લૉકડાઉન ખૂલ્યુંઃ દક્ષિણ કોરિયાએ શું શું કર્યું?

બુધવારથી દક્ષિણ કોરિયામાં લગભગ બધું જ ખૂલી ગયું છે. બગીચા, લાયબ્રેરી, શાળાઓ હજી બંધ રહેશે અને તબક્કાવાર મે મહિના અંત સુધીમાં તેને પણ ખોલાશે, કેમ કે કોરિયામાં નવા કોરોના કેસની સંખ્યા કાબૂમાં આવી ગઈ છે. ગત ગુરુવારે એપ્રિલ મહિનાના છેલ્લા દિવસે સ્થાનિક ચેપનો એક પણ કેસ નોંધાયો નહોતો (ચાર કેસ થયા, પણ તે વિદેશથી આવેલા, ક્વૉરેન્ટાઇન કરાયેલા લોકોના હતા). તે પછી બુધ, ગુરુ, શુક્ર અને શનિ એમ ચાર દિવસ ચેપ એક અંકમાં જ રહ્યો એટલે 9થી નીચે.

રવિવારે વળી બે અંકમાં એટલે કે 13નો આંકડો આવ્યો પણ છેલ્લા પંદર દિવસથી આંક 20ની ઉપર નથી ગયો તેના કારણે વડા પ્રધાન ચુંગ સિ-ક્યૂને રવિવારે જાહેરાત કરી કે બુધવાર છ તારીખથી એક પછી એક નિયંત્રણો તબક્કાવાર હટવા લાગશે. ઘણા બધા બિઝનેસને ખોલવાની મંજૂરી મળેલી જ છે અને બાકી રહી ગયેલા વેપારધંધા પણ તબક્કાવાર ખુલવા લાગશે. વડા પ્રધાને કહ્યું કે લોકોને કાર્યક્રમ માટે એકઠા પણ થવા દેવામાં આવશે, પણ સ્થળ અને લોકોને જંતુમુક્ત કરવા માટેની ગાઇડલાઇન બરાબર પાળવાની રહેશે.

20 એપ્રિલથી સ્થિતિ ઘણી બધા કાબૂમાં હતી તો પણ પાંચ મે સુધી લોકોને ભેગા થવા પર પ્રતિબંધો સહિતના નિયમો લાગુ રાખ્યા અને હવે તેમાં છૂટછાટ આપી હતી. વચ્ચેના સમયે તબક્કાવાર કેટલાક વેપારધંધા શરૂ પણ કરી દેવાયા હતા, કેમ કે ફેબ્રુઆરીમાં એક તબક્કે કેસમાં ભારે ઉછાળા પછી દક્ષિણ કોરિયાએ જોરદાર કામગીરી કરી અને એક જ મહિનામાં સ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી. આખો માર્ચ ઝુંબેશ ચાલુ રખાઈ અને મધ્ય માર્ચથી રોજિંદા કેસ સરેરાશ દોઢસોની આસપાસ જ રહ્યા.

ફેબ્રુઆરીમાં સમસ્યા વકરવા લાગી અને ફેબ્રુઆરીના અંતે અને માર્ચના પ્રથમ અઠવાડિયે સંકટ પીક પર પહોંચ્યું હતું. રોજના કેસ 900 સુધી પહોંચ્યા, પણ ત્યાં જ સ્થિતિમાં કાબૂ લઈ લેવાઈ અને એકપણ વાર રોજિંદા ચેપનો આંકડો ચાર અંકમાં એટલે કે 1000થી ઉપર ગયો નહિ. દુનિયામાં અત્યાર રશિયામાં સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે અને રોજના 10,000 કેસ થઈ રહ્યા છે અને અમેરિકામાં હજીય રોજના 25,000 કેસ થઈ રહ્યા છે, ત્યારે કલ્પના કરો કે દક્ષિણ કોરિયાએ પીક પોઇન્ટને 900થી આગળ વધવા દીધો નહોતો. માર્ચ આખો આંકને નીચે લાવવામાં ગયો અને એપ્રિલ આખો આંકને નીચે જાળવી રાખવામાં ગયો.

