લોકડાઉન નિયમોનો ભંગ થયોઃ મુંબઈમાં શરાબની દુકાનો આજથી બંધ

મુંબઈઃ મુંબઈમાં વાઈન શોપ્સની બહાર શરાબી લોકોની બે દિવસથી અપાર ભીડ થતી હોવાને કારણે અને લોકો તથા દુકાનના માલિકો સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરતા ન હોવાથી શરાબની દુકાનોને બુધવારથી બંધ રાખવાનો મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે.

મુંબઈના મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેસીએ મંગળવારે એક સર્ક્યૂલર બહાર પાડીને જાહેરાત કરી હતી કે બુધવારથી મુંબઈમાં માત્ર કરિયાણા અને મેડિકલ સ્ટોર્સ જ ખુલ્લા રાખી શકાશે.

કમિશનર પરદેસીએ કહ્યું કે, સોશિયલ મિડિયામાં, પોલીસ તથા વોર્ડ સત્તાવાળાઓ તરફથી અનેક અહેવાલો મળ્યા છે જેમાં જોવા મળ્યું છે કે લોકડાઉનમાં છૂટ અપાતાં દુકાનોની બહાર લોકોની ખૂબ ભીડ થાય છે. એને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અસંભવ બની ગયું છે. અમુક જગ્યાએ તો લોકો એટલી બધી મોટી સંખ્યામાં ભેગા થાય છે કે કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું પણ મુશ્કેલ બની ગયું હતું.

મહારાષ્ટ્રમાં બે દિવસમાં 16.10 લાખ લીટર અને રૂ. 62.55 કરોડની કિંમતનો શરાબ વેચાયો છે.