આવે તેમ ઇચ્છે છે. પોતાનું જ હથિયાર પોતાને ભારે પડી રહ્યું છે. ભાજપ રોજ સવારે પ્રચારનો ફુગ્ગો ચગાવે અને સાંજ સુધીમાં તે ફુગ્ગોમાં ટાંકણી મારી દેતો મેસેજ પણ સોશ્યલ મીડિયામાં વહેતો થાય છે. આ સંજોગમાં વોટ્સએપને સૂચના આપવામાં આવી છે કે તેમણે ગ્રુપમાં ફેલાતા અને બલ્કમાં મોકલતા મેસેજને ટ્રેક કરવા. કંપની આ માટે તૈયાર થઈ નથી, પણ વાતચીત ચાલી રહી છે. દરમિયાન વોટ્સએપ દ્વારા ભારત માટે ખાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જેને વોટ્સએપમાં બધા જ રાજકીય પક્ષો તરફથી ફેલાતી ગંદકી રોકવા માટેની ફરિયાદ કરી શકાય. કોઈ મેસેજ માટે આપત્તિ હોય તો જાણ કરી શકાય છે.
ભારત માટે વિમાસણભરી સ્થિતિ છે. આપણે ભારતીયો કેટલા વેવલા છીએ તેનો આ નમૂનો છે. એક વિદેશી કંપનીને બખ્ખાં કરાવી રહ્યા છીએ. વોટ્સએપ એક વિદેશી કંપની છે. તેનો ઉદ્દેશ માત્ર ને માત્ર નફો છે. માત્ર ને માત્ર ધંધો કરવા માટેનો તેનો હેતુ છે અને આપણે તેને ઘેલા થઈને ભરપુર મદદ કરી શકીએ છીએ. થોડીક મહેનત કરવા તૈયાર નથી અને કામ સહેલું થાય છે એટલે ફોટા અને ફાઇલો વોટ્સએપથી મોકલીએ છીએ.

હકીકતમાં મેસેજ મોકલવાનું કામ ફોનમાં જ રહેલા સાદા એસએમએસથી થઈ શકે છે. ફાઇલ્સ મોકલવાના બીજા ઘણા રસ્તા છે, પણ આપણે શોર્ટકટ જ ફાવે છે. ગુડ મોર્નિંગ કહેવા માટે પણ એસએમએસ કરી શકો છો. આમ તો ગુડ મોર્નિંગના મેસેજ મોકલનારા મૂર્ખ છે, કેમ કે તેના કારણે રિસોર્સિઝનો અઢળક વ્યય થાય છે. પણ ઠીક છે, ગુડ મોર્નિંગ અને સુવાક્યો મોકલવા માટે સાદા મેસેજનો આશરો લેવો જોઈએ. (પણ તેમાં પૈસા બેહેને ભઇ, આપણને તો મફતમાં મળવું જોઈએ. – મફતમાં નથી મળતું. તમારે મફતની પ્રવૃત્તિમાંથી કંપનીને કરોડોની કમાણી થાય છે અને તેનો ભાર તમારી કેડ પર જ છે.)

વોટ્સએપ પર રોજેરોજ ફેલાતી ગંદકી માનસિક રીતે નુકસાન કરી રહી છે. પરંતુ તે ખતરનાક અને લોહિયાળ બની રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ડઝનથી વધારે હત્યાઓ વોટ્સએપના કારણે થઈ છે. વિકૃત્ત મગજના લોકો વિકૃત્ત આનંદ લેવા માટે આસપાસના લોકોને હેરાન કરતા આવ્યા છે. પણ તેમની પાસે સાધન ના હોવાથી મર્યાદિત નુકસાન કરી શકતા હતા. આ જ વિકૃત્ત મગજના લોકોના હાથમાં વોટ્સએપ આવ્યું છે તેના કારણે વ્યાપક નુકસાન કરી રહ્યા છે. તેમના બાળકો ઉપાડી જનારી ગેંગના ખોટા મેસેજના કારણે ડઝનબંધ લોકોની હત્યા થઈ છે.મેસેજ ક્યાંથી જનરેટ થયો અને ક્યાં ક્યાં ફેલાયો તેની માહિતી આપવાની ફરજ પાડવાની કોશિશ થઈ રહી છે. કંપની અત્યારે તૈયાર નથી, પણ ભવિષ્યમાં કદાચ આપવી પડશે. કંપનીનું એન્ક્રીપ્શન મજબૂત હોવાનું કહેવાય છે. તેથી બંને તરફના યુઝર્સની પ્રાઇવસી રહે છે. પરંતુ કેટલાક જાણકારો એવા પણ છે જે કહે છે કે એન્ક્રિપ્શનને અસર કર્યા વિના પણ મેસેજને ટ્રેક કરી શકાય છે. હરીફ કંપની વીચેટ પણ આવી જ સર્વિસ આપે છે. તેમાં કામ કરી ચૂકેલા હિમાંશુ ગુપ્તાએ આ વાત કહી છે.