હવે મે મહિનામાં કોરિયા કદાચ પોતાને કોરાનાથી મુક્ત (લગભગ મુક્ત, કેમ કે કોરોનાથી મુક્ત વિશ્વ થવાનું નથી, બીજા વાઇરસની જેમ કોરોના નોવેલ-2 વાઇરસ મનુષ્યની વચ્ચે રહેવાનો જ છે) જાહેર કરી શકશે. ફેબ્રુઆરીમાં ચીન પછી વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ કેસ દક્ષિણ કોરિયામાં જ હતા, પણ તે દેશ જાગી ગયો અને માર્ચના અંત સુધીમાં યુરોપના દેશો તેનાથી ક્યાંય આગળ નીકળી ગયા હતા. તાઇવાન, ન્યૂ ઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ કસોટીમાંથી પાર નીકળી ગયા છે, દક્ષિણ કોરિયાએ પ્રારંભિક મુશ્કેલી પછી માર્ગ કાઢ્યો હતો તે અગત્યનું રહેશે. જાપાન અને સિંગાપોરમાં સ્થિતિ વકરી નથી, પણ છેલ્લે છેલ્લે સિંગાપોરમાં આંકડાં ફરી વધ્યા એટલે નવસેરથી ઝુંબેશ ચલાવવી પડી છે.

કોરોના સામેની લડાઈમાં દુનિયાનો કોઈ દેશ સફળ રહ્યાનો દાવો કરી શકશે નહિ. બણગાં ફૂંકનારા નેતાઓની આપવડાઈ આંકડો મોં ફાડી ફાડીને જણાવી રહ્યા છે. તે વચ્ચે કદાચ આ ચાર પાંચ દેશ જ કહી શકશે કે અસરકારક રીતે કોરોનાને કાબૂમાં કર્યો. આફ્રિકામાં આંકડા નાના દેખાય છે, પણ તેના કારણો અને પરિબળો જુદા છે. આફ્રિકામાં જો દક્ષિણ આફ્રિકા પણ હવે આંકડાંને વધવા ના દે અને દક્ષિણ કોરિયાની જેમ લૉકડાઉન ખોલવા તરફ જશે તો સફળતાનો દાવો કરી શકશે. તે સિવાયના ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતીન જેવા નેતાઓના ગ્રેટ ગ્રેટ સક્સેસ સક્સેસના દાવાઓને પ્રચારના ઢોલ અને માંહી પોલંપોલ જ ગણવાના રહેશે.

કોરોના કસોટી વચ્ચે રાજકીય કસોટી

અસલી સક્સેસ સ્ટોરી દક્ષિણ કોરિયા જ સાબિત થશે તેમ લાગે છે, કેમ કે તમને ખબર છે – આ દરમિયાન દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રીય સંસદની ચૂંટણી પણ યોજાઈ ગઈ. હા, આખા દેશમાં બાકાયદા ચૂંટણી યોજાઈ; ચેપ લાગેલા, ક્વૉરેન્ટાઇન થયેલા 60,000 જેટલા મતદારો સહિત અગાઉ કરતાં વધારે ટકાવારીમાં મતદાન થયું. રાષ્ટ્રીય સંસદ માટે ત્રણ દાયકામાં સૌથી ઊંચું 66.20 ટકા મતદાન થયું હતું (દક્ષિણ કોરિયામાં પ્રમુખની ચૂંટણીનું મહત્ત્વ વધારે હોય, તેની ચૂંટણી અલગથી થાય, જેમાં છેલ્લે 2009માં 77.23 ટકા મતદાન થયું હતું). પરિણામ પણ આવી ગયું. ધાર્યા પ્રમાણે જ શાસક પક્ષ, હાલના પ્રમુખ મૂન જે-ઇનના ડેમોક્રેટિક પક્ષને 300માંથી 180 બેઠકો મળી. ડેમોક્રેટિક પક્ષ ડાબેરી ઝોક ધરાવે છે, પણ દુનિયાના અગ્રણી ઔદ્યોગિક દેશોમાંના એક દક્ષિણ કોરિયાને સંભાળે છે તે પણ વક્રતા છે. બીજું કે છેલ્લે 2009માં મૂન પ્રમુખ તરીકે જીતીને આવ્યા પછી વૈશ્વિક મંદીની અસર તેમના દેશમાં પણ થઈ હતી. તેથી મૂનની સ્થિતિ કફોડી હતી. ચીન પછી સૌથી વધુ કેસ દક્ષિણ કોરિયામાં થવા લાગ્યા અને શિન્ચેઓન્જી નામના ખ્રિસ્તી પંથના અણઘડ અનુયાયીઓએ કોરોનાને વકરાવ્યો (ભારત સાથે સરખારણી થાય તેવી છે અને તેથી જ ભારતે દક્ષિણ કોરિયામાંથી શીખ લેવાની જરૂર હતી, જે લગભગ નથી લેવાઈ, તે વિશે પછી) અને આંકડાં ધડાધડ વધવા લાગ્યા. પ્રમુખ મૂને આફતને અવસરમાં પલટી નાખવા નિષ્ણાતોની સલાહ પ્રમાણે નીતિ બનાવી અને તેમના પક્ષને ચૂંટણીમાં પણ તે ફળી.

મુશ્કેલીઓમાંથી માર્ગ

બધા દેશોમાં થયું તે રીતે માસ્ક, પીપીઈ, ટેસ્ટ કિટ્સની અછત હતી. મૂન પર ટીકાનો મારો ચાલ્યો હતો, પણ તેમણે શાણપણનું કામ કર્યું. નિષ્ણાતોની સલાહ લીધી, સલાહ પ્રમાણે કામ થવા દીધું અને જશ પણ લેવા દીધો. દક્ષિણ કોરિયાની મુખ્ય આરોગ્ય સંસ્થા કોરિયા સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (KCDC)ના ડિરેક્ટર જુંગ એઉન-ક્યોંગ છવાયેલા રહ્યા. તેઓ નિયમિત પત્રકાર પરિષદ કરીને માહિતી આપતા હતા અને કોરોના સંકટની સમગ્ર કામગીરી તેમની દેખરેખમાં ચાલતી હોય તેવું દેખાઇ આવતું હતું. (ભારતમાં કોણ કામગીરી કરે છે તે નક્કી કરવું મુશ્કેલ છે. આરોગ્ય મંત્રાલય અને આઇસીએમઆરની શી ભૂમિકા નક્કી કરવું મુશ્કેલ. યોગી આદિત્યનાથ જેવા હિંમતવાળા અને એકબે વિપક્ષી મુખ્યપ્રધાનોએ પોતાની રીતે કેટલાક નિર્ણયો લીધા. બાકીના મુખ્યપ્રધાનો દિલ્હીની સૂચનાની રાહ જોઈ, ને સૂચના અધિકારીઓને પાસ કરવા સિવાય ખાસ કંઈ કર્યું જણાતું નથી.)
સાધનોની અછત ઝડપથી પૂરી કરવા પર ધ્યાન અપાયું. દક્ષિણ કોરિયા ઔદ્યોગિક છે તેથી જરૂરી ઉપકરણો બનવા લાગ્યા. એક તબક્કે અમેરિકા, કેનેડા અને યુરોપના દેશો પણ ત્યાં ફોન કરીને મેડિકલ સાધનો મોકલવા વિનંતીઓ કરતા થયા હતા. સાધનો ઊભા થવા લાગ્યા તે પછી ઝડપથી ટેસ્ટ કરવા પર ધ્યાન અપાયું.

ટેસ્ટ, ટેસ્ટ અને ટેસ્ટ
કુલ ટેસ્ટ કેટલા થયા, દસ દસ લાખની વસતિએ કેટલા થયા અને કુલ ટેસ્ટમાંથી કેટલા પોઝિટિવ નીકળ્યા તેમ અલગ અલગ રીતે આંકડાંને જોઈ શકાય. 10 લાખની વસતિના પ્રમાણમાં સૌથી વધુ ટેસ્ટ (બે નાના ટાપુ રાષ્ટ્રને બાદ કરતાં) સંયુક્ત આરબ અમિરાતે કર્યા છે. મે મહિનાના પ્રારંભે કુલ 12,00,000 ટેસ્ટ અને દસ લાખે 1,21,330 ટેસ્ટ કર્યા હતા. ઇટાલીએ 21,53,772 જેટલા ટેસ્ટ કર્યા છે, પણ વસતિ પ્રમાણે 35,622 છે. અમેરિકામાં આંકડો 72 લાખને વટી જવાનો છે, પણ વસતિ પ્રમાણે 21,700 છે.

તેની સામે દક્ષિણ કોરિયાએ 6,34,000 જેટલા ટેસ્ટ કર્યા છે, દસ લાખે 12,365. હવે ભારતનો આંકડો જોઈ લઈએ – રોજના 75,000 ટેસ્ટ સાથે 11 લાખથી આંકડો આગળ વધ્યો છે; પરંતુ 10 લાખની વસતિએ 800થી થોડા વધારે જ ટેસ્ટ થયા છે. ભારત માટે રાહતની વાત એ છે કે 10 લાખની વસતિએ 31 જ કેસ નીકળ્યા છે.
અહીં ઇટાલી અને અમેરિકાના આંકડાં મોટા લાગશે, પણ તેની સામે ત્યાં જંગી પ્રમાણમાં ચેપ ફેલાયો છે. ભારત અને ઇટાલીમાં ચેપ ઓછો ફેલાયો છે. ઇટાલીમાં 10 હજારથી વધારે અને ભારતમાં 45000ને વટાવવાની તૈયારીમાં છે. આ બે આંકડાના ફરક કરતાં 12000 ટેસ્ટ સામે 800નો ટેસ્ટનો આંક બહુ લાગે છે. એટલે સાર કાઢી શકાય કે ભારતે લૉકડાઉન કર્યા પછી તરત જ વધારે ટેસ્ટ કરવાના કામમાં લાગી જવાની જરૂર હતી.
અગાઉનો અનુભવ અને ટેક્નોલૉજીનો ઉપયોગ

તાઇવાનને SARS ફેલાયો ત્યારે બૂરો અનુભવ થયો હતો. તેમાંથી અનુભવ લઈને ચીનમાં વાઇરસ ફેલાયો છે તેની જાણ થતાં જ એરપોર્ટ અને બંદર પર ચૂસ્ત ચેકિંગ ચાલુ કરી દેવાયું હતું. ચીનથી અને વિદેશી આવનારાને સીધા જ ક્વૉરેન્ટાઇન કરવાના શરૂ કર્યા અને ટેક્નોલૉજીની મદદથી સતત ટ્રેસિંગ અને ટ્રેકિંગ થતું રહ્યું. દક્ષિણ કોરિયાને 2016માં MERS (મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ)નો અનુભવ થયો હતો. મધ્ય પૂર્વના દેશમાંથી આવેલો માણસ ચેપ લઈને આવ્યો. તેણે ત્રણ દવાખાને સારવાર કરાવી અને પછી ખ્યાલ આવ્યો કે તેને MERS વળગ્યો છે. ત્યાં સુધીમાં ત્રણ દવાખાનેથી ચેપ ફેલાઈ ગયો હતો. 186 કેસ મળી આવ્યા અને 36ના મોત થઈ ગયા.
થોડું મોડું થયું અને ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે 17,000 જેટલા લોકો જોખમી લાગ્યા. તેમને ક્વૉરેન્ટાઇન કરવા પડ્યા, પ્રતિબંધો મૂકવા પડ્યા અને વેપાર ધંધા અટકી પડ્યા તેનું નુકસાન અર્થતંત્રને થયું. બે મહિના સુધી ચેપ કાબૂમાં આવ્યો નહોતો.