બે વ્યક્તિ વચ્ચે મેસેજની આપલે થાય ત્યાં સુધી બહુ સમસ્યા નથી. સમસ્યા બલ્કમાં મેસેજ થાય ત્યારે શરૂ થાય છે. ગ્રુપ બનાવીને મેસેજ ફરતા થાય છે તે બહુ ખતરનાક છે. એક ગ્રુપમાં 250 લોકો હોય. દરેક ગ્રુપના મુખ્ય માણસોને જોડીને એક ગ્રુપ બનાવો એટલે 250 X 250 = 62,500 થાય. આ 62,500 વળી જુદા જુદા ગ્રુપમાં સભ્ય હોય એટલે હવે 62,500 x 250 કરો. 1,56,25,000 થયા. પાંચ દસ પંદર મિનિટમાં એક મેસેજ એક કરોડ 56 લાખ 25 હજાર લોકો સુધી પહોંચી જાય. આ ગ્રુપ બનાવાનો ધંધો કેટલો ખતરનાક છે તેનાથી આનાથી સમજી શકાશે.
બીજા સોશિયલ મીડિયામાં તમે મેસેજ મૂકો તેને તરત કાઉન્ટર કરી શકાય છે. બીજા યુઝર્સ તેને ખોટો ગણાવી શકે છે અને તેને માર્ક કરે તો તેને ડિલિટ પણ કરી શકાય છે. વોટ્સઅપમાં માત્ર જેને મેસેજ મળ્યો હોય તે પોતાના ગ્રુપ પૂરતો તેનો વિરોધ કરી શકે છે. પોતાના ગ્રુપમાં વિરોધ કરવા સિવાય કશું કરી શકાતું નથી. ડિલિટ કરો તો માત્ર તમારા પૂરતો જ ડિલિટ થાય.

હવે સમસ્યા એ છે કે ગ્રુપમાં લગભગ સમાન વિચારના લોકો હોય છે. તેથી તેમને આવા મેસેજ ગમતા હોય છે. એક પક્ષના ટેકેદાર એ જ ગ્રુપના સભ્ય બને છે, જેમાં તે પક્ષના ભરપુર વખાણ થતા હોય છે. તે તદ્દન ખોટા વખાણ હોય છે, પણ ટેકેદાર તેને સ્વીકારવા જ બેઠો છે. તે વિરોધ કરવાનો નથી. કોઈ તટસ્થ હોય તો વિરોધ કરે, પણ વિરોધ મર્યાદિત રહેવાનો અને બહુ વિરોધ કરે તો તેમને ગ્રુપમાંથી હટાવી દેવાય છે.

વોટ્સએપને ફરજ પાડવી પડે કે ગ્રુપ બંધ કરાવે. ગ્રુપ બંધ કર્યા પછી બલ્ક મેસેજ પર પણ પ્રતિબંધ. એસએમએસમાં બલ્ક મેસેજ આવતા હતા ત્યારે તે મોટી સમસ્યા થતી હતી. તેથી તેમાં હવે નિયંત્રણો મૂકાયા છે. બલ્ક મેસેજ મૂકવા માગતી વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવવું પડે. તેનો મેસેજ નિયંત્રણ કરનારી સંસ્થા જોઈ અને પછી જ નજીવી ફી સાથે બલ્કમાં મોકલી શકે. એક જ વ્યક્તિ ચાલાકી કરીને મેસેજને કોપી કરીને અલગ અલગ પેસ્ટ કરીને મેસેજ મોકલ્યા કરે તો ખબર ના પડે કે એક જ મેસેજ મૂકાઈ રહ્યો છે. તેને જાણવાના પણ રસ્તા છે. એન્ક્રિપ્શન કરતા પહેલાં એક મેસેજ પછી બીજો મેસેજ મૂકાય ત્યારે સમાન છે કે નહી તેને ઓટોમેટેડ રીતે ચેક કરવામાં આવે. મેસેજ સમાન હોય તો ચેતવણી આપવામાં આવે. વધારે ચેતવણી છતાં મેસેજ મૂકાતા રહે ત્યારે વચ્ચે સમયનો ગેપ પાડવામાં આવે. આ પ્રકારના ઉપાયો પણ કરવા પડશે.

ભારત વોટ્સએપ જેવી વિદેશી કંપની માટે (તેની માલિકી પણ ઇસ્ટ્રાગ્રામની જેમ ફેસબૂકની છે અને ફેસબૂકની નાગચૂડ સોશિયલ મીડિયામાં વધી રહી છે) મોટું અને ઉપયોગી માર્કેટ છે. તેથી ભારતની ચિંતાની તે અવગણના પણ ના કરી શકે. પણ સાચું પ્રેશર શાસક કે વિપક્ષ તરફથી નથી આવવાનું – બંનેને પ્રચારની ગંદકી ફેલાવવા માટે આ માધ્યમ ઉપયોગી લાગે છે – તેથી સ્વતંત્ર સંસ્થાઓ અને જાહેર જનતાએ સ્વહિતમાં તેનો વિરોધ કરવો પડશે. ગ્રાહકોમાં જ વિરોધ વધશે તો જ આ કંપનીઓ સીધી થશે. આજથી જ વિરોધ કરવા લાગો અથવા વાપરવાનું બંધ કરી દો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]