તેમાંથી શીખ લેવામાં આવી અને હોસ્પિટલમાં તબીબી સ્ટાફની સુરક્ષાની કાયમી વ્યવસ્થા કરાઈ. આજે કોરોનામાં દુનિયાભરમાં ડૉક્ટર્સ અને નર્સને પણ ભોગવું પડે છે, ત્યારે દક્ષિણ કોરિયામાં તબીબી સ્ટાફને ભાગ્યે જ ચેપ લાગ્યો છે. મોબાઇલ ફોન ચેપ લાગ્યો હોય તે વ્યક્તિની મૂવમેન્ટ જાણવામાં ઉપયોગી થાય છે તેવો ખ્યાલ આવ્યો. તેથી કાયદો કરાયો અને ચેપ લાગ્યો હોય તે વ્યક્તિ માટે ફોનનંબર, ક્રેડિડ કાર્ડ વગેરે જેવી માહિતી આપવાનું ફરજિયાત કરાયું. આ વખતે તેનો મહત્તમ ઉપયોગ થયો. ક્વૉરેન્ટાઇન કરાયેલી વ્યક્તિ બહાર નીકળે તો તરત ખબર પડી જાય. બીજું કે સીસીટીવીનો ઉપયોગ કરીને ટેસ્ટ પોઝિટિવ આવ્યો તે પહેલાં તે વ્યક્તિ ક્યાં ક્યાં ફરી હતી, કોને મળી હતી તેની પણ માહિતી મેળવી લેવાઈ. તેનો ઉપયોગ કરીને કોન્ટેક્ટ કરાયું, ટેસ્ટિંગ કરાયું અને તેમનું ટ્રેકિંગ પણ શરૂ થઈ ગયું.

ટેસ્ટિંગમાં ઝડપ માટે અવનવા ઉપાયો કરાયા. લોકો પોતાની કારમાં ટેસ્ટ બૂથ પાસે આવે. કારમાં જ બેસીને પોતાના નમૂના આપી દે અને ફોન નંબર આપીને ઘરે જતા રહે. તેમને મોબાઇલ પર જ રિઝલ્ટ મળી જાય. રિઝલ્ટ પણ ઝડપથી મળે. ટ્રેકિંગની ખૂબ સારી સુવિધા હોવાથી હોમ ક્વૉરેન્ટાઇન અને ઘરે જ સારવાર વધારે વ્યાપક રીતે થઈ શક્યું. તેના કારણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પણ ભીડ પણ ના થઈ.

દિલ્હીની કેજરીવાલ સરકારે અને ગુજરાતની રૂપાણીની સરકારે દાવા કરેલા કે તેઓ પણ કારમાં લોકો આવે તે રીતે ટેસ્ટ કરશે. તેનું શું થયું અને કેટલા ટેસ્ટ થયા અને મોબાઇલ ટેસ્ટ વાનમાં કેટલા ટેસ્ટ થયા તે આંકડાં સહેલાઈથી મળતા નથી અને ખાંખાખોળા કરવા પડે છે. વચ્ચે તો ગુજરાતમાં ટેસ્ટ પણ ઓછા કરી નખાયા. પછી એપ્રિલના છેલ્લા અઠવાડિયે દાવો કરાયો કે રોજના 3000 ટેસ્ટ કરવાની ક્ષમતા છે. મેના પ્રથમ અઠવાડિયે દાવો થયો કે 5300 ટેસ્ટ થયા છે. સમરસ હોસ્ટેલમાં રખાયેલા લોકોની ફરિયાદ છે કે ટેસ્ટ કર્યા પછી ત્રણ-ચાર-પાંચ દિવસ સુધી રિઝલ્ટ મળતા નથી.

કોરોના વચ્ચે દાવા પ્રતિદાવા ચાલતા રહેવાના અને સફળતાના સરકારી દાવા થવાના, પણ દુનિયામાં અડધો ડઝન દેશથી વધારે દેશ સફળતાની ગુલબાંગ નહિ જ પોકારી શકે તે નક્કી છે. વાત પણ સાચી કે આ મહાસંકટ હતું, તેથી નિષ્ફળતાની નિંદાનું કામ નથી કરવાનું, પણ ખોટા દાવા પણ ના થવા જોઈએને…. ને વિવાદો પણ ના થવા જોઈએ, માનીએ છીએ.

આવતા હપ્તામાં જણાવીશું કે ટેક્નોલૉજીના ઉપયોગ સામે નાહકનો વિવાદ થઈ રહ્યો છે. દક્ષિણ કોરિયા અને સિંગાપોર જેવા દેશોએ મોબાઇલ ટેક્નોલૉજીનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કર્યો તેની ચર્ચા નવા લેખમાં કરીશું, વાંચતા રહેજો